જોખમી ચૂંટણી પ્રચાર:સુરતમાં ભાજપના કાર્યકરોએ જીવને જોખમમાં મૂક્યા, JCB પર ચડીને મતદારોને આકર્ષવા સ્ટંટ કર્યા

સુરત2 મહિનો પહેલા
ભાજપના કાર્યકરોનો JCB પર જોખમી સ્ટંટ સાથે ચૂંટણી પ્રચાર

ગુજરાત વિધાનસભા ઇલેક્શનને લઈ ચૂંટણીનો માહોલ જબરજસ્ત જામી રહ્યો છે. રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર માટે કાર્યકરોને મેદાને ઉતાર્યા છે. પરંતુ આ કાર્યકરો ચૂંટણી પ્રચારમાં પોતાનું ભાન ભૂલી અતિ ઉત્સાહમાં આવીને જોખમી રીતે ચૂંટણીનો પ્રચાર પણ કરતા જોવા મળી રહ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરો 'બુલડોઝર બાબા' યોગી આદિત્યનાથના આગમન અગાઉ JCBની આગળ પાવડામાં 8થી 10 કાર્યકરો ચડીને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતા.ચૂંટણી પ્રચારની સાથે જાણે કોઈ સ્ટંટબાજી કરવામાં આવતી હોય તે રીતે આ કાર્યકરો ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

ચૂંટણી પ્રચારમાં સ્ટંટ
ગુજરાત વિધાનસભા ઇલેક્શન માટેના રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર થઈ ગયા બાદ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમા શરૂ કરી દેવાયો છે. રાજકીય પાર્ટીના ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ તેમના કાર્યકરો પણ સોસાયટી- સોસાયટી જઈને પોતાના રાજકીય પક્ષ અને ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. આવા સમયે કાર્યકરો રાજકીય પક્ષની આડમાં કેટલાક નિયમો નેવે મૂકી રહ્યા છે, તો સાથે જોખમી સ્ટંટ પણ કરતા હોય તેમ પ્રચાર કરી રહ્યા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોનો આ જ પ્રકારે જોખમી પ્રચાર જોવા મળ્યો છે. ભાજપના કાર્યકરો દ્વારા ચોર્યાસીના ઉમેદવાર સંદીપ દેસાઈ માટે બુલડોઝર પર પ્રચાર કરવા નીકળી પડ્યા હતા. પ્રચારની સાથે જોખમી સ્ટંટ કરતા હોય તેમ જેસીબીના આગળ પાવડા પર આઠ થી દસ કાર્યકરો ચડીને પ્રચાર કરી રહ્યા હતા.

પુરૂષ કાર્યકરોની જેમ મહિલા કાર્યકરો પણ સ્ટંટ કરતી જોવા મળી હતી.
પુરૂષ કાર્યકરોની જેમ મહિલા કાર્યકરો પણ સ્ટંટ કરતી જોવા મળી હતી.

બુલડોઝર બાબાના પ્રચાર માટે કાર્યકરોનો જોખમી સ્ટંટ
સુરતમાં ચૂંટણીના પ્રચાર માટે આવતીકાલે ભાજપના રાષ્ટ્રીય દિગ્ગજ નેતાઓ સુરતમાં આવી રહ્યા છે. જેમાં ચોર્યાસી વિધાનસભા બેઠકના પ્રચાર માટે બુલડોઝર બાબા તરીકે ઓળખાતા યોગી આદિત્યનાથ સુરતમાં આવી રહ્યા છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં યોગી આદિત્યનાથની સભાનું આયોજન કરાયું છે.ત્યારે બુલડોઝર બાબાના આગમન પૂર્વે ચોર્યાસી વિધાનસભાના મતદારોને આ જનસભામાં આમંત્રિત કરવા અને બુલ્ડોઝર બાબા એવા યોગી આદિત્યનાથનો પ્રચાર કરવા કાર્યકરો પણ JCBના પાવડા પર ચડીને જીવના જોખમે પ્રચાર કરવા નીકળી પડ્યા હતા.

ચૂંટણી કેવું કેવું કરાવે છે
ચૂંટણીઓ આવે અને પ્રચારમાં કાર્યકરો અતિ ઉત્સાહમાં આવી જાય છે. અને આ ચૂંટણી પ્રચાર કાર્યકરો પાસે કેવું કેવું કરાવે છે તે તો તેમના વિડીયો અને ફોટા સામે આવ્યા બાદ જ ખબર પડે છે. હવે યોગી આદિત્યનાથ સુરતમાં આવે છે.ગોડાદરા વિસ્તારમાં આવે છે.અને તેમની આજે બુલડોઝર બાબા તરીકે એક ઓળખ ઊભી થઈ છે. ત્યારે તેમની ઓળખ જેવી છે તે જ રીતે તેનો પ્રચાર કરવા પણ ભાજપના કાર્યકરો સોસાયટી સોસાયટી એ નીકળી પડ્યા છે. બુલડોઝર બાબાનો પ્રચાર પણ બુલડોઝર માફક જ કરવામાં આવ્યો. જેસીબીના પાવડા પર જીવના જોખમે આઠ થી દસ કાર્યકરો ચડી ગયા. અને આ પાવડાને હવામાં રાખીને જાણે આ કાર્યકરો કોઈ સ્ટંટ બાજી કરતા હોય તેમ ત્રણથી ચાર JCB લઈને યોગી આદિત્યનાથ આવવાના હોય તેનો પ્રચાર કરવા નીકળી ગયા.

કાર્યકરોને જાણે કોઈ જ ડર ન હોય તે રીતે સ્ટંટ કર્યા હતાં.
કાર્યકરોને જાણે કોઈ જ ડર ન હોય તે રીતે સ્ટંટ કર્યા હતાં.

ચૂંટણી પ્રચારમાં નિયમોની એસીતેસી
એટલું જ નહીં આ ભાજપના તમામ કાર્યકરો ચૂંટણી પ્રચારમાં નિયમોને નેવે મૂકીને પ્રચાર કરવા નીકળી પડ્યા છે. માન્યુ કે બુલડોઝરબાવા સભાને ગજવામાં આવે છે તો તેના પ્રચારમાં જોખમી પ્રચાર કરવો કેટલો યોગ્ય છે. આ જ પ્રકારે શહેરના કોઈ સામાન્ય નાગરિકો JCB પર પસાર થાય તો તેમની સામે પોલીસ દ્વારા નિયમોનું ભાન કરાવતા કાયદાઓ આગળ લાવીને તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે.પરંતુ પ્રચારના નામે આ સ્ટંટ બાજી સામે અહીં કોણ કાર્યવાહી કરશે તેવી લોક ચર્ચા ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...