કતારગામમાં આકારણી કૌભાંડ:પાર્ટીપ્લોટોના કરોડોના બિલ કઢાયા, 11 પ્લોટ તો નેતાઓએ ચોપડે જ ચઢાવવા દીધા ન હતા

સુરત21 દિવસ પહેલાલેખક: મોઇન શેખ
  • કૉપી લિંક
  • રિએસેસમેન્ટ કરાવાતા 8 ગણી બાકી નિકળી

કતારગામના તત્કાલીન અધિકારીઓએ સ્થાનિક નેતાઓની ભલામણથી 11 પાર્ટી પ્લોટોને આકારણી દફતરે ચડાવ્યા ન હતા તો કેટલાકના ખોટી રીતે પાર્કિંગ વધુ દર્શાવી કૌભાંડ કરાયું હતું. આ કેસમાં 51 પાર્ટી પ્લોટોનું રિ-એસેસમેન્ટ કરવા સર્વે કરાયો કરાતાં કેટલાકમાં આકારણીમાં દર્શાવેલા પાર્કિંગ સ્થળ પર નહિવત્ હતા, જેથી કતારગામ ઝોનને રિ-એસેસેમેન્ટ કરવા આદેશ કરાયા હતાં.

જેમાં વિસંગતતા મળતાં હવે આકારણી દફતરે સુધારા સાથે એન્ટ્રી કરાઇ રહી છે. શરૂઆતમાં જ 40 પાર્ટી પ્લોટની આકારણી અચાનક વધી ગઇ છે. પાલિકાએ તમામને બેક ડેટ સાથે 40 ટકા એવરેજ પ્રમાણે કરોડોની બાકી કાઢતાં પ્લોટધારકો દોડતા થઈ ગયા છે.

કોઇને 28 લાખ તો કોઇને 40 લાખના બિલ મળ્યાં છે. પાલિકાના રિ-એસેસમેન્ટમાં 11 પ્લોટ નવા મળ્યાં હતાં જેની હાલ સુધી આકારણી દફતરે નોંધણી ન થઇ હતી. હવે પૅરેલલ તપાસ બાદ વધુ એક કૌભાંડ સામે આવી શકે છે.

આકારણી દફતરે સુધારા સાથે એન્ટ્રી કરવાનું શરૂ કરાયું
પાર્ટી પ્લોટના રિ-એસેસમેન્ટ બાદ ફટકારાયેલા ખાસ નોટિસ સાથેના એવરેજ બિલથી ધારકોમાં ભારે રોષ છે. રાજકીય હુંસા-તુંસીમાં બે પ્લોટધારકોની આખલા લડાઇથી 40થી વધુ અને રેગ્યુલર વેરો ભરનારને પણ લાખોના એવરેજ બિલ ફટકારાયા છે. આ અંગે મોટી વેડના એક પ્લોટ પર બેઠક મળી હતી, જેમાં આગામી રણનીતિ અંગે ચર્ચા થઇ હતી.

હરકત વાંધા અરજી મુકાશે જરૂર પડે તો કોર્ટમાં પણ જશું
રેેગ્યુલર પે કરનારને પણ 25 લાખથી 40 લાખ સુધીના એવરેજ બિલ ફટકારાયા છે. નવી ઍસેસમૅન્ટ સામે હરકત વાંધા અરજી મુકાશે. કોર્ટમાં જશું. > સતિષ પટેલ, પાર્ટી પ્લોટધારક

3.95 લાખની સામે 24.55 લાખનું બિલ
એક જ પાર્ટી પ્લોટધારકને એકવાર બિલ ઈશ્યૂ કરી રિ-એસેસમેન્ટ
બાદ 3.95 લાખની સામે 24.55 લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું.

બિલ ખોટા હશે તો નહીં લઈએ ને સાચા હશે તો છોડીશું નહીં
પ્લોટ ધારકોએ રજૂઆત કરી છે. સમગ્ર કેસ સ્ટડી કરી બિલ ખોટા હશે તો ન લઈશું પણ ઍસેસમૅન્ટ પ્રમાણે હશે તો બાકી રકમ છોડીશું પણ નહીં. > પરેશ પટેલ, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી

રિ-એસેસમેન્ટમાં સ્થળ પર પાર્કિંગ મળ્યાં જ નથી
રિ-એસેસમેન્ટમાં પાર્કિંગ મળ્યું નથી. જેથી તમામ ધારકોને એવરેજ બિલ અપાયા છે. પુરાવા હશે તો સુધારા આપીશું. > દેવાંગ પટેલ, આસિ. કમિશનર, નોર્થ ઝોન

અન્ય સમાચારો પણ છે...