ભાસ્કર એક્સક્લુઝિવ:સુરત એરપોર્ટ પર રનવેના મોડિફિકેશન બાદ કોઇ પણ દેશના પીએમ કે રાષ્ટ્રપતિનું બોઇંગ-777 એરક્રાફ્ટ લેન્ડ થઈ શકશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન દક્ષિણ ગુજરાત આવી શકે

વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત કે પછી દક્ષિણ ગુજરાતમાં આવે તે પહેલાની તૈયારી શરૂ થઈ છે. એવામાં જ સુરત એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એર ઇન્ડિયા વન એટલે કે બોઇંગ-777 એરક્રાફ્ટ લેન્ડ થઇ શકે તે માટે રનવેની સાથે એપ્રેનના મોડિફિકેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે.

હાલમાં સુરત એરપોર્ટનો રનવે 2905 મીટરનો છે અને તેમાં એરબસ-320 સુધીના એરક્રાફ્ટ સરળતાથી લેન્ડ થઇ શકે છે. એટલું જ નહીં, એરબસ-320 સુધીના એરક્રાફ્ટો રનવે એન્ડિંગ પર સરળતાથી ટર્ન થઇ શકે છે. જો કે, બોઇંગ-777 એરક્રાફ્ટ લેન્ડ થાય તો તેને રનવે પર લેન્ડ કરાવી શકાય છે, પરંતુ રનવેના એન્ડિંગ પર ટર્ન કરવામાં તકલીફ પડે છે.

આમ, આવી સ્થિતિને જોતા જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત એરપોર્ટના ડેવલપમેન્ટમાં થોડો સુધારો કર્યો છે. વેસુ તરફના રનવેના એન્ડિંગ પર બોઇંગ-777 સરળતાથી ટર્ન થાય એટલો મોટો બનાવાય રહ્યો છે. આ સાથે રનવે અને એપ્રેનને જોડતો વે પણ મોટો કરાય રહ્યો છે.

આમ, આ મોડિફિકેશન બાદ સુરત એરપોર્ટ પર વિશ્વના કોઇ પણ દેશના વડાપ્રધાન કે પછી રાષ્ટ્રપતિનું એરક્રાફ્ટ લેન્ડ થઇ શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાના વડાપ્રધાન જો બાયડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બન્ને પાસે એક સરખું જ એરક્રાફ્ટ હોવાની વાત છે.

મોડિફિકેશન બાદ 19 ફ્લાઇટ પાર્ક કરી શકાશે
એએઆઇ સુરત એરપોર્ટ પર 22 ફ્લાઇટ પાર્ક કરી શકાય એવું એપ્રેન બનાવી રહી હતી. પણ હવે રનવે અને એપ્રેનને જોડતો વે મોટો કરવાનો આદેશ મળતા એપ્રેનના પ્લાનિંગમાં બદલાવ આવ્યો છે એટલે કે હવે એરપોર્ટ પર 22 ફ્લાઇટ નહીં, પરંતુ 19 ફ્લાઇટ પાર્ક કરાય એવું એપ્રેન બનાવાશે.

મોદી એરપોર્ટ પર વિકાસના કામોની મુલાકાત લઈ શકે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના જુદા જુદા પ્રોજેક્ટો જેવા કે ટર્મિનલ બિલ્ડિંગ વિસ્તરણ, એપ્રેન અને પેરેલલ ટેક્સી ટ્રેક સહિતના કામની મુલાકાત લેશે. તે પછી ડાયમંડ બુર્સની સાથે મેટ્રો કામકાજની પણ મુલાકાત લે એવી વાત ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...