સુરતમાં રાજકીય ડ્રામા:ભાસ્કરે પૂછ્યું, ‘હવે ભાજપમાં જોડાવાના છો?’ તો સવાણી બોલ્યા - હા પણ નહીં કહું, ના પણ નહીં કહું

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
આપના કાર્યકરો મહેશ સવાણીને મનાવવા તેમની ઓફિસે પહોંચ્યા હતા - Divya Bhaskar
આપના કાર્યકરો મહેશ સવાણીને મનાવવા તેમની ઓફિસે પહોંચ્યા હતા
  • કાર્યકરો રડ્યા, પગે પડ્યા પણ સવાણી ન માન્યા
  • આપના કાર્યકરો મહેશ સવાણીને મનાવવા તેમની ઓફિસે પહોંચ્યા હતા

ઉદ્યોગપતિ મહેશ સવાણીના આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા બાદ મંગળવારે રાજકીય નાટક સર્જાયું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરો અને વિપક્ષ નેતા સહિતના નગરસેવકો મહેશ સવાણીને મનાવવા તેમની ઓફિસે પહોંચ્યા હતા અને તમામ બાબતોને બાજુ પર મુકીને ફરીથી પાર્ટીમાં જોડાઇ જવાની વિનંતી કરી હતી.

દરમિયાવ કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી. મહિલા કાર્યકર્તાઓ પણ ભાવુક બની ગઈ હતી અને તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસ બહાર જ બેસી ગયા હતા. પરંતુ મહેશ સવાણી તેમણે લીધેલા નિર્ણય પર અડગ રહ્યા હતા.

બીજી બાજુ દિવ્યભાસ્કરે AAPને છોડવા મુદ્દે મહેશ સવાણી સાથે વાત કરી હતી જેમાં ભાજપમાં ​​​​​​​જોડાવાના સવાલ પર તેમણે કહ્યું હતું કે, હા પણ નહીં કહું અને ના પણ નહીં. હમણાં બસ સમાજ સેવા કરવા માગું છું.

‘મારા અંગત કારણો માટે પાર્ટી છોડી છે, નિર્ણય યથાવત રહેશે’
મહેશ સવાણીએ કહ્યું હતું કે, મારો નિર્ણય યથાવત રહેશે. મારા અંગત કારણોસર પાર્ટી છોડી છે. આપ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું, મહેશ સવાણીનો મેસેજ આવ્યો હતો કે, હું તમારી સાથે છું, ચિંતા કરવાની જરૂર નથી. જેથી મને એવું થયું કે મહેશભાઈ ફરીથી પાર્ટીમાં જોડાઈ શકે છે. જેના કારણે હું પણ ત્યાં પહોંચ્યો હતો.

દિવ્ય ભાસ્કરે ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથે કરેલી સીધી વાત
ભાસ્કર: શું તમે ભાજપમાં જોડાવાના છો?

સવાણી: હા પણ નહીં કહું અને ના પણ નહીં. હમણાં બસ સમાજ સેવા કરવા માગું છું.

ભાસ્કર: AAPને છોડવાનું કારણ શું?
સવાણી: હું AAPમાં જોડાયો ત્યારથી મારા જનની ધામને સમય આપી શકતો ન હતો. પરિવાર માટે પણ સમય મળતો ન હતો. મને ડાયાબીટીસ-સુગર છે જેથી સ્વાસ્થ્યને પણ ધ્યાને રાખી નિર્ણય લીધો છે.

ભાસ્કર:તમે આપને ‘ખુલ્લો પ્લોટ’ કહીને જોડાયા હતા તો હવે શું વાંધો પડ્યો?
સવાણી: વાંધો કોઈ નથી, મારા સામાજિક કામો માટે સમય મ‌ળતો ન હતો એ જ મુખ્ય કારણ છે. મને એકવાર જનની ધામની 12 વર્ષીય દીકરીએ ફોન કરીને કહ્યું હતું કે, પપ્પા તમે પાછા આવી જાઓ.ત્યારથી આ વિચાર મનમાં હતો.

ભાસ્કર: પાટીદાર આંદોલન સમયે તમે પરદા પાછળ રહી આંદોલનકારીઓને સમજાવવા પ્રયાસ કર્યો હતો?
સવાણી: જી, હું અને અન્ય 6થી 7 અગ્રણીઓ હાઇવે પર હાર્દિકને મળ્યા હતા અને બેફામ નિવેદનો ન કરવા સમજાવ્યો હતો. વરાછા રોડ પર બસ સળગવા અને તોડફોડની ઘટનાઓ બની રહી હતી. જે અટકે એ માટે હું હાર્દિકને મળ્યો હતો. એકવાર જેલમાં પણ મળ્યો હતો અને જામીન જલ્દી મળે એ માટે સમાજના કહેવાથી પ્રયાસ કર્યા હતા.

ભાસ્કર :તમે કહ્યું હતું કે, હું ગોળી ખાવા પણ તૈયાર છું.આવી વાતો હવે ક્યાં ગઈ?
સવાણી: શાસક પક્ષ સામે પડ્યો હતો એટલે ઘણા લોકોએ કહ્યું હતું કે, તમારી સામે ઘણા પ્રકારના એટેક થશે ત્યારે મેં એ વાત કરી હતી.

ભાસ્કર: આપ છોડવા કોઈ રાજકીય દબાણ હતું?
સવાણી: ના, બિલકુલ નહીં.

અન્ય સમાચારો પણ છે...