ચૂંટણી જાહેર થઈ ત્યારથી પરિણામો આવ્યા ત્યાં સુધી કોરોના સામે લડવાની પ્રતિકારક સામગ્રી માટે ભાજપ, કોંગ્રેસ અને આપના 351 ઉમેદવારોએ માત્ર રૂા.1260નો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો ચૂંટણીખર્ચના ઓડિટ રિપોર્ટમાં થયો છે. સુરતના કુલ 30 વોર્ડમાંથી એક માત્ર કરંજ વોર્ડમાં જ રૂા.1260નો ખર્ચ કરવામાં આવ્યો હતો. જયારે અન્ય તમામ વોર્ડમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો નથી. અમદાવાદના સંતોષસિંહ રાજપૂતે રાજ્યના 6 મહાનગર પાલિકાના 144 વોર્ડના 664 ઉમેદવારોએ ચૂંટણી પંચમાં રજૂ કરેલા ચૂંટણી પ્રચારના ખર્ચ રજિસ્ટરનું ઓડિટ કર્યું હતું. જેમાં સુરતનો પણ સમાવેશ થાય છે. એક ઉમેદવાર પાસે ચૂંટણી ખર્ચમાં 6 લાખનો ખર્ચ કરવાની મર્યાદા હતા. આ મુજબ ચૂંટણી લડેલા ભાજપના 1320, કોંગ્રેસના 117 અને આપના 114 ઉમેદવારોએ 21 કરોડ ખર્ચ કર્યો હતો.
30 વોર્ડમાંથી માત્ર કરંજમાં જ ખર્ચો કર્યો હતો
જાન્યુઆરીમાં ચૂંટણી જાહેર થઈ હતી. તે પછી ચૂંટણીનો જંગ જીતવા બધા રાજકીય પક્ષો કોરોનાની ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરી ચૂંટણી જીતવા કામે લાગ્યા હતાં. ચૂંટણી પહેલાં જ પંચે બહાર પાડેલી ગાઈડલાઈન્સમાં કોરોના હેડ હેઠળ ખર્ચ કરી શકાય તેની સ્પષ્ટતા કરી હતી. શહેરના 30વોર્ડમાંથી માત્ર કરંજ વોર્ડમાં જ કોરોના સામે માસ્ક, સેનીટાઈઝર સહિતની સામગ્રી માટે રૂા.1260 ખર્ચ કર્યો હતો. જો કે, ચૂંટણીના એક મહિનામાં ભેગી થયેલી ભીડ થી કોરોના વકર્યો હતો.
ગાઈડલાઈન્સનો ભાજપ-આપે ભંગ કર્યો હતો
રાજ્ય ચૂંટણી પંચે વિવિધ તબક્કે અનુસરવાની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં તમામ રાજકીય પક્ષો નિષ્ફળ ગયા હતા. રેલી અને જાહેરસભાઓમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોંતું. સેનેટાઈઝર, માસ્ક, ટેમ્પરેચર ગન તથા હાથ ધોવા માટે પાણીની પણ રાજકીય પક્ષો વ્યવસ્થા કરી શક્યા નહોતા. ચૂંટણી જીત્યા બાદ રેલીઓ કાઢવામાં આવી હતી અને પક્ષો દ્વારા અભિવાદન સભાઓ પણ ભરવામાં આવી હતી. ચૂંટણી પંચની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના નેતાઓ દ્વારા સભાઓ યોજાવામાં આવી હતી. આપના કેજરીવાલે પણ મોટી રેલી યોજી હજારો લોકોને ભેગાં કર્યા હતા.
ફેસ માસ્ક, સેનિટાઈઝરની વ્યવસ્થાની ચૂંટણીમાં ગાઈડલાઈન હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.