ઘોડેસવાર ઉમેદવારે આકર્ષણ ઊભું કર્યું:સુરતના કતારગામના ભાજપના ઉમેદવાર 'રજવાઠી ઠાઠ' સાથે નીકળ્યા, વિનુ મોરડિયાએ ઘોડેસવારી કરી ફોર્મ ભર્યું

સુરત24 દિવસ પહેલા
વિનુ મોરડિયા રજવાડી ઠાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યાર બાદ લગભગ તમામ રાજકીય પાર્ટીના મુરતિયાઓ પણ જાહેર થઈ ગયા છે. હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્યા છે. ઉમેદવારો સૌકોઈના આકર્ષણનું કેન્દ્ર બને એના પ્રયાસો કરી રહ્યા છે. એને લઈને શહેરભરમાં ચર્ચા થઈ શકે. એ મુદ્દો ન વીસરતા હોય એ રીતે કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાએ રજવાડી ઠાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા.

આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું
સુરતના કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેઓ નિવાસસ્થાનેથી સૌ પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. ઉમેદવારીપત્ર ભરવા માટે તેઓ ઘોડા પર મંદિરે પહોંચ્યા, ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા.

કુમકુમ તિલક કરીને મોરડિયા ઘરેથી નીકળ્યા હતા.
કુમકુમ તિલક કરીને મોરડિયા ઘરેથી નીકળ્યા હતા.

ઘોડેસવારીના શોખીન
વિનુ મોરડિયા ગઇ વખતે પણ જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા. ઘોડેસવારી તેમનો મનગમતો શોખ છે. સમયાંતરે તેઓ ઘોડેસવારી કરવાનું પસંદ કરતા હોય છે. તેઓ પોતે આ ઘોડાની કાળજી પણ રાખે છે. પોતાની પાસે ઘોડો પણ છે. મોંઘી દાટ ગાડીઓની સાથે સાથે તેમને અશ્વ ખૂબ જ પ્રિય છે. વર્ષોથી તેઓ ઘોડેસવારી કરે છે. વિનુ મોરડિયા જ્યારે પણ ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે ત્યારે અચૂક ઘોડા ઉપર જ બેસીને જાય છે.

મતદારોમાં ભારે કુતૂહલ
વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારમાં દબંગ નેતા તરીકે જાણીતા છે. વિનુ મોરડિયા જ્યારે પણ પોતાના ઉમેદવારીપત્ર ભરવા જાય છે ત્યારે ઘોડા ઉપર જ સવાર હોય છે. કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ તેઓ આ જ રીતે જતા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ જ્યારે ઉમેદવારીપત્ર ભરવાનું હોય ત્યારે આ પ્રકારે અલગ અંદાજમાં જ નીકળે છે. તેમના વિસ્તારના મતદારો અને સ્થાનિક લોકોમાં પણ હંમેશાં ચર્ચા રહે છે કે આજે ઉમેદવારીપત્ર ભરવા માટે વિનુભાઈ જશે તો ઘોડા પર સવાર થઈને જશે. વિનુભાઈ પણ ઘરેથી તિલક લગાવી જાણે કોઈ જંગ જીતવા જતા હોય એ પ્રમાણે ઘોડા ઉપર બેસીને પોતાના સમર્થકોનું અભિવાદન જીલતાં જીલતાં આગળ વધે છે.

ભગવાનનાં દર્શન કરીને મોરડિયા ઉમેદવારીપત્ર ભરવા નીકળ્યા હતા.
ભગવાનનાં દર્શન કરીને મોરડિયા ઉમેદવારીપત્ર ભરવા નીકળ્યા હતા.

કતારગામ બેઠકો પર કાંટાની ટક્કર
કતારગામ વિધાનસભા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર વિનુભાઈ ફરીથી રિપીટ થયા છે, પરંતુ સુરત શહેરની કતારગામ બેઠક પરથી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા પણ મેદાનમાં ઊતરતાં હવે એનાપર જબરજસ્ત ટકરાવ થાય એવાં દૃશ્યો જોવા મળશે. આમ આદમી પાર્ટી દ્વારા સતત રાજ્ય સરકાર પર આક્ષેપો કરવામાં આવતા હતા અને કામગીરીને લઈને તેમને આડા હાથે લેવામાં આવતા હતા. શહેરી વિકાસમંત્રી તરીકે વિનુ મોરડિયાને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ હવે આક્ષેપો કરવાના નહીં, પરંતુ મતદારોને પોતાના તરફેણમાં મતદાન કરવાનો સમય આવી ગયો છે. આમ આદમી પાર્ટી કતારગામ વિધાનસભા બેઠક પરથી કેટલી સફળ થાય છે એ જોવું મહત્ત્વનું છે.

ઓબીસી ફેક્ટર શી અસર કરશે
આ બેઠક પરથી આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા પાટીદારો ઉમેદવારને ઉતારવામાં આવ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા આવી બેઠક પરથી અલ્પેશ વરિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કોંગ્રેસનો ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. પ્રજાપતિ સમાજના છે અને યુવા ચહેરો છે. પાટીદારોમાં સૌથી વધારે મતદારો ઓબીસી સમાજના છે. વિનુ મરડિયા અને ગોપાલ ઇટાલિયા પાટીદાર છે. કોંગ્રેસનો ઉમેદવાર ઓબીસીમાંથી આવે છે. ત્યારે જાતિગત સમીકરણ પ્રમાણે આ બેઠક પર કોણ કોને માત કરશે એ અંગે કહેવું મુશ્કેલ છે. ઓબીસી મતદારો પર હાર-જીતનો આધાર રહેશે.

વિનુ મોરડિયાનો સીધો જંગ આપના ગોપાલ ઈટાલિયા સામે છે.
વિનુ મોરડિયાનો સીધો જંગ આપના ગોપાલ ઈટાલિયા સામે છે.

11 માંથી છ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યું
ભાજપ દ્વારા સુરતના 12 બેઠકોમાંથી 11 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી આપી હતી. જેમાંથી કતારગામના ઉમેદવાર વિનુ મોરડીયા, સુરત પશ્ચિમના ઉમેદવાર પુણેસ મોદી, સુરત પૂર્વના ઉમેદવાર અરવિંદ રાણા, ઉધનાના મનુ પટેલ અને ઓલપાડના મુકેશ પટેલ અને લિંબાયતના ઉમેદવાર સંગીતા પાટીલ દ્વારા આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવામાં આવ્યું હતું.

ભાજપના ઉમેદવારો મંદિરોમાં દેખાયા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાની હિંદુત્વની છબીને વધુ મજબૂત કરવા માટે અને ચૂંટણીના પરિણામો તેમની તરફેણમાં આવે તેના માટે ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનુ મોરડીયા અને પ્રફુલ પાનસરિયા મંદિરોમાં જઈને નતમસ્તક થતા દેખાયા હતા. ભારતીય જનતા પાર્ટી પોતાની જે છબી છે. તેને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરતી રહે છે. સમયાંતરે હિંદુત્વનો મુદ્દો ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચારમાં સૌથી મોખરાનો રહે છે.

ભારત માતા કી જયના નારા લાગ્યા
ઉમેદવારી પત્ર ભરવા પહેલા મંદિરોમાં પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો તેમના સમર્થકો સાથે પહોંચ્યા હતા. સમર્થકોએ પણ ઉમેદવારોનો ઉત્સવ વધારતા ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા. સમર્થકો પણ ખૂબ મોટી સંખ્યામાં મંદિર પટાંગણમાં એકત્રિત થયેલા દેખાયા હતા. ઉમેદવારોએ પણ ભગવાનને શ્રીફળ ચડાવીને અને રાજ તિલક કરતા હોય તે રીતે તિલક કરી ઉમેદવારી પત્ર ભરવા આગળ વધ્યા હતા.

ઈટાલિયા રોડ શો સાથે ફોર્મ ભરવા નીકળ્યા
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણી લડી રહ્યાં છે. ત્યારે આજે તેઓ ફોર્મ ભરવા નીકળ્યાં હતાં. ગોપાલ સાથે યુવા નેતા તેમજ રાજ્યસભા સાંસદ રાધવ ચઢ્ઢાએ રોડ-શો યોજી ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યાં હતાં. રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા અને ગોપાલ ઈટાળીયા ભગવાનના આશિર્વાદ મેળવી 'પરિવર્તન રેલી' સ્વરુપે ઉમેદવારી પત્ર ભરવા ગયાં હતાં. આ રેલી અક્ષરવાડી, કેન્સર હોસ્પિટલની પાછળ, ડભોલી, કતારગામથી નીકળી હતી.

પૂર્ણેશ મોદી ફોર્મ ભરવા નીકળ્યા
સુરતની પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડવા મેદાને ઉતરેલા પૂર્ણેશ મોદીએ આજથી પ્રચારના શ્રીગણેશ કરવાના શરૂ કર્યા છે. પૂર્ણેશ મોદીએ આજે ભાજપના પદાધિકારીઓ અને પાલિકાના નેતાઓ સાથે ઉમેદવારી કરવા નીકળ્યા હતાં. એ દરમિયાન સૌ પ્રથમ અંબિકાનિકેતન ખાતે માતાજીના દર્શન કર્યા હતાં. બાદમાં કાર્યકરોની શુભેચ્છા લેતા લેતા તેઓ ફોર્મ ભરવા માટે નીકળ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...