જીદ્દ સામે કોરોનાની હાર:90 ટકા ફેફસાં ડેમેજ પણ મરવું તો નથી જ, એવું નક્કી કરીને બેઠેલા સુરતના 44 વર્ષનાં ભાનુબેને કોરોનાને હરાવ્યો

સુરત7 મહિનો પહેલાલેખક: મનોજ તેરૈયા
  • કૉપી લિંક
કોરોનાગ્રસ્ત 44 વર્ષીય ભાનુબેન પટેલને 20મી એપ્રિલે જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા. 21મીએ ઓક્સિજન હટાવી લેવાયો. 26મીએ કોરોનાને હરાવી ઘરે આવ્યા હતા. - Divya Bhaskar
કોરોનાગ્રસ્ત 44 વર્ષીય ભાનુબેન પટેલને 20મી એપ્રિલે જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા. 21મીએ ઓક્સિજન હટાવી લેવાયો. 26મીએ કોરોનાને હરાવી ઘરે આવ્યા હતા.
  • રોજ મારી નજર સામે બેથી ત્રણ મૃતદેહ જોતી પણ મેં મારા આત્મવિશ્વાસને ડગવા દીધો નહીં

90 ટકા ફેફસાં ડેમેજ પણ મરવું તો નથી જ, એવું નક્કી કરીને બેઠેલા 44 વર્ષનાં ભાનુબેને કોરોનાને હરાવી હિંમત પૂરી પાડે તેવો દાખલો બેસાડ્યો છે. અશ્વનિકુમારમાં રહેતા ભાનુબેન દિનેશભાઇ પટેલને 5મી એપ્રિલે શ્વાસની થોડી તકલીફ ઊભી થતાં ડોક્ટરને બતાવ્યું. 8મીએ કોરોના આવતા લાલ દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા. સિટી સ્કેનમાં 70થી 80 ટકા અસર આવી તે 90 ટકા પહોંચી. 8 એપ્રિલથી 4થી 5 લીટર ઓક્સિજન અપાતું હતું. બાદ 13 એપ્રિલથી 5 દિવસ ICUમાં લેવા પડ્યા હતા. જેને 26મીએ રજા અપાઈ છે.

મનમાં ગાંઠ વાળી લીધી કે સારું થઇને જ ઘરે જવું છે
જ્યાંથી હોસ્પિટલમાં દાખલ થયા ત્યારથી મનમાં ગાંઠ વાળી લીધી કે સારું થઇને જ ઘરે જવું છે. લોકો સમાજમાં ચાલી રહેલી વાતોનો માહોલ જોઈને હિંમત હારી જતા હોય છે પરંતુ હું તો દાખલ થઇ ત્યારથી જ મનમાં ગાંઠ વાળી લીધી કે કોઈ સંજોગોમાં સાજા થઈને ઘરે જવું છે. મારી નજર સામે દરરોજ બેથી ત્રણ મૃતદેહ નીકળતા જોતી હતી છતાં પણ જ્યારે મારો આત્મવિશ્વાસ ડગ્યો નહીં. હું દરરોજ માતાજીને પ્રાર્થના કરતી હતી. તે જ રીતે મારા પરિવારનો પણ એટલો જ સપોર્ટ અને ઘરના બધા જ સભ્યો સાથે સગા-સંબંધી, મિત્રવર્તુળ બધા જ મારા માટે ભગવાનને પ્રાર્થના કરતા અને કેટલાક સ્નેહીજનોએ તો માનતા પણ માનેલી હતી.

સૌપ્રથમ કુળદેવના દર્શન કરવા જઈશ
જાતે હું હોસ્પિટલમાં દાખલ થઇ હતી. ત્યારથી મારા પતિ 24 કલાક મારી પાસે હાજર રહેતા. જ્યારે જે વસ્તુઓની જરૂર પડતી ત્યારે સગા-સંબંધીઓ પહોંચાડી દેતા અને ક્યારે કોઈ બાબતની ખામી રહી નથી. ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ ખુબ જ કેર લેતા હતા. આમ કોરોનાને હરાવવામાં માત્ર મારો આત્મવિશ્વાસ જ નહીં પરંતુ પરિવારજનો સગા-સ્નેહીઓ મિત્રો અને હોસ્પિટલ સ્ટાફ દ્વારા મને ખુબ જ સપોર્ટ મળ્યો. તેને લીધે સાજી થઈને હું ઘરે આવી છું. મુસાફરી કરી શકાય ત્યારે સૌપ્રથમ અમરેલી જિલ્લાના ચલાલા પાસે અમારા કુળદેવીના દર્શન કરવા જઈશ. - ભાનુબેન પટેલ, કોરોનાથી સાજા થનાર દર્દી

આ દર્દીની હિંમત જોરદાર હતી
80થી 90 ટકા ફેફસા પર અસર હતી. આવા દર્દી પહેલેથી જ હિંમત હારી જતા હોય છે. દર્દી હિંમત હારી જાય પછી ડોક્ટરને સફળતા મળવી ખૂબ જ મુશ્કેલ હોય છે. જોકે, દરેક દર્દીને ટ્રીટમેન્ટ સરખી જ અપાતી હોય છે પરંતુ આ દર્દીની હિંમત જોરદાર હતી. અમારો હોસ્પિટલ સ્ટાફ જે કહેતા તે બધું કરતા, સપોર્ટ આપે તેવા દર્દી ઓછા હોય છે. - ડો. દિપક ભડીયાદરા, મહિલાને સાજા કરનાર ડોક્ટર

અન્ય સમાચારો પણ છે...