બીસીસીઆઈ દ્વારા વિઝ્ઝી(VIZZY) ટ્રોફી રમાડવામાં આવે છે. જેમાં કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં રહેલા ક્રિકેટના કૌશલ્યને બહાર લાવવા પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે આ ટ્રોફીમાં ઈન્ટર વેસ્ટ ઝોનની ક્રિકેટ ટીમ માટે 130 યુનિવર્સિટીમાંથી ગુજરાતના એકમાત્ર સુરતના લેફ્ટ આર્મ પેસ બોલર ખેલાડીની પસંદગી થઈ છે. કાઠિયાવાડ એક્સપ્રેસ નામે ઓળખાતા સેનિલકુમાર જોસાલિયાની પસંદગી થતાં પરિવાર અને સાર્વજનિક યુનિવર્સિટી દ્વારા ગૌરવ વ્યક્ત કરવાની સાથે સાથે સારા પ્રદર્શન માટે શુભકામના આપવામાં આવી રહી છે.
છત્તિસગઢમાં ટ્રોફી યોજાશે
વિઝ્ઝી ટ્રોફી આગામી 10 માર્ચથી 16 માર્ચના રોજ છત્તિસગઢના રાયપુરમાં યોજવામાં આવશે. જેમાં દેશના ચારેય ઝોનની એક એક ટીમ ભાગ લેનાર છે. ત્યારે વેસ્ટ ઝોનમાંથી સમગ્ર ગુજરાતમાંથી સુરતના લેફ્ટ આર્મ પેસ બોલર એવા સેનિલકુમાર હસમુખભાઈ જાસોલિયાની પસંદગી કરવામાં આવી છે. સેનિલએ આ ટુર્નામેન્ટમાં સારા દેખાવની આશા વ્યક્ત કરી છે અને અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે.
રોજની આકરી પ્રેક્ટિસ કરે છે
સાર્વજનિક યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની સાથે ક્રિકટમાં પ્રતિનિધિત્વ કરતાં સેનિલ જાસોલિયાએ જણાવ્યું હતું કે, પિતા ટેક્સટાઈલના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘરમાંથી પૂરતો સપોર્ટ મળી રહ્યો છે. સાથે જ વિઝ્ઝી ટ્રોફીમાં પસંદગી થતાં જ લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં રોજની ચારેક કલાકથી વધુની આકરી પ્રેક્ટિસ કરે છે. સાથે જ કોલેજમાં અને ખાનગી ક્લબમાં પણ બોલિંગની પ્રેક્ટિસ કરે છે.
ગુજરાત બાદ દેશ તરફથી રમવાની આશા
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાના સિંહોર તાલુકાના કાટોડિયાના વતની અને સુરતમાં સ્થાયી થયેલા સેનિલકુમારને બાળપણથી ક્રિકેટના શોખ છે. સેનિલકુમારએ 13 વર્ષની ઉંમરથી સિઝન બોલથી રમવાનું શરૂ કરી દીધું હતું. જેમાં તેમણે સ્કૂલ-કોલેજની સાથે સાથે અનેક ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ અને ટુર્નામેન્ટના મેડલ હાંસલ કર્યા છે. ગુજરાતની અંડર 25 ટીમમાં પણ રમતા સેનિલકુમારને આગામી સમયમાં ભારતીય ક્રિકેટ ટીમમાં જોડાઈને દેશને ગૌરવ અપાવવાની ઈચ્છા હોવાનું જણાવ્યું હતું.
દિગ્ગજોએ હુલામણું નામ આપ્યું
ક્રિકેટ જગતમાં દિગ્ગજ ખેલાડીઓ દ્વારા સેનિલકુમારને કાઠિયાવાડ એક્સપ્રેસનું હુલામણું નામ આપવામાં આવ્યું છે. ત્યારે સેનિલકુમારનું ફોર્મ પણ પહેલેથી જ ગજબનું રહ્યું છે. તેનો સૌથી બેસ્ટ સ્કોર બોલર તરિકે 6 રનમાં 6 વિકેટ અને બેટર તરીકેનો 95 રનનો રહ્યો છે. હાલ ઓલઓવર ગુજરાતમાં ઈન્ટર ડિસ્ટ્રીક્ટમાં પેસ બોલરમાં સૌથી વધુ વિકેટ ઝડપનાર તરીકે તેનું નામ છે.
પરિવારનો હંમેશા સપોર્ટ મળ્યો છે
સેનિલકુમારના મામા તેજસભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સેનિલકુમાર નાનો હતો ત્યારથી જ તેનામાં ક્રિકેટરના ગુણો અમે પારખી ગયા હતાં. નાનપણમાં જ તેનો ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈને અમે તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો હતો. દરેક ટુર્નામેન્ટમાં તે અમારા પરિવારની સાથે શહેર અને રાજ્યનું નામ રોશન કરી રહ્યો છે. ત્યારે આગામી સમયમાં અમને પૂરો ભરોસો છે કે, તે જરૂર ભારતીય ક્રિકેટમાં સ્થાન પામીને દેશ અને દુનિયામાં તિરંગો લહેરાવશે.
પ્રેક્ટિસ સાથે ડાયટ પર પૂરતું ધ્યાન આપે છે
સેનિલકુમાર ક્રિકેટની રોજની આકરી પ્રેક્ટિસની સાથે સાથે પોતાના ડાયટનું પણ પૂરતું ધ્યાન રાખે છે. હાઉસ વાઈફ માતા તેના ડાયટમાં પૂરતાં પ્રોટિન, વિટામિન અને મિનરલ્સ જળવાઈ રહે તે પ્રકારની રસોઈ બનાવે છે. કઠોળ, ડ્રાયફ્રૂટ સહિતની વસ્તુઓ તેને આપવામાં આવે છે. સાથે જ સેનિલકુમાર પણ પોતાની ફિટનેસ જળવાઈ રહે તે પ્રકારના ભોજન લેવાનો આગ્રહ રાખે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.