વાહન ચોર ગેંગ ઝડપાઈ:સુરતમાં બાઈકની ચોરી કરતી ગેંગને વરાછા પોલીસે ઝડપી પાડી, ત્રણ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરાછા પોલીસે વાહન ચોરીની ગેંગ ઝડપી પાડી - Divya Bhaskar
વરાછા પોલીસે વાહન ચોરીની ગેંગ ઝડપી પાડી

સુરતમાં જુદા જુદા વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરતી ગેંગ ઝડપી પડવામાં વરાછા પોલીસને સફળતા મળી છે. પોલીસે મોટરસાયકલ ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડી સાત જેટલી મોટરસાયકલ કબજે કરી છે. મોટરસાયકલની ગેંગ ઝડપાતા શહેરના ત્રણ પોલીસ મથકના વાહન ચોરીના ગુના ઉકેલાઈ ગયા છે.

વાહન ચોરી કરતી ગેંગ ઝડપાઇ
સુરતમાં જુદા જુદા વિસ્તારોમાંથી મોટરસાયકલની ચોરી કરતી ગેંગને વરાછા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. સુરતની વરાછા પોલીસે ચાલતું મોટરસાયકલ ચોરીનું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. વરાછા પોલીસે બાતમીને આધારે આ આખા બાઈક ચોરીના નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે બાતમીને આધારે વરાછાના કુબેરનગર પોપડા ખાતેથી બાઈક ચોરીમાં સંડોવાયેલ અશ્વિન મોગરા, ધીરુભાઈ વાવડીયા અને છગન સરવૈયાની ધરપકડ કરી હતી. બાદમાં તેમની સઘન પૂછપરછ હાથ ધરતા અનેક ચોરીની મોટરસાયકલ મળી આવી હતી.

પાંચની ધરપકડ અને સાત મોટરસાયકલ કબજે કર્યા
વરાછા પોલીસે ઝડપી પાડેલ મોટરસાયકલ ચોરીની ગેંગ વિશે માહિતી આપતા ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, પોલીસે બાતમીના આધારે મોટરસાયકલ ચોરીના સૌપ્રથમ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સઘન પૂછપરછ હાથ ધરતા વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા હતા. તેમની પણ ધરપકડ કરી તેમની પણ વધુ પૂછપરછ હાથ ધરતા તેમના પાસેથી અન્ય બે શખ્સો પણ આ રેકેટમાં હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરી કુલ પાંચ જેટલા મોટરસાયકલ ચોરી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી હતી. પાંચે આરોપીઓની પાસેથી કુલ સાત જેટલી ચોરીની મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

ત્રણ પોલીસ મથકના ગુનાનો ભેદ ઉકેલાયો
ડીસીપી ભક્તિ ઠાકરે વધુમાં જણાવ્યું હતું કે, પકડાયેલા પાંચે આરોપીઓની ગુનાહિત ઇતિહાસ તપાસ કરતા શહેરના કુલ ત્રણ જેટલા પોલીસ મથકના વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. વરાછા પોલીસ સ્ટેશનના બે વાહન ચોરીના ગુના, ઉતરાણ પોલીસ સ્ટેશનનો એક અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો એક વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે.

બાઇક ચોરીથી લઈ વેચાણ સુધીનું નેટવર્ક
વરાછા પોલીસે આ ગેંગને ઝડપી ત્યારે વાહન ચોરી કરવાથી લઈને તેને વેચી દેવા સુધીના આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે. આ અંગે ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે, જ્યારે પહેલો આરોપી પકડાયો ત્યારે તેની પૂછપરછમાં તેની સાથે સંડોવાયેલા અન્ય બે વાહન ચોરીના આરોપીના નામ સામે આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ તેમની પૂછપરછમાં ચોરીના તમામ સ્પેરપાર્ટ છુટા કરીને ભંગારમાં વેચવામાં આવતા હતા. તે ગેરકાયદેસર ભંગારમાં વેચનાર બે આરોપીઓના નામ સામે આવ્યા હતા. જેથી વરાછા પોલીસે તેમને પણ દબોચી લીધા હતા અને આમ આખું બાઈક ચોરીથી લઈને ભંગારમાં વેચાણ સુધીના નેટવર્કને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...