તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણ બાદ લોકો આરોગ્યને લઈને જાગ્રત થયા છે. પીવાના શુદ્ધ પાણીમાં પણ લોકો તકેદારી રાખી રહ્યા છે, ત્યારે મોકાનો લાભ ઉઠાવતાં લેભાગુ તત્ત્વો દ્વારા શુદ્ધ બોટલ બંધ પાણીના નામે કાળો કારોબાર ચલાવવામાં આવી રહ્યો છે. ISI કે BISના લાઇસન્સ વગર જ ચાલતા પાણીના પ્લાન્ટથી બોટલમાં બંધ થઈને 'બીમારી' લોકોનાં ઘર સુધી પહોંચી રહી છે. DivyaBhaskarએ સ્ટિંગ કરીને શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતા 400થી વધુ પ્લાન્ટ પર તપાસ કરી હતી, જેમાંથી અડધોઅડધ પાસે ISI કે BISના સર્ટિની વાત તો દૂર રહી, પરંતુ પાલિકાનું ગુમાસ્તા ધારા પણ નથી. નાનકડી ઓરડીમાં કે પતરાના શેડમાં ચાલતા પ્લાન્ટ સામે પાલિકાનું આરોગ્યતંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ગેરકાયદે ચાલતા પ્લાન્ટ અંગે પાલિકાના આરોગ્યઅધિકારીએ કહ્યું હતું કે સર્વે થયો છે; આગામી દિવસોમાં સીલ મારવાની કાર્યવાહી પણ કરીશું.જો કે 50 ટકાથી વધુ ગેરકાયદે ચાલતા પ્લાન્ટથી 2 લાખથી વધુ લોકોને અશુદ્ધ પાણી પીવાનું મળી રહ્યું છે.
200થી વધુ ગેરકાયદે પ્લાન્ટ ધમધમે છે
DivyaBhaskar સ્ટિંગમાં શહેરના વરાછાથી લઈને ડિંડોલી અને અઠવાથી લઈને આંજણા તથા કામરેજ, કતારગામ અને ઉધના સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પાણીના પ્લાન્ટ આવેલા હોવાનું સામે આવ્યું છે. 200થી વધુ ગેરકાયદે પ્લાન્ટ કોઈ જ ધારાધોરણો વગર ધમધમી રહ્યા છે. એની સાથે એટલા જ લાયસન્સવાળા પ્લાન્ટ પણ આવેલા છે. જોકે લાઇસન્સવાળા પ્લાન્ટ પર તપાસ કરતાં અધિકારીઓને ગેરકાયદે ધમધમતા પ્લાન્ટ ધ્યાનમાં જ આવતા ન હોય એ રીતે કોઈ કાર્યવાહી થતી ન હોવાનું પણ સામે આવ્યું છે.
2 લાખ લોકોને મિનરલના નામે અશુદ્ધ પાણી મળે છે
એક અંદાજ પ્રમાણે 50 ટકા ગેરકાયદે અથવા વગર લાયસન્સે ચાલતા પ્લાન્ટમાંથી રોજના 5 લાખ લિટર પાણીનો વેપલો કરવામાં આવી રહ્યો છે. મિનરલના નામે પાણી વેચતા ગેરકાયદે પ્લાન્ટમાંથી બે લાખ લોકોને રોજનું અશુદ્ધ પાણી મળી રહ્યું છે. જેથી આ 2 લાખ લોકોના આરોગ્ય સાથે સીધા જ ચેડાં થઈ રહ્યાં છે.
નિયમોનો ઉલાળિયો થઈ રહ્યો છે
નિયમ મુજબ, ડ્રિકિંગ પ્લાન્ટ નાખનારે ફરજિયાત ISI અને BISનું લાઇસન્સ લેવાનું હોય છે. પાલિકામાં એફિડેવિટ કરાવીને પરવાનગી લેવાની હોય છે, સાથે જ કાયદેસર ચાલતા પ્લાન્ટમાં લેબોરેટરી પણ ઊભી કરવાની હોય છે. સ્વચ્છતાનું પણ પૂરતું ધ્યાન રાખવું પડતું હોય છે. છાસવારે ઓડિટ અને ચેકિંગ આવતાં હોય છે. જ્યારે નિયમોનો ઉલાળિયો કરીને જ્યાં-ત્યાં પ્લાન્ટ શરૂ કરી દેનારે કોઈ જ પરવાનગી વગર બંધ બોટલમાં પોતાની મેળે પાણી ભરીને લોકોને પહોંચડવાની જ વ્યવસ્થા કરવાની હોય છે. લાખો રૂપિયાના લાઇસન્સ અને એને મેઈન્ટેન કરવાની કોઈ જ જવાબદારી ગેરકાયદે પ્લાન્ટ ચલાવનારને હોતી નથી. જેથી તે સસ્તામાં પાણી વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હોય છે..
અધિકારીઓની સાથે લોકો પણ બેદરકાર શહેરમાં શેરીએ, ગલીએ મિનરલ વોટરનો વેપલો ચાલુ છે. 25-30 રૂપિયામાં મિનરલ વોટરનો 20 લિટરનો ઠંડો કેરબો ઘેર કે ઓફિસે આવીને મૂકી જાય છે. આ કેરબો ક્યાં ભરાય છે, એમાં ISI કે BISનો માર્કો છે કે નહીં એ અંગે કોઇ પૂછતું પણ નથી. શહેરમા 70 ટકા વેપારીઓ ISI માર્કા વગર આ પાણી લોકોને પીવડાવે છે. પાઉચમાં પીવાતું પાણી જોખમી લાગતાં એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ કોઇ જાતની પરમિશન કે ISI માર્કા વગર મિનરલ વોટર કેરબામાં વેચાઇ રહ્યું છે. કોણ, ક્યાંથી પાણી ભરીને શેરી-ગલીમાં વેચે છે એની કોઇ તંત્રના ચોપડે નોંધ નથી. આમ છતાં કોઇ અધિકારીને લોકોના સ્વાસ્થ્યની ચિંતા નથી. બધા આંખ આડા કાન કરી રહ્યા છે. પાણીના ચોકાદીરો મૌન છે કે પછી આ રીતે વેપલો કરતા હપતારાજમાં ફાવી ગયા છે એ ચર્ચાનો વિષય છે.
રોગ પણ લાગુ પડી શકે
ગેરકાયદે ચાલતા પ્લાન્ટમાં સ્વચ્છતાથી લઈને કોઈ જ બાબતની દરકાર લેવામાં આવતી નથી. નગરપાલિકા કે મહાપાલિકાની વિતરણ વ્યવસ્થામાંથી મિનરલ વોટર બનાવવું કાયદેસર રીતે ગુનો બને છે. કાયદેસર રીતે ચાલતા પ્લાન્ટમાં પાણીને જંતુ રહિત કરવા માટે અલ્ટ્રાવાયોલિન કિરણોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. બોટલમાં પાણી ચેક કરતા સમયે સૂક્ષ્મ જીવાણુઓને નષ્ટ કરવા માટે એમાં ક્લોરિન વાયુ છોડવામાં આવે છે. ગેરકાયદે ચાલતા પ્લાન્ટના પાણી દૂષિત પણ હોય શકે છે, જેથી આ દૂષિત પાણીથી પીવાથી બ્લડપ્રેશર, અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયરોગ જેવા ગંભીર રોગ થઇ શકે છે. ખરાબ પાણી પીવાથી હાડકાં અને આંતરડાંના રોગ લાગુ પડી શકે છે.
સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે- આરોગ્યઅધિકારી
પાલિકાના ડેપ્યુટી કમિશનર(હેલ્થ અને હોસ્પિટલ) અને ડેઝિગ્નેટેડ ઓફિસર આશિષ નાયકે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇસન્સ વગર ચાલતા પીવાના પાણીના પ્લાન્ટ અંગે ફરિયાદ મળી છે. આ અંગે તપાસ કરવામાં આવતાં લગભગ 40થી વધુ પ્લાન્ટ ગેરકાયદે અને લાઇસન્સ વગર ચાલતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ પ્લાન્ટને નોટિસ પણ આપવામાં આવી છે. નોટિસ બાદ પ્લાન્ટધારકો લાઇસન્સની કાર્યવાહી નહીં કરે તો એને સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.