સુરત મહાનગરપાલિકાના શાસકોએ હજુ એક વર્ષ પહેલાં જ ડિવિઝનલ હેડ અને કાર્યપાલક ઇજનેરોની બિલ મંજૂર કરવાની સત્તા આંચકી લીધી હતી. જે અંગે ભારે ગજગ્રાહ થયો હતો.આ મામલે થોડા સમય પહેલા જ વિવિધ વિકાસ કામોના બિલ મંજૂરીની સત્તા પૂર્વવત કરાયા બાદ શનિવારે સ્ટેન્ડિંગ કમિટીએ ડિવિઝનલ હેડની બિલ મંજૂરીની સત્તાને અબાધિત કરી દીધી હતી. હવેથી બિલ મંજૂરીના વિવાદના લીધે વિકાસ કામો અટકે નહીં તેવી સૂચના પણ અપાઇ હતી.
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશ પટેલે કહ્યું કે, પાલિકા સંચાલિત વિકાસ કામોના 3 કરોડથી વધુ રકમના બિલની મંજૂરીની ફાઇલ કમિશનર સુધી મોકલવી પડતી હતી. લાંબી પ્રક્રિયાના લીધે બિલ મંજૂરી કામગીરી ઘોંચમાં પડતી હતી. જેથી કોન્ટ્રાક્ટરો બિલ પાસ થવાની રાહમાં કામગીરી અટકાવી દેતા હતાં અથવા તો વિકાસ કામગીરી ખોરંભે ચઢતી હતી.
વિકાસ કામગીરી ઝડપી બનાવવા શાસકોએ શનિવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં હવે 3 કરોડથી વધુ રકમના રનીંગ બિલની મંજૂરીની સહી માટે કમિશનર સુધી લંબાવવું ન પડે તે માટે ડિવિઝનલ હેડ, ડેપ્યુટી કમિશનર, સીટી ઇજનેર અને આરોગ્ય અધિકારીની બિલ મંજૂરીની સત્તા વધારવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. હવેથી ડિવિઝનલ હેડ પણ 100 કરોડ રૂપિયા જેટલા બિલને પણ મંજૂરી આપી શકશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.