ભીમ અગિયારસના દિવસે જુગાર રમતી 5 મહિલા સહિત 142 જુગારીઓને પોલીસે પકડી પાડયા છે. જુગારીઓ પાસેથી 9.50 લાખની રોકડ, મોબાઇલ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં કાપોદ્રા-7, વરાછા-6 સહિત 19 કેસો પોલીસે કર્યા હતા. નાના વરાછાની શક્તિવિજય સોસાયટીમાં ટેરેસ પર 10મી તારીખે સાંજે 5 મહિલાઓ જુગાર રમતી હતી. કાપોદ્રા પોલીસે મહિલા પોલીસને સાથે રાખીને રેડ પાડી હતી.
દરમિયાન 5 મહિલાઓ જુગાર રમતા રંગેહાથે ઝડપાઈ હતી. ઉધના રોડ નં-13માં મસ્તાન નગરમાં 10મી તારીખે સાંજે જુગાર રમતા જયેશ જોગલ, સુરજ જોગલ, મુસ્તાક શરીફ અને નિલેશ પટેલને ઉધના પોલીસે પકડી પાડી 12100ની રોકડ કબજે કરી હતી. પકડાયેલામાં 2 કેબલનો ધંધો અને અન્ય બે મજૂરી કામ કરે છે. ચોકબજાર રમણનગર રોડ પર જુગાર રમતા 4 જુગારીઓને પોલીસે પકડી પાડયા છે. જેમાં મીલન મેરીયા, સુરેશ ખુમાણ, દીપક ખુમાણ અને જયસુખ દાફડા પાસેથી 49500નો મુદામાલ કબજે કર્યો છે. વેડરોડ ઘનશ્યામ એપાર્ટમેન્ટના ફલેટમાં ચાલતા જુગારધામ ચોકબજાર પોલીસે દરોડા પાડયા હતા.
આ દરમિયાન ત્યાં જુગાર રમતા 10 જુગારીઓ પકડાયા હતા. જુગારીઓ પાસેથી પોલીસે 3.74 લાખની રોકડ, 9 મોબાઇલ 1.12 લાખ મળી 4.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વેડરોડ ઘનશ્યામ કોમ્પલેક્ષમાં રહેતા રમણીક ચાવડા પોતાના ફલેટમાં જુગાર રમાડતો હતો. પોલીસે ફલેટમાંથી રમણીક ચાવડા, ઉદેસંગ ડાભી, પ્રવિણ ડોંડા, ઉદય સોલંકી, પ્રવિણ પાંચાણી, વિશાલ મોદી, વિનય પટેલ, વિજય કાનાણી, હીરેન પટેલ અને શભુ ચાવડાની ધરપકડ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.