ચૂંટણી દંગલ:મોઢવણિકોના પ્રભુત્વવાળી પશ્ચિમ બેઠક પર 7 ટર્મથી ભાજપનો કબજો

સુરત6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2017માં ભાજપના પૂર્ણેશ મોદીએ 77,882મતોથી વિજય મેળવ્યો હતો
  • આ વખતે AAPની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ થવાની શક્યતા

પોલિટિકલ રિપોર્ટર.સુરત: સુરત પશ્ચિમ બેઠક પર છેક1990થી ભાજપનો કબજો છે. આ બેઠક પર મોઢવણિક સહિત મૂળ સુરતી મતદારોનું પ્રભુત્વ છે. આ સિવાય આ બેઠક ઉપર મુસ્લિમ સમાજ તેમજ જૈન સમાજના મતદારો પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સુરત શહેરમાં ભાજપ માટે સૌથી સલામત ગણાતી સુરત 167 પશ્ચિમ બેઠક પર ત્રિપાંખિયો જંગ છે.કુલ મતદારોમાં સૌથી વધુ મોઢવણિક, જૈન,સૌરાષ્ટ્ર-મહેસાણાના અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે. સુરત પશ્ચિમની આ બેઠક પર વર્ષ 2017ની ચૂંટણીમાં સિટિંગ ધારાસભ્ય પૂર્ણેશ મોદીને 1,11,615 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઇકબાલ પટેલને 33, 733 મત મળ્યા હતા. 77882ના માર્જીનથી પૂર્ણેશ મોદી જીત્યા હતા. કુલ 1.60 લાખ મતદાન થયું હતું. જેમાં 74.27 ટકા વોટશેર ભાજપ અને 22.45 ટકા વોટશેર કોંગ્રેસનો હતો. ભાજપ માટે સુરતની સૌથી સેફ બેઠક ગણાતી આ બેઠક પર લોકસભા, વિધાનસભા હોય કે પાલિકાની ચૂંટણી ભાજપનો વોટશેર વધતો જ રહ્યો છે. હાલ ચૂંટણીમાં ભાજપે સિટીંગ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીને ટિકીટ આપી ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી સામે કોંગ્રેસે સિનિયર નેતા સંજય પટવાને તો આમ આદમી પાર્ટીએ યુવા ઉમેદવાર મોક્ષેશ સંઘવીને ટિકીટ આપી છે. પશ્ચિમ વિધાનસભા બેઠક પર કુલ 10 ઉમેદવાર પૈકી 5 અપક્ષ છે. ભાજપનો ગઢ ગણાતી પશ્ચિમ બેઠક જીતવી એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે લોઢાના ચણા ચાવવા જેટલું કઠિન છે. પહેલીવાર આપ મેદાનમાં હોવાથી ત્રિપાંખિયો જંગ છે.

શું છે સમસ્યા | અશાંત ધારાભંગની ફરિયાદો, નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
કોટ વિસ્તાર, લિંબાયત અને રાંદેર અશાંતધારા હેઠળ આવે છે. જો કે, રાંદેરમાં અશાંતધારા ભંગની ફરિયાદો વધી છે. સૌથી વધુ ફરિયાદ રાંદેર-ગોરાટ રોડ વિસ્તારમાં થઇ છે. આ સિવાય પશ્ચિમ વિધાનસભામાં તાજેતરમાં સમાવિષ્ટ થયેલા નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિદ્યાનો મુદ્દો પડકાર રહેશે.

નવા વિસ્તારો સુરત મહાનગર પાલિકામાં આવ્યાને બે વર્ષ થઇ ગયા છતાં હજુ સુધી સફાઇ સિવાય પ્રાથમિક સુવિદ્યાના કામો થયા ન હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. વિધાનસભાની ચૂંટણી પહેલા સુરત મહાનગર પાલિકાના શાસકોએ સુરત પશ્રિમ બેઠકમાં સામેલ આ નવા વિસ્તારોમાં વેરામાં રાહત આપવાની જાહેરાત કરી હતી.આ સિવાય ટ્રાફિક અને દબાણની પણ સમસ્યા જોવા મળે છે.

મોઢવણિક બાદ મુસ્લિમ-જૈન મતો મહત્વપૂર્ણ

અન્ય સમાચારો પણ છે...