ઘાસચારો લેવા જતાં મોત મળ્યું:માંડવીના આમલી ડેમમાં શ્રમિકો સાથેની નાવડી પલટી, 2નાં મોત, 3ને બચાવી લેવાયા,5ની શોધખોળ ચાલુ

સુરત4 મહિનો પહેલા
દુર્ઘટનાને પગલે સ્થાનિકો અને પોલીસ દોડી આવી હતી.( આ દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે.)
  • ડેમ વચ્ચે નાવડીમાં બેસાડીને શ્રમિકોને લઈ જવાતા હતા
  • તમામ શ્રમિકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી હતા

સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં દુર્ઘટના સર્જાઈ છે. આમલી ડેમમાં નાવડીમાં બેસાડીને શ્રમિકોને વચ્ચે આવેલા ડુંગર પરથી ઘાસ લેવા જતા હતાં. એ દરમિયાન નાવડી પલટી મારી ગઈ હતી. જેથી ડેમમાં 10 જેટલા શ્રમિકો ડૂબી રહ્યાં હતાં. તાત્કાલિક શ્રમિકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાંથી 3 શ્રમિકોને બચાવી લેવાયા હતા જ્યારે 2નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે હાલ 5 શ્રમિકોની શોધખોળ ચાલુ છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું.
પોલીસે ઘટના સ્થળે પહોંચી પંચનામું કર્યું હતું.

ઘાસચારો લેવા જતા હતા
આમલી ડેમની વચ્ચે આવેલા ડુંગર પર ઘાસચારો લેવા માટે શ્રમિકો નીકળ્યાં હતાં. રોજિંદા ક્રમ પ્રમાણે શ્રમિકો નાવડીમાં બેસીને ઘાસચારો લેવા જતાં હતાં. એ દરમિયાન નાવડી પલટી મારી ગઈ હતી. જેથી શ્રમિકો ડેમના પાણીમાં ડૂબવા લાગ્યાં હતાં. દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને તંત્ર દ્વારા બચાવ કામગીરીમાં 3 શ્રમિકોને બચાવી લેવામાં સફળતા મળી હતી. જ્યારે અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ડેમની વચ્ચે જ નાવડી પલટી મારી ગઈ હતી.
ડેમની વચ્ચે જ નાવડી પલટી મારી ગઈ હતી.

સ્થાનિકો દોડી આવ્યા
ડેમમાં દુર્ઘટના સર્જાયાની જાણ તંત્રની સાથે સ્થાનિકોને થતાં લોકો દોડી આવ્યાં હતાં. ડેમમાં ડૂબેલાને શોધવા માટે સ્થાનિકો અને તંત્ર કામે લાગ્યું હતું. જેમાં હાલ ડેમમાંથી 5 વ્યક્તિઓની શોધખોળ ચાલી રહી છે. સ્થાનિક તરવૈયાની પણ શોધખોળ માટે મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિક લોકો મૃત્યુઆંક વધે તેવી શક્યતા દર્શાવી રહ્યા છે.

મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.( આ દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે.)
મૃતકોમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.( આ દ્રશ્ય તમને વિચલિત કરી શકે છે.)

પોલીસ ઘટના સ્થળે
સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ પહોંચી ગયો છે. પોલીસે સમગ્ર દુર્ઘટના અંગેનું પંચનામું કરીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહ્યો છે.

આ લોકોનો બચાવ
જિતેન્દ્ર વસાવા (30), લલીતાબેન વસાવા (50), દીબુબેન વસાવા(55)
આ પાંચ લોકોની શોધખોળ ચાલુ છે: મીરાભાઈ વસાવા (60), રાલુબહેન વસાવા (55),મગુભાઈ વસાવા (60), રાયકુબહેન વસાવા (55), પુનિયાભાઈ વસાવા (65)

મૃતક દેવનીબેન વસાવા (63) અને ગીમલીબહેન વસાવા (62)
મૃતક દેવનીબેન વસાવા (63) અને ગીમલીબહેન વસાવા (62)

જીતેન્દ્ર વસાવા(હોડીચાલક)એ જણાવ્યું : મોટું મોજું આવ્યું અને હોડીનું બેલેન્સ ખોરવાઈ ગયું
હું જાતે જ હોડી હંકારી રહ્યો હતો. ટેકરી પર પહોંચવા અંદાજે 15 મિનિટનું અંતર બાકી હતું ત્યારે પવનની ગતિ ઓચિંતી વધી ગઈ હતી.જેથી પાણીમાં મોજા થવા લાગ્યા અને હોડીનું બેલેન્સ ખોરવાતા પલટી ગઈ હતી. 10 પૈકી બે મહિલાઓ સહિત હું સલામત બહાર આવી ગયો હતો. હોડી ડૂબવાનું દૃશ્યથી હજુ પણ હું ગભરાટ અનુભવું છુ. મારા માતા-પિતા પણ હોડીમાં હતા જેમની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

ડેમમાં ડૂબી ગયેલા 7 પૈકી 3 દંપતી, અને એક વિધવા વૃદ્ધા છે
દેવગીરી ગામના આમલી ડેમમાં ડૂબી ગયેલ 3 પુરુષ અને 4 મહિલાઓમાં 3 દંપતી જોડું અને એક વૃદ્ધા છે. જેમાં 2 દંપતીમાં પુનિયાભાઈ વસાવા અને મગનભાઈ વસાવા બંને સગા ભાઈ છે. જ્યારે દેવનીબેન અને રાયકુબેન દેરાની જેઠાણી છે. આ દુઃખદ ઘટનાથી પરિવાર સાથે ગામ આખું શોકમગ્ન બન્યું હતું.