તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેરન્ટ્સ માટે ચેતવણીરૂપ કિસ્સો:સુરતના સરથાણામાં સ્ટંટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
મીત વીરડિયાની તસવીર - Divya Bhaskar
મીત વીરડિયાની તસવીર
  • 8મા ધોરણમાં ભણતો મીત વીડિયો સોશિયલ મીડિયા પર મtકતો હોવાથી માતાએ મોબાઇલ લઈ લીધો હતો
  • જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો એ રહસ્ય, પી.એમ. રિપોર્ટ મુજબ મોતનું કારણ ફાંસો છે
  • પરિવાર કહે છે, છેલ્લા એક વર્ષમાં મીતે 500 વીડિયો બનાવ્યા હતા

સરથાણામાં સ્ટન્ટના વીડિયો બનાવવાના શોખીન 13 વર્ષના કિશોરની ગળેફાંસો ખાધેલી હાલતમાં તેના ઘરની ગેલેરીમાંથી લાશ મળી હતી. ધોરણ-8માં ભણતા મીતે જાતે ફાંસો ખાધો કે ગળામાં દુપટ્ટો ભેરવાયો એ હજુ રહસ્ય છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે, મોતનું કારણ ફાંસો સ્પષ્ટ થયું હોવાનું પોલીસે જણાવ્યું છે. મીત સ્ટન્ટ સહિત ડાન્સના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર સતત અપલોડ કર્યા કરતો હોવાથી તેની માતાએ તેની પાસેથી મોબાઈલ લઈ લીધો હતો અને આ પછી ઘટના બની હોવાનું પીઆઈ એમ. કે. ગુર્જરે જણાવ્યું હતું.

ઘરની બાલ્કની મીતની ફેવરિટ જગ્યા હતી. છેલ્લાં પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો. છેલ્લા એક વર્ષમાં મીતે 500 જેટલા વીડિયો બનાવ્યા હશે.
ઘરની બાલ્કની મીતની ફેવરિટ જગ્યા હતી. છેલ્લાં પાંચેક વર્ષથી તેને સમય મળે બાલ્કનીમાં જ રમતો અને સ્ટંટ કરતો હતો. છેલ્લા એક વર્ષમાં મીતે 500 જેટલા વીડિયો બનાવ્યા હશે.

મૂળ અમરેલી જિલ્લાના કેરાળા (વીરડિયા) ગામના વતની અશ્વિન લક્ષ્મણભાઈ વીરડિયા હાલમાં સરથાણાની માનસરોવર સોસાયટીમાં પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અનસૂયા, દીકરી હેની ઉર્ફ હેતુ અને નાનો દીકરો મીત (13 વર્ષ) છે. અશ્વિનભાઇ ઉધનામાં એમ્બ્રોઇડરી-ટેક્સટાઈલનું ખાતું ચલાવે છે. મીત હાલ ધોરણ ૮માં અભ્યાસ કરતો હતો. હાલ લોકડાઉન અને વેકેશન હોવાથી તે ઘરે જ રહેતો હતો. મીતને સ્ટંટ કરવાનો, ડાન્સ કરવાનો, ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો. તે બોક્સિંગ કરતો હોય એ રીતે દીવાલને મુક્કા મારતો રહેતો હતો.

ફાંસો ખાધો કે ભૂલમાંથી લાગ્યો એ રહસ્ય
આ પ્રવૃત્તિઓનો તે વીડિયો બનાવી સોશિયલ પ્લેટફોર્મ પર અપલોડ કરતો હતો. મંગળવારે સાંજે પણ તે ઘરની ગેલેરીમાં સ્ટંટ કરતો હતો. સાંજે 7 વાગ્યા સુધી પણ તે ઘરમાં ન આવતાં બહેન હેની તેને જોવા ગેલેરીમાં ગઈ હતી. પહેલી નજરે ભાઇ બેસેલો હોય એવું જણાયું હતું, પરંતુ નજીક જઈને જોતાં તે ફાંસો લાગેલી હાલતમાં હતો. ગેલેરીમાં પાંચેક ફૂટ ઉપર લાગેલા ખીલાને પટ્ટા જેવી દોરી બાંધેલી હતી. તેને તાત્કાલિક સુરત ડાયમન્ડ હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

મીતને સ્ટન્ટનો શોખ હતો : પિતા
મીતના પિતાએ જણાવ્યું હતું કે તેને સ્ટંટ કરવાનો બહુ શોખ હતો, ડાન્સ કરવાની એક તક જવા દેતો ન હતો. આવી રીતે ફાંસો લાગ્યો એ માનવામાં નથી આવતું. કાંઈ કહી શકાય નહીં. કોઈના પર શંકા નથી. અમે તો જાણે સર્વસ્વ ગુમાવી દીધું છે.

મીતની ગરદન ઝૂકી ગઇ હતી: PSI
પીએસઆઈ એમ.બી. પઢિયારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસો ખાધો હોવાનું સ્પષ્ટ તારણ જાણવા મળ્યું છે. જોકે તેણે જાતે ફાંસો ખાધો કે રમતાં રમતાં દુપટ્ટો ગળે વીંટળાઈ ગયો એ હજુ તપાસનો વિષય છે. તેની ગરદન પણ ઝૂકી ગયેલી જોવા મળી હતી.

વાલીઓ માટે રેડ સિગ્નલ, બાળકોની પ્રવૃત્તિ મોનિટર્ડ કરવી જરૂરી

ડો. મુકુલ ચોક્સી, સાઇકિયાટ્રિક.
ડો. મુકુલ ચોક્સી, સાઇકિયાટ્રિક.

સાઈકોલોજીમાં મનુષ્યની સુષુપ્ત ઈચ્છાઓમાં બે પરસ્પર વિરોધી એવી ઈચ્છાઓનું વર્ણન છે. પહેલી છે ‘ઈરોસ’ ઉર્ફે જીજિવિકા અર્થાત જીવવાની લાલસા અને બીજી છે ‘થેનેટોસ’ ઉર્ફે મૃત્યુ પામવાની ઈચ્છા, અર્થાત મુમૂર્ષા. આ બંને અજાગ્રત ઈચ્છાઓ જીવનભર અલગ અલગ સ્વરૂપે પ્રગટ થતી રહે છે, જેમ કે ‘થેનેટોસ’ વધારે હોય તે વ્યક્તિ વ્યસન, જોખમી લાઈફસ્ટાઈલ યા જીવસટોસટના સ્ટંટ કરતી રહે છે અને ક્યારેક ‘મુમૂર્ષા’ એનું કામ કઢાવી લે છે.

એપ્રિશિયેશન મળવાથી તેમને આનંદ મળે છે
તરુણોમાં જોમ, સાહસિકવૃત્તિ, કશુંક નવું કરવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. એમાં ગ્લેમર વર્લ્ડના રોલમોડલ ભળે છે. વળી, તેમની પાસે હાથવગા ડિજિટલ ટૂલ્સ હોય છે. શરૂ શરૂમાં ટાઈમપાસ જેવા લાગતા સ્ટંટ ક્યારેક ખૂબ એપ્રિશિયેશન મળવાથી આનંદપ્રાપ્તિનો અને ઈગો પ્રેમ્પરિંગનો સોર્સ બની જઈ શકે છે. અને જો આ પ્રવૃત્તિ સંયમિત, મોનિટર્ડ, રેગ્યુલાઈઝ્ડ રસ્તે આગળ વધવાને બદલે ‘મેજર રિસ્ક ટેકિંગ બીહેવિયર’ બનીને આગળ વધે તો આવી કરુણાંતિકા સર્જાઇ શકે છે.

આવા કરુણ અકસ્માતો ભલે જ્વલ્લે બને છે, પણ વાલીઓ માટે રેડ સિગ્નલ જેવા બની રહે છે. તરુણોને ઓવર સપ્રેસ્ડ, ઓવરડિસિપ્લિન્ડ પણ ન બનાવી શકાય અને ટોટલી નિગ્લેક્ટેડ, લિબરેટેડ, અનમોનિટર્ડ પણ ન રાખી શકાય. આ બંને વચ્ચેનું સંતુલન જેટલું જ ડેલિકેર અને ડિફિકલ્ટ ટુ પ્રેક્ટિસ હોય છે. સ્ટંટ ક્યારેક ‘થ્રિલ’ને બદલે ‘Kill’ કરી નાખે ત્યારે બધાને હચમચાવી નાખે છે.

અન્ય સમાચારો પણ છે...