• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bike Rally Held In Surat To Mark 50th Golden Jubilee Of War Against Pakistan, BJP Youth Front Workers Appeared Without Helmets Or Masks

ઉજવણીમાં નિયમો વિસરાયાં:સુરતમાં પાકિસ્તાન સામે યુદ્ધના 50 વર્ષની સુવર્ણ જયંતિ નિમિતે બાઈક રેલી યોજાઈ, ભાજપના યુવા મોરચાના કાર્યકરો હેલ્મેટ કે માસ્ક વગર દેખાયા

સુરતએક મહિનો પહેલા
વિજય દિવસની રેલીમાં ભાજપના કાર્યકરોએ કોરોના ગાઈડલાઈનના નિયમો તોડ્યાં હતાં.
  • ઓમિક્રોનની દહેશત વચ્ચે નીકળેલી રેલીમાં કોરોનાની ગાઈડલાઈનના નિયમોના ધજાગરા ઉડ્યાં

16 ડિસેમ્બરને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં ભારતે આજથી બરાબર 50 વર્ષ પહેલા વિજય મેળવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના દિવસને ધ્યાનમાં રાખીને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહીદ સ્મારક, લેક વ્યૂ ગાર્ડન પાસે, પીપલોદ ખાતે વીરગતિ પામેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ બાઇક રેલી કાઢી ભાજપ કાર્યાલય ઉધના ખાતે ઉજવણી પણ કરવામાં આવી હતી. પૂર્વ સૈનિકોને સન્માનિત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જો કે બાઈક રેલીમાં ભાજપના યુવા કાર્યકરોએ માસ્ક કે હેલ્મેટ ન પહેરીને નિયમોના ધજાગરા ઉડાવ્યાં હતાં.

રેલીમાં દેશભક્તિના નારા લાગ્યાં હતાં.
રેલીમાં દેશભક્તિના નારા લાગ્યાં હતાં.

ભાજપના કાર્યકરોએ નિયમો તોડ્યાં
કારગીલચોકથી બાઇક રેલી નીકળીને ભાજપ કાર્યાલય ખાતે સમાપન થઈ હતી. જેમાં ભાજપના યુવા મોરચાના યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. યુવા મોરચાના એક પણ કાર્યકર્તા દ્વારા બાઈક ચલાવતી વખતે હેલ્મેટ પહેરવામાં આવ્યું ન હતું. અને માસ્ક પણ પહેર્યું નહોતું. છતાં પણ ટ્રાફિક પોલીસ દ્વારા કોઈને રોકવામાં આવ્યા ન હતા. ભાજપના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને જાણે સરકારે નક્કી કરેલા તમામ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવાની છૂટ હોય તે પ્રકારની સ્થિતિ દેખાઈ રહી છે.

શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું.
શહીદ સૈનિકોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયું હતું.

શહીદોને નમન કરાયા
પૂર્વ એરફોર્સ સાથે જોડાયેલા સૈનિક મોહન શર્માજીએ જણાવ્યું કે, આજનો દિવસ આપણી સેના માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે. આજથી બરાબર 50 વર્ષ પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે છેડાયેલા યુદ્ધમાં ભારતે વિજય મેળવ્યો હતો. આ યુદ્ધમાં જેટલા પણ સૈનિકો શહીદ થયા છે. તેમની વીરગતિને આજે શ્રદ્ધા પૂર્વક નમન કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આપણી સેના દરેક મોરચે યુદ્ધમાં સફળ રહીને આપણા દેશની સુરક્ષા કરતી રહેશે. વિજય દિવસની સુવર્ણ જયંતિના શુભ દિવસે તમામ શુરવીરોને નમન કરીને તેમનું ઋણ સ્વીકારવાનો દિવસ છે.