તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઇન્ટરવ્યુ:ભાસ્કરે પૂછ્યું, ‘રાજનીતિ કરવા તમે હિન્દુ ધર્મ વિશે એલફેલ બોલી બદનામ કર્યો?’, ઇટાલિયા બોલ્યા, ‘મારા કરતાં હજાર ગણું નર્મદ, સચ્ચિદાનંદ બોલ્યા છે’

સુરતએક મહિનો પહેલાલેખક: મેહુલ પટેલ
  • કૉપી લિંક
ગોપાલ ઇટાલિયાની ફાઇલ તસવીર. - Divya Bhaskar
ગોપાલ ઇટાલિયાની ફાઇલ તસવીર.
  • ભાજપના મંત્રી કાનાણી આ વિવાદ રોકવાને બદલે કહે છે લાગણી દુભાઈ હોય તો હુમલો થાય

આમઆદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના હિન્દુ ધર્મવિરોધી નિવેદનને પગલે ઠેર ઠેર વિરોધ ઊભો થયો છે. વિરોધ પછી ઈટાલિયાએ માફી માગી છે છતાં હિન્દુ સંગઠનો દ્વારા તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. શનિવારે ઈટાલિયાના ઘરે તેમની ગેરહાજરીમાં હુમલો પણ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેનું પૂતળું બાળવામાં આવ્યું હતું. ‘દિવ્ય ભાસ્કરે’ આ અંગે ઈટાલિયાને પૂછતાં તેણે કહ્યું હતું કે હું જે કંઇ બોલ્યો છું એના કરતાં વધુ હજાર ગણુું વધારે હિન્દુ ધર્મમાં સુધારો આવે, હિન્દુ ધર્મની માન્યતા તથા શ્રદ્ધા વધુ મજબૂત બને એ માટે સ્વામી સચ્ચિદાનંદ, દયાનંદ સરસ્વતી બોલ્યા છે અને કવિ વીર નર્મદે લખ્યું અને કહ્યું છે. મારા વીડિયોમાં એડિટ કરીને અત્યારે વિવાદ ઊભો કરાયો છે.

ભાસ્કરઃ તમે હિન્દુ ધર્મવિરોધી નિવેદનો કરી રાજનીતિ શરૂ કરી, શું તમે હિન્દુ ધર્મમાં માનો છો ખરા?
જવાબઃ હું જે કંઇ બોલ્યો છું એના કરતાં એક હજાર ગણું વધારે સ્વામી સચ્ચિદાનંદ, દયાનંદ સરસ્વતી અને વીર કવિ નર્મદે હિન્દુ ધર્મ વિશે કહ્યું છે. મારું નિવેદન હિન્દુ ધર્મવિરોધી નથી, પરંતુ હાલની પરિસ્થિતિ પ્રમાણેનું હતું. હાલ ધર્મમાં રાજનીતિ ઘૂસી ગઈ છે. ધાર્મિક મંચ પર રાજકીય ભ્રષ્ટ માણસો પહોંચી જાય છે. મારો વીડિયો 4 વર્ષ જૂનો છે અને અત્યારે જે રીતે વાઇરલ કરાયો છે એ પણ સંદર્ભ સમજ્યા વિના 2 મિનિટના વીડિયોને એડિટ કરી વિવાદ ઊભો કરાયો છે અને મારી જે-તે સમયની સમજણ અને પરિપક્વતા પ્રમાણે બોલ્યો હતો. 4 વર્ષમાં મારા વિચારો બદલાયા છે. બોલ્યો ત્યારે હું 'આપ'માં ન હતો.

ભાસ્કરઃ સત્યનારાયણની કથા ફાલતુ છે તો શું તમે કે તમારા પરિવારના સભ્યોએ કથા કરી કે સાંભળી છે ખરી?
જવાબઃ હા, અમારા પરિવારમાં અનેકવાર સત્યનારાયણની કથા થઇ છે. હું પણ હજારો વાર સત્યનારાયણની કથામાં હાજર રહ્યો છું. મારી વાત ધાર્મિક મંચના રાજકીય ઉપયોગ સંદર્ભે હતી. હું હિન્દુ ધર્મમાં સંપૂર્ણ આસ્થા રાખું છું. બે મિનિટના વીડિયોને આધારે કોઇ મને હિન્દુ છું કે નહીં તેવા સર્ટિફિકેટ આપી શકે નહીં.

ભાસ્કરઃ સત્યનારાયણની કથામાં કથા સાંભળનારા હીજડા છે, તો શું તમામ હિન્દુઓને તમે હીજડા સાથે સરખાવો છો?
જવાબઃ ખોટું છે, એડિટેડ વર્ઝન છે. મેં મારી જિંદગીમાં જે વિષય પર ઓપિનિયન આપ્યો જ નથી એવી બાબતો પણ હવે મારા નામે બોલાવા, છપાવા અને લખાવા માંડી છે. હિન્દુ ધર્મનો રાજકીય લોકો મિસયુઝ ન કરે અને ધર્મની વ્યવસ્થા જળવાઇ રહે એ સંદર્ભે જ હું બોલ્યો હતો.

ભાસ્કરઃ નેગેટિવ પબ્લિસિટી મેળવવા તમે હિન્દુ ધર્મવિરોધી બેફામ નિવેદનો કર્યા હતા?
જવાબઃ જે-તે સમયે હું 'આપ' સાથે જોડાયેલો ન હતો. મેં મારા અંગત વિચાર વ્યક્ત કર્યા હતા. વીડિયો જૂનો છે. વીડિયો બાદ 4 વર્ષે હું 'આપ'માં જોડાયો, જે દરમિયાન મારા વિચારો પણ બદલાયા અને ઇમ્પ્રૂવ થયા છે. હું પોતે પૂજા-પાઠ કરનારી વ્યક્તિ છું.

ભાસ્કરઃ હિન્દુ ધર્મ અંગે તમારો મત વ્યક્તિગત હોઈ શકે, પણ આખા ધર્મને તમે બદનામ શા માટે કર્યો?
જવાબઃ હું જે બોલ્યો હતો એ સંદર્ભને ધ્યાનમાં લીધા વિના જ અત્યારે વિરોધીઓઓએ આખી વાત ઊપજાવી કાઢી છે. એને કારણે જ વિવાદ સર્જાયો છે. હિન્દુ ધર્મને બદનામ કરવા માટે હું કંઇપણ બાબત બોલ્યો નથી અને છતાં જો સરતચૂકથી પણ એવું થયું હોય તો મેં સોમનાથ દાદા સમક્ષ પણ માફી માગી છે. આ પછી પણ અમારી પાર્ટીના સભ્યોએ માફી માગી છે. સતત પાંચ વખત લોકોની માફી માગી છે પણ મારો સવાલ છે કે દુનિયાનો એવો કયો ધર્મ છે કે જે પાંચ-પાંચ વખત માફી માગ્યા પછી પણ માફ ન કરે. હજુ પણ હું માફી માગવા તૈયાર છું.

ભાસ્કરઃ હિન્દુ ધર્મ વિશે એલફેલ બોલી માફી માગી લેવી એ તમારી દૃષ્ટિએ પૂરતું છે?
જવાબઃ મેં માફી માગી લીધી છે, એટલે આ વિવાદને પૂર્ણ કરવો જોઇએ પણ દેશનો સૌથી મોટા ભાજપ પક્ષને સેન્ટિમેન્ટલ વાતો તોડી-મરોડીને ફેલાવવામાં વધુ રસ હોય છે અને એનાથી હિન્દુ ધર્મનો જાણે ઠેકો તેમણે લીધો હોય એવી રીતે ધર્મમાં રાજનીતિ ઘૂસાડી દીધી છે. ભ્રષ્ટ નેતાઓ ધાર્મિક મંચ પરથી લોકોને કન્વિન્સ કરવાના પ્રયાસ કરે છે.

ભાસ્કરઃ ભાજપના મંત્રીએ પણ તમારી સામે ગંભીર આક્ષેપ કર્યા છે એ વિશે તમે શું કહેશો?
જવાબઃ જો વિવાદ જ હોય તો મંત્રીએ એમ કહેવું જોઇએ કે બેફામ નિવેદન આપનારા સામે કાર્યવાહી કરીશું. એેને બદલે ભાજપના મંત્રી કુમાર કાનાણી ફેસબુક લાઇવ થઇને એમ કહે છે કે લાગણી દુભાઈ હોય તો હુમલો થાય. કાલે તેઓ મંત્રી નહીં હોય અને જો તેમનો નેગેટિવ વીડિયો વાઇરલ થશે તો કોઈ મારશે ત્યારે? આ હુમલાની રાજનીતિ ભાજપ જ કરે છે.

અન્ય સમાચારો પણ છે...