તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:બ્લેક બોક્સ મશીન એટીએમમાં લગાવી કરોડો ઉપાડનારી ગેંગ સુરતથી પકડાઈ

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
એટીએમ ફ્રોડના આરોપીઓ. - Divya Bhaskar
એટીએમ ફ્રોડના આરોપીઓ.
  • બ્લેક બોક્સ ફિટ કરાતા જ એટીએમના વ્યવહાર સર્વરમાં નોંધાતા નથી
  • ટોળકીએ કોલકાતા, દિલ્હી, બેંગ્લોર સહિતના શહેરમાં ઠગાઈ કરી હતી

કોલકાતા-દિલ્હી-બેંગલોર સહિતના શહેરોમાં એટીએમ બ્લેક બોક્સ એટેક કરીને કરોડો રૂપિયાની ઠગાઈ કરનારી ગેંગના બે સભ્યોને સુરત પોલીસે ગોપીપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે. આ ટોળકી એટીએમમાં બ્લેક બોક્સ લગાવી સર્વર અને એટીએમનું કનેક્શન બ્રેક કરતા હતા અને મશીનમાંથી રૂપિયા ઉસેટી લેતા હતા.

એસઓજી ઇન્સ્પેક્ટર આર.એસ.સુવેરાએ જણાવ્યું હતું કે 14 મેના રોજ કોલકાતામાં બોવ બજારમાં આઈસીઆઈસીઆઈ બેંકમાં એક જ એટીએમથી એટીએમ બ્લેક બોક્સ એટેક દ્વારા સાઇબર ફ્રોડ કરીને અલગ-અલગ એટીએમ કાર્ડથી 25 લાખ ઉપાડીને છેતરપિંડી કરી હતી. આરોપીઓ સુરત હોવાની ખબર પડતાં કોલકાતા પોલીસ સુરત આવી હતી. દરમિયાન એસઓજીના ઇમ્તિયાઝ ફકરૂમોહમ્મદને માહિતી મળી કે કોલકાતામાં ફ્રોડ કરનારા ગોપીપુરામાં છે. એસઓજીએ નવીન લાલચંદ ગુપ્તા અને મનોજરાજપાલ ગુપ્તા(ફતેપુર,બૈરી અસોલા,નવી દિલ્હી)ને ઝડપી પાડ્યા છે.

આરોપીઓએ કબૂલાત કરી છે કે કોલકાતા ઉપરાંત દિલ્હી, બેંગલોર, યુપી અને રાજસ્થાનમાં પણ આ રીતે એટીએમ ફ્રોડ કર્યું છે. કોલકાતા પોલીસની એક ટીમ બંને આરોપીઓને કોલકાતા લઇ જશે. આરોપીઓ પાસેથી માહિતી મળી કે અન્ય આરોપીઓ દિલ્હી છે તેથી બે ટીમો દિલ્હી રવાના થઈ છે. સુરત ઉપરાંત રાજસ્થાન-પંજાબ-દિલ્હીમાં પણ આ ટોળકીના 10 ઝડપાયા છે. બંને આરોપીઓ પખવાડિયા પહેલા સુરત આવ્યા હતા. અહીં પીપલોદમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા હતા.

ઠગ ટોળકી બ્લેક બોક્સ ઉઝબેકિસ્તાનથી લઈ આવી હતી
એટીએમ બ્લેક બોક્સ ડિવાઈસ હાલમાં ઉઝબેકિસ્તાનમાં જ મળે છે. આરોપીઓની ટોળકી ઉઝબેકિસ્તાનથી આ ડિવાઈસ મંગાવ્યું હતું. આ પ્રકારના ડિવાઈસના મદદથી ફ્રોડ કરવાની ઘટનાઓ 2017-18 અમેરિકામાં બહુ બની હતી. ખરેખર ત્યારથી જ આ રીતે ફ્રોડ થવાની શરૂઆત થઈ હતી.

બેંક ગ્રાહકે ગભરાવાની જરૂર નથી
બેંકિંગ ક્ષેત્રના એક્સપર્ટ ડો. જતીન નાયકે જણાવ્યું કે, ઠગાઈના આવા કિસ્સામાં બેંક ગ્રાહકને સીધી રીતે કોઈ લેવા-દેવા નથી. એટીએમમાંથી ડાયરેક્ટ રૂપિયા જ્યારે કોઇ ઉપાડી લેતા હોય ત્યારે ગ્રાહકની કોઈ જવાબદારી બનતી નથી. એટલે તેમણે ગભરાવવાની જરૂર નથી. બ્લેક બોક્સની ઠગાઈ દેશના અલગ-અલગ મોટા શહેરોમાં થઈ છે પણ હજુ સુધી સુરતમાં આવી રીતે ઠગાઈ થઈ હોવાનું ધ્યાન પર આવ્યું નથી.

બ્લેક બોક્સ એટીએમ અને સર્વર કનેક્શન બ્રેક કરે છે
બ્લેક બોક્સ એક ડીવાઈસ છે,જે એટીએમ મશીનને બેંક સર્વર સાથે જોડાણ કરતા કેબલમાં વચ્ચે જોડવામાં આવે છે. તેથી એટીએમ મશીનમાં થયેલી ટ્રાન્જેક્શનની માહિતી બેંક સર્વર સુધી જતી નથી. જે કાર્ડનો ઉપયોગ કર્યો છે તે કાર્ડ ધારકના એકાઉન્ટમાંથી પણ બેલેન્સ માઈનસ થતું નથી.

ઠગ ટોળકી ડુપ્લિકેટ ચાવીથી એટીએમનું ટોપ કવર ખોલે છે અને તેનું મેઇન કંટ્રોલ પોસેસિંગ યુનિટ અને સર્વરનું કનેક્શન બ્રેક કરે છે.

એટીએમના કંટ્રોલ પ્રોસેસિંગ યુનિટનો કેબલ બ્લેક બોક્સ (જેકપોટ બોક્સ)માં ઇન્સર્ટ કરી ટોપ કવર બંધ કરાય છે.

બ્લેક બોક્સમાં વાઇફાઇ પણ હોય છે, એટલે ઠગ મોબાઇલ ફોનથી એટીએમ ઓપરેટ કરે છે અને તેને રૂપિયા રીલીઝ કરવાનો ઓર્ડર કરે છે.

મોબાઇલથી અપાયેલો કમાન્ડ એટીએમના સીપીયુ સુધી જ સમિતિ રહે છે. રૂપિયા મશીનમાંથી નીકળે છે પણ સર્વરને ખબર પડતી નથી.

રૂપિયા લીધા બાદ ઠગ એટીએમનું ટોપ કવર ફરીથી ખોલી બ્લેક બોક્સ કાઢી લે છે અને સીપીયુને ફરીથી સર્વર સાથે કનેક્ટ કરી દે છે.

જ્યારે કેશ રી-લોડ કરનારા આવે છે ત્યારે તેમને હિસાબમાં ગરબડ જણાય છે. સીસીટીવી જોયા બાદ જ ખબર પડે છે કે કેવી રીતે કૌભાંડ થયું.

અન્ય સમાચારો પણ છે...