ભાસ્કર ઇનસાઇડ:ભેસ્તાન આવાસ 5 વર્ષમાં જ જર્જરિત, 3નાં મોત છતાં તે જ ઈજારદારને નવા આવાસનું કામ સોંપવા દરખાસ્ત

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમિટી કહે છે ‘તપાસ બાકી છે’ છતાં ફરી સ્ટેન્ડિંગમાં પાલનપોર આવાસ માટે કામ સોંપવા કવાયત

ભેસ્તાન સ્થિત સરસ્વતી આવાસ 5 વર્ષમાં જ જર્જરિત થવાના અને 3નાં મોત થવાના પ્રકરણમાં હાલ તપાસ ચાલુ છે. આ આવાસ બનાવનારા વિવાદી ઇજારદાર એ.એમ.ભંડેરીને હવે પાલનપોરના આવાસ બનાવવા માટે 47.61 કરોડનું કામ સોંપવા સ્થાયી સમિતિમાં ફરી દરખાસ્ત લાવવામાં આવતા વિવાદ વકર્યો છે.

3 માર્ચના રોજ મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ભેસ્તાનના 640 આવાસ બનાવનાર ઇજારદારભંડેરીને આ કામ આપવા સામે બ્રેક મારી હતી. જે તે વખતે સ્ટેન્ડીંગ ચેરમેન પરેશ પટેલે ભેસ્તાન આવાસ સાથે ગોટાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રકરણમાં જવાબદારી નક્કી કરવા ડેપ્યુટી કમિશનર આર.જે. માંકડિયાને તપાસ સોંપી હતી.

અત્યાર સુધીમાં 200 કરોડનાં કામો સોંપાઈ ચુક્યા, હવે વધુ 47.61 કરોડનું કામ સોંપાશે
ડેપ્યુટી કમિશનર માંકડિયાની આગેવાની હેઠળ ભેસ્તાન આવાસ કેસની તપાસ 30 દિવસમાં પૂર્ણ કરવાની હતી. જો કે, હાલની સ્થિતિએ તપાસ સોંપવાને બે મહિનાથી વધુનો સમય થઇ ગયો છે. પરંતુ તપાસ પૂર્ણ થઇ નથી.

તપાસ કમિટીના કહેવા મુજબ હજુ 8થી 10 દિવસનો સમય લાગી શકે એમ છે ત્યારે ચાલુ તપાસ દરમ્યાન જ સ્ટેન્ડીંગ કમિટીમાં પાલ સ્થિત આવાસ બનાવવા વિવાદાસ્પદ ઈજારદાર એ.એમ. ભંડેરીને રૂા.47.61 કરોડનું કામ આપવા માટે આટલી બધી ઉતાવળ શા માટે તેને લઇને ચર્ચા શરૂ થઇ છે. આગામી 13 મેના રોજ મળનારી સ્ટેન્ડીંગ કમિટીમાં આ વિવાદી કામને લઇને શું નિર્ણય લેવાશે તે હવે જોવાનું રહ્યું. આ સંદર્ભે સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશ પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો.

નોંધનીય છે કે, જર્જિરત ભેસ્તાન આવાસમાં સ્લેબ પડતાં એક બાળકીનું મોત પણ થયું હતું ત્યારે ભંડેરીને ટી.પી. સ્કીમ નં. 9 (પાલનપોર-ભેંસાણ), ફા.પ્લોટ નં. 174 ખાતે 588 ઇડબલ્યુએસ આવાસ બનાવવા 47.61 કરોડનું કામ સોંપવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિના એજન્ડા પર આવતાં ફરી વિવાદ સર્જાયો છે.

પાલિકાને 340 પરિવારોને તાત્કાલિક ખસેડવાની ફરજ પડી હતી
ઇજારદાર એ.એમ. ભંડેરી દ્વારા ભેસ્તાન સરસ્વતી આવાસમાં 20 ટાવરમાં 640 આવાસ બનાવાયા હતા. માત્ર 5 વર્ષમાં જ આ તમામ આવાસ જર્જરિત થઇ જતા પાલિકાએ 340 પરિવારોને તાત્કાલિક શિફ્ટ કરવાની ફરજ પડી હતી. જર્જરિત આવાસમાં પોપડા, સ્લેબ પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં 3ના મોત પણ થઇ ચૂક્યા છે. હાલમાં આ આવાસ રિ-ડેવલપમેન્ટ હેઠળ બનાવવાનું આયોજન છે. જેના માટે બે પાર્ટમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

ભારે ઉહાપોહ થવા છતાં પાલિકાએ ઇજારદારને બ્લેકલિસ્ટ કર્યો ન હતો
ભેસ્તાન આવાસ 5 વર્ષમાં જ જર્જરિત થઇ જતા ભારે ઉહાપોહ થયો હતો છતાં શાસકોએ ઇજારદારને બ્લેકલિસ્ટ કર્યો ન હતો. આ પ્રકરણ ઉજાગર થયા બાદ આજ સુધીમાં ઈજારદાર એ.એમ. ભંડેરીને પીએમ આવાસ યોજના હેઠળ 200 કરોડથી વધુના કામો અપાયા હતા અને પાલનપોરમાં હવે 47.61 કરોડના આવાસનું કામ સોંપવા તૈયારી થઈ રહી છે.

તપાસ પૂર્ણ થતાં 8થી 10 દિવસ થશે
​​​​​​​ ભેસ્તાન આવાસ અને ગોટાલાવાડી ટેનામન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રકરણમાં તપાસ પૂર્ણ થતાં હજુ 8થી 10 દિવસનો સમગ લાગી શકે એમ છે. આ બંને પ્રકરણમાં સંબંધિત તમામનાં નિવેદનો લેવાઇ ગયા છે. > આર.જે.માંકડિયા, ડેપ્યુટી કમિશનર અને તપાસ કમિટીના વડા

અન્ય સમાચારો પણ છે...