ભાઉનો હાઉ:આપ પાલિકાની જેમ વિધાનસભામાં ન ઘૂસે તે માટે ભાજપ પ્લાનિંગ કરશે

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સરસાણામાં ભાજપની પ્રદેશ કારોબારી, સુરતમાં આપને ‘ડામવા’ વ્યૂહરચના ઘડાશે

ઇતિહાસમાં પહેલીવાર આજે સુરતમાં ભાજપ પ્રદેશ કારોબારી મળશે. આ કારોબારી સરસાણા કનવેનશન હોલમાં મળશે. જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત એક હજારથી વધુ હોદ્દેદારો હાજર રહેશે. ભાજપના તમામ સંગઠનના હોદ્દેદારો સુરતમાં મળનારી કાર્યકારીની બેઠકમાં હાજર રહેશે.

સુરતમાં સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જીતવાની રણનીતિ નક્કી કરવામાં આવશે. હાજર રહેનારાઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ હંમેશા સંગઠનો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. જેથી આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને માઇક્રો પ્લાનિંગ સાથે આગળ વધારવા માટેની રણનીતિ ભારતીય જનતા પાર્ટી દ્વારા તૈયાર કરાશે.

વરાછા-કામરેજ વિધાનસભા બેઠક પર વધુ ફોકસ કરાશે
​​​​​​​શહેરમાં કોંગ્રેસનું માળખું મજબૂત નથી પરંતુ પ્રદેશ પ્રમુખના ગઢમાં જ આપ મનપામાં વિપક્ષ સુધી પહોંચી ગઈ છે. વરાછા-કામરેજ વિધાનસભા બેઠક પર વધુ ફોકસ કરાશે સુરત શહેરમાં AAPએ કોર્પોરેશનમાં જે સફળતા હાંસલ કરી છે વિધાનસભામાં ન મળે તેના પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે. ગુજરાત અને ખાસ કરીને સુરતની વિધાનસભાની તમામ બેઠકો ઉપર જીત મેળવવા પાર્ટી કામે લાગી ગઈ છે.

પાટિલે મીટિંગ સ્થળનું નિરીક્ષણ કર્યું
​​​​​​​તૈયારીની માહિતી લેવા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા. રાજ્યભરમાંથી આવનાર પાર્ટીના હોદ્દેદારો માટે સુરતી લોચોથી લઈને સુરતી ઊંધિયા સુધીની તૈયારી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

સ્થાનિક સ્તરે સંગઠન મજબૂત કરવા પ્રયાસ
મનપામાં ભલે આપ પગ પેસારો કરી ગઈ છે પરંતુ વિધાનસભામાં તેમને એક પણ સીટ ન મળે તેના માટે તમામ મોરચે લડી લેવાના મૂડમાં ભારતીય જનતા પાર્ટી દેખાઈ રહી છે. એક રીતે કહીએ કે પ્રદેશ અધ્યક્ષની પોતાની છબી ન ખરડાય થાય તેના માટે સુરત સંગઠન કામે લાગી ગયું છે. પ્રદેશ અધ્યક્ષ દ્વારા જ કારોબારી સુરતમાં યોજાય તેવું નક્કી કરવામાં આવ્યું હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...