શુક્રવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કતારગામના વસ્તાદેવડી રોડની મિલોમાંથી કાર્બનની રજકણોના કારણે રહીશોનાં આરોગ્ય સામે જોખમ ઊભું થઇ રહ્યું હોવાની રાવ નંખાઈ હતી તેના બીજા દિવસે જ કેમિકલ યુક્ત રજકણની અસરના લીધે સરદાર નગર સોસાયટીની મહિલાએ 2 મહિનાથી શ્વાસ સંબંધિત રોગમાં સપડાઇ હોવાની રાવ સાથે તાકીદે સમસ્યા નિકાલ કરવા માંગ કરી હતી.
એક સ્થાનીક તબીબે છેલ્લા મહિનાઓમાં અસ્થમા અને આંખના ઇન્ફેક્શન સાથેના કેસોમાં વધારો થયો હોવાનું જણાવ્યું હતું. આ અંગે સ્ટેન્ડિંગ સભ્ય દક્ષેશ માવાણીએ કહ્યું કે, કેટલીક મીલની ચીમનીના ફિલ્ટર બદલાતાં ન હોવાથી આ સમસ્યા વધી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે, ઘણી વાર તો આંગણામાં પણ બેસી શકાતું નથી એટલી રજકણો હવામાં ઊડતી હોય છે.
અસ્થમાના કેસ વધ્યા
સુમુલ ડેરી રોડના રહીશોમાં સ્કીન, આંખની એલર્જી અને અસ્થમાના કેસ વધ્યા છે. કેટલીક ઇન્ડસ્ટ્રીઝની રજકણ અને ધુમાડાની અસર સ્પષ્ટ દેખાય છે. > ડો. જગદિશ ધાનાણી, સિદ્ધિ ક્લિનિક, સુમુલ ડેરી રોડ
બોલવામાં પણ તકલીફ
છેલ્લા 2 માસથી શ્વાસના રોગમાં સપડાઇ છું. બે વખત દાખલ કરવી પડી છે. બોલવામાં તકલીફ થાય છે. ઘણા રહીશોએ ફરિયાદ કરવા છતાં તંત્ર દરકાર લેતું નથી. > લીના પટેલ, રહીશ, સરદાર નગર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.