સુરતમાં આઝાદીની પૂર્વ સંધ્યાએ કોરોનાની ત્રીજી લહેરના આમંત્રણ આપતાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આજે અખંડ ભારત દિવસ નિમિત્તે મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હીરાબાગ સર્કલથી માનગઢ ચોક સુધી મશાલ રેલી કાઢવામાં આવી. જેમાં મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા. દેશભક્તિના ગીત સાથે માનગઢ ચોક સુધીની મશાલ રેલીમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા પોલીસની હાજરીમાં જ ઉડતાં દેખાયા હતાં. મોટાભાગના કાર્યકરોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોતું.
પોલીસ મૂકપ્રેક્ષક બની
પોલીસ તમામ સિગ્નલ પોઈન્ટ ઉપર તેમજ અન્ય જગ્યાઓ પર સતત ઊભા રહીને માત્ર વગરના વાહનચાલકોને મસમોટો દંડ ફટકારે છે. તે મૂક પ્રેક્ષક બનીને તેમની સામે કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન જોતી રહી હતી. મશાલ રેલીમાં તેમની સામે જ વગર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોવા છતાં ભાજપના કાર્યકર્તાઓને છાવરતી હોય તે રીતે પોલીસ બંદોબસ્ત સાથે રેલી કાઢી દેવાની છૂટ આપવામાં આવી હતી. રેલીમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, પોલીસ દ્વારા તમામ કાયદાઓ માત્ર સામાન્ય પ્રજા ઉપર જ લાગુ કરવામાં આવે છે.ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સામે પોલીસ પાંગળી પૂરવાર થઇ રહી છે.
નિયમો માત્ર સામાન્ય લોકો માટે સવાલો ઉઠ્યાં
પોલીસની રહેમ નજર હેઠળ જ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને આ પ્રકારના આયોજન કરવાની છૂટ આપવામાં આવી રહી છે. કોઈના પ્રસંગમાં જ્યારે લોકો રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઇન કરતા વધુ લોકો એકત્રિત થાય તો તેના ઉપર કાયદાકીય પગલાં લેવામાં પોલીસ કોઇ જ પ્રકારની કસર રાખી નથી. તો અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, કાયદા વ્યવસ્થાના તમામ નિયમો માત્ર સામાન્ય પ્રજા પૂરતા જ લાગુ પડે છે? ભાજપ દ્વારા યોજાતા કાર્યક્રમો ઉપર પોલીસ કેમ કાયદો બતાવીને તેને નિયંત્રણમાં નથી રાખતી? તેવા સવાલો સ્થાનિકોએ ઉઠાવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.