સુરતના ઇચ્છાપોર બ્રિજ ઉપર 15 દિવસ અગાઉ 143 ટન વજનનો રિફાઇનરી પાર્ટ બોઇલર લઈને જતું કન્ટેનર પલટી મારી ગયું હતું. જેમાં બ્રિજના પાયા પણ ડગમગી ગયા હતા. બોઇલરનું વજન ખૂબ જ વધુ હોવાને કારણે તેને હટાવવાની કામગીરી 15 દિવસથી વિલંબમાં પડી હતી. કંપની દ્વારા આટલું વિશાળ રિફાઇનરી પાર્ટને કેવી રીતે દૂર કરવું તે એક મોટો પ્રશ્ન હતો. આખરે 450 ટનની ક્રેનની મદદ લઈને તેને ત્યાંથી નીચે ઉતારવામાં આવ્યું હતું.
ચાર દિવસથી ક્રેનને ગોઠવવાની કામગીરી ચાલતી હતી
મહાકાય બોઇલરને દૂર કરવા માટે ખૂબ વિશાળ ક્રેનનો ઉપયોગ કરવો પડે તે જરૂરી હતો પરંતુ તેની સાથે સાથે બ્રિજને પણ કોઈ નુકસાન ન થાય અને કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તે એક મોટો પડકાર હતો. બોઇલરને હટાવવા પહેલા તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી હતી. રિફાઇનરી પાર્ટસને દૂર કરવા 430 ટનની ક્રેઈન મંગાવવામાં આવી હતી. ક્રેનનું વજન હોવાથી તેને બ્રિજ ઉપર લઇ જઇ શકી ન હતી. જેથી બ્રિજની નીચે વ્યવસ્થા કરવામાં આવી હતી. નિષ્ણાંતોની ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસથી ક્રેનને ગોઠવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
કન્ટેનર પલટી જતા બ્રિજને પણ નુકસાન થયું
હજીરાની એલ એન્ડ ટી કંપની અને હાઇવે ઓથોરિટીના ઓફિસરો દ્વારા સમગ્ર પ્રક્રિયા ઉપર નજર રાખવામાં આવી હતી અને તેમના દ્વારા નિર્ણય લઈને આજે બોઈલરને સફળતાપૂર્વક ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કન્ટેનર પલટી જતા બ્રિજને પણ નુકસાન થયું છે. બોઇલરને હટાવ્યા બાદ બ્રિજના સમારકામની કામગીરી શરૂ થશે. બ્રિજનો વાહન વ્યવહાર માટે ઉપયોગ હાલ બંધ કરી દેવાયો છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ વધી છે. બ્રિજના સમારકામ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે.
અંદાજે બ્રિજમાં 50 લાખનું નુકસાન
ઈચ્છાપોર બ્રિજ પર 143 ટન વજન ભરેલું કન્ટેનર પલ્ટી મારી જતાં વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ કરી દેવાયો હતો. મહાકાય કેન્ટેનરના વજનથી બ્રિજના પાયા ડગમગી ગયા હતા. અંદાજે બ્રિજમાં 50 લાખનું નુકસાન છે. કેન્ટેનર હટાવવા હજીરાની કંપનીને પણ નોટિસ પણ અપાઈ હતી. બીજી તરફ SVNITના નિષ્ણાતોનું કહેવું છે કે, કન્ટેનર હટ્યા પછી બ્રિજ રિપેર કરવો પડશે જેથી શરૂ થતા લાંબો સમય લાગશે.
બ્રિજના રીપેરિંગ માટે એક મહિના કરતા વધારે સમય લાગી શકે
બ્રિજ ડિઝાઇન એક્સપર્ટે કહ્યું હતું કે, બ્રિજનો સ્લેબ, બોટમના બીમ, ડામર રોડ અને ડિવાઇડરને નુકશાન થયું હોવાની આશંકા લાગી રહી છે. પાર્ટ્સ હટાવ્યા પછી ચોક્કસ ખ્યાલ આવી શકે કે બ્રિજનો કેટલો ભાગ ડેમેજ થયો છે. બ્રિજના રીપેરિંગ માટે એક મહિના કરતા વધારે સમય લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.