વરાછામાં ચૂંટણીનો માહોલ જામ્યો:પાટીદારોના ગઢમાં ભાજપ,કોંગ્રેસ અને આપના ઉમેદવાર શક્તિ પ્રદર્શન, રેલીથી મતદારોને આકર્ષવા પ્રયાસ

સુરત3 મહિનો પહેલા
સુરત વરાછા બેઠક ઉપર રાજકીય ગરમા ગરમીનો માહોલ

વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ હોવાથી તમામ ઉમેદવારો ફોર્મ ભરવા માટે સમર્થકો સાથે નીકળ્યા હતા. સૌથી વધુ ધમધમાટ વરાછા વિધાનસભામાં દેખાયો હતો. ભાજપ, આપ અને કોંગ્રેસની જબરજસ્ત ટક્કર આજના માહોલ ઉપરથી સ્પષ્ટ થઈ ગઈ હતી.વરાછામાં ચૂંટણીનો માહોલ જામ્યો હોય તે રીતે ત્રણેય પક્ષના ઉમેદવારોએ શક્તિપ્રદર્શનની જેમ રેલીઓ યોજીને મતદારોને આકર્ષવા માટે પ્રયાસો કર્યાં હતાં.

માનગઢ ચોક સરદાર પટેલની પ્રતિમા પર ફુલહાર
વરાછા વિધાનસભા બેઠકનું કેન્દ્ર માનગઢ ચોક માનવામાં આવે છે. અહીં જે પ્રકારે ચર્ચા થતી હોય છે. તેની સમગ્ર વિધાનસભાની અંદર માહોલ બનતો હોય છે. માનગઢ ચોક અનેક ઐતિહાસિક ઘટનાઓનો સાક્ષી રહ્યો છે. ત્રણેય રાજકીય પક્ષના ઉમેદવારો આજે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર ચડાવવા માટે એક બાદ એક અહીં આવતા દેખાયા હતા. અહીં આવ્યા વગર આગળ વધુ એ કોઈપણ રાજકીય પાર્ટી માટે પોસાય તેમ નથી. તેના કારણે રાજકીય રીતે પણ અહીં નતમસ્તક થવા આવું જરૂરી છે.

કોંગ્રેસનો ઉમેદવાર પપ્પન તોગડિયા પહેલા પહોંચ્યા
માનગઢ ચોક ખાતે કોંગ્રેસના ઉમેદવાર પપ્પન તોગડિયા પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈને અહીં પહોંચ્યા હતા. તેમની સાથે રેલી આકારે વાહન રેલીમાં અનેક કાર્યકર્તાઓ જોડાયા હતા. વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલા તોગડિયા સાથે કાર્યકર્તાઓની ટીમ પણ જોડાઈ હતી.

અલ્પેશ કથીરિયા સમર્થકો સાથે પહોંચ્યા
માનગઢ ચોક ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિનું આંદોલન ઐતિહાસિક રહ્યું હતું. સમાજના મુદ્દાને આગળ લઈને આંદોલન કરનારા આંદોલનકારી ચહેરાઓ પૈકીનો એક અલ્પેશ કથીરિયાછે. આંદોલન બાદ હવે તે પણ રાજકીય રંગમાં હોય તે રીતે આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી જાહેર થયા બાદ આજે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યો હતો. સરદાર પટેલની પ્રતિમાને હાર ચડાવીને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

ભાજપ અને કોંગ્રેસ આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ સર્જાયો છે.
ભાજપ અને કોંગ્રેસ આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ સર્જાયો છે.

માનગઢ ચોક પર ભાજપનું શક્તિ પ્રદર્શન
કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બાદ ભાજપનો ઉમેદવાર કુમાર કાનાણી માનગઢ ચોક પહોંચ્યા હતા. સરદાર પટેલની પ્રતિમાને નમસ્કાર કરી ફુલહાર કરી આગળ વધ્યા હતા. ભારતીય જનતા પાર્ટીએ પણ શક્તિ પ્રદર્શન કરીને આ વિસ્તારમાં પોતાનો દબદબો કાયમ છે. તે પ્રકારનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો હતો.

વરાછામાં ખરાખરીનો જંગ સર્જાયો છે.
વરાછામાં ખરાખરીનો જંગ સર્જાયો છે.

વરાછામાં ખરા-ખરીનો જંગ
આજના દ્રશ્યો જોતા ત્રણેય પક્ષ મેદાનમાં એક સરખી તાકાત લગાવશે તેવું સ્પષ્ટ થઈ ગયું છે. એક તરફ કુમાર કાનાણીની લોકપ્રિયતા બીજી તરફ આમ આદમી પાર્ટીની યુવાનોમાં યોગ્યતા અને કોંગ્રેસનો જાણીતો ચહેરો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ વખતે આ વિધાનસભા બેઠક ઉપર ભારે રસાકસી રહેવાની છે. મતદારો પણ ખૂબ જ બારીકાઇથી તમામ રાજકીય પાર્ટીઓની ગતિ વિધિ ઉપર નજર રાખી રહ્યા છે. વરાછા બેઠક ઉપર મતદારોનો કરંટ જબરજસ્ત જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે ચૂંટણી એક તરફી નહીં રહી એ વાત સ્પષ્ટ છે.

અન્ય સમાચારો પણ છે...