તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ સુરતનું ખમીર છે:કોરોનાના દર્દીઓ પાછળ વિવિધ સમાજ સહિત 70 સંસ્થાઓએ 40 કરોડનો ખર્ચો કર્યો

સુરત3 મહિનો પહેલાલેખક: પ્રેમ મિશ્રા
 • કૉપી લિંક
કેસો ઘટતા આઇસોલેશન સેન્ટરમાં બેડ ખાલી જોવા મળી રહ્યા છે - Divya Bhaskar
કેસો ઘટતા આઇસોલેશન સેન્ટરમાં બેડ ખાલી જોવા મળી રહ્યા છે
 • કોઇ સંસ્થાએ બેડ ઉભા કર્યા, તો કોઇએ ઓક્સિજન આપ્યો, એકજુટ થઇ શહેરને બચાવ્યું
 • 33 આઇસોલેશન સેન્ટરમાંથી એક મહિનામાં 4800 લોકો સાજા થઇને ઘરે ગયા, 527 દર્દી સારવાર હેઠળ
 • કેસ ઘટી જતા આઇસોલેશન સેન્ટરમાં હવે ઓક્સિજનવાળા 56 ટકા , સાદા 73 ટકા બેડ ખાલી છે

કોરોનાના કારણે થોડા દિવસો પહેલા શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ન્હોતા મળી રહ્યા ત્યારે વિવિધ સમાજના આગેવાનો આગળ આવ્યા હતાં અને કોવિડ આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરી હતી. છેલ્લા એક મહિના દરમિયાન 33થી વધુ આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. જેમાંથી હાલ 26 આઇસોલેશન સેન્ટર વિવિધ ઝોનમાં કાર્યરત છે.આ આઇસોલેશન સેન્ટરમાં અત્યાર સુધીમાં 5500 જેટલા દર્દીઓએ સારવાર લીધી છે. જેમની પાછળ 70થી વધુ સંસ્થાઓએ 40 કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.

14 આઇસોલેશન વોર્ડ ચાલે છે
અત્યાર સુધી કુલ 4800થી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે. જ્યારે 527 દર્દીઓ સારવાર હેઠળ છે. સંસ્થાઓને સૌથી વધારે ખર્ચ ઓક્સિજનના બોટલની રિફિલિંગમાં થાય છે. સુરતની સેવા સંસ્થા 52 સંસ્થાઓની મદદથી શહેરમાં 14 આઇસોલેશન સેન્ટર ચલાવી રહી છે. એમના આઇસોલેશન સેન્ટરમાં 700 જેટલા બેડ છે. જેમાંથી અત્યાર સુધીમાં 4000થી વધુ દર્દીઓ સારવાર લઇ ચૂક્યા છે. તેમજ 300 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે. સેવા સંસ્થાના વિપુલ બુહાએ જણાવ્યુ હતું કે,‘આઇસોલેશન સેન્ટરમાં એક દર્દી પાછળ દિવસ દીઠ 4થી 5 હજારનો ખર્ચ થાય છે. સંસ્થા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી આ સેન્ટર ચલાવે છે.’

કોવિડ સેન્ટરમાં પર્યાપ્ત બેડ ઉપલબ્ધ
તંત્ર -સંસ્થાઓના સંયુક્ત પ્રયત્નથી શરૂ કરાયેલો સીસીઆઈસી કોન્સેપ્ટ મદદગાર રહ્યો. હાલ કોવિડ સેન્ટરોમાં પર્યાપ્ત બેડ છે. અગાઉ ઓક્સિજન ઓડિટ કરી 5થી 10 ટકા ઓક્સિજન બચાવ્યો હતો. > દિનેશ રબારી, નોડલ ઓફિસર, સીસીઆઈસી

જૈન સમાજ: 3 આઇસોલેશન સેન્ટર બનાવ્યા, હાલ 56 દર્દીઓ જ દાખલ
જૈન સમાજે સંપ્રતિ આઇસોલેશન સેન્ટર, શ્રી રાજેન્દ્ર જયંત કોવિડ કેર સેન્ટર અને પ્રભુ મહાવીર એમ 3 સેન્ટર શરૂ કર્યા છે. જેમાં સાદા અને ઓક્સિજનવાળા મળી કુલ 218 બેડ ઉપલબ્ધ છે. હાલ અહીં 56 જેટલા દર્દીઓ દાખલ છે.

સચીન GIDC: 2500 ઓક્સિજન બોટલ અને 3 હજારને રસી મુકાવી
સચીન જીઆઈડીસીએ 2500થી વધુ ઓક્સિજનની બોટલ હોમ આઇસોલેશનના દર્દીઓને આપી હતી. તેમજ સંસ્થા તરફથી 3 હજારથી વધુ લોકોનું વેક્સિનેશન કરાવવામાં આવ્યું છે.

મુક્તિ તિલક ફાઉન્ડેશન: 1.17 કરોડ ખર્ચી કોરોના કવચ વીમો આપ્યો
મુક્તિ તિલક ફાઉન્ડેશન 1થી 5 મે સુધી કોરોના કવચ વીમો લેનાર 11,700 લોકોના પ્રીમિયમની રકમ 8થી 12 મે દરમિયાન પરત કરશે. પ્રીમિયમ પાછળ સંસ્થાને 1.17 કરોડનો ખર્ચ થશે. 40 જમ્બો ઓક્સિજન સિલિન્ડર દાન કર્યા હતા.

અગ્રવાલ સમાજ ટ્રસ્ટ: 20 ઓક્સિજન કન્સન્ટ્રેટર મંગાવ્યા
​​​​​​​અગ્રવાલ સમાજ ટ્રસ્ટે 5000ને ઓક્સિજન બોટલ આપી છે. તેઓ ડિસેમ્બર મહિનાથી જ લોકોને ઓક્સિજનની સુવિધા આપી રહ્યા છે. એ સાથે જ 20 ઓક્સિજન કન્સન્ટ્રેટર પણ મંગાવ્યા છે.

અગ્રસેન ભવન: 8 હજારને રસી અને 900ને ઓક્સિજન બોટલ આપ્યાં
​​​​​​​અગ્રસેન ભવન અને અગ્રવાલ વિકાસ ટ્રસ્ટે 900 લોકોને મફત ઓક્સિજનની બોટલ તેમજ 8000 લોકોને રસી અપાવી છે. સંસ્થા દ્વારા 150 લોકોને પ્લાઝ્મા આપવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા 50 લોકો પાસેથી પ્લાઝ્માનું દાન કરાયું હતું.

રંગીલા: શ્યામ સમિતિએ 1 હજાર દર્દીઓને ઓક્સિજનની મદદ કરી
રંગીલા શ્યામ સેવા સમિતિએ છેલ્લા એક મહિના દરમિયાન લોકોને 1000 ઓક્સિજનની બોટલ નિ:શુલ્ક આપી છે. એમની આ સેવા 24 કલાક શરૂ રાખી દર્દીઓની મદદ કરી હતી.

આઇસોલેશન સેન્ટરના 1600 બેડમાંથી 1073 બેડ હાલ ખાલી છે
આઇસોલેશન સેન્ટરમાં 1600 જેટલા બેડ છે. જેમાંથી 556 ઓક્સિજન વાળા તેમજ 1044 સાદા બેડ છે. 556 ઓક્સિજનવાળા બેડમાંથી 247 બેડ ફૂલ છે અને 309 એટલે 55.58 ટકા બેડ ખાલી છે. હાલ 280 સાદા બેડ ભરાયેલા છે. જેથી શહેરના વિવિધ આઇસોલેશન સેન્ટરમા 73 ટકા ઓક્સિજન વગરના બેડ ખાલી છે.

192 દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા
​​​​​​​શહેરના વિવિધ આઇસોલેશન સેન્ટરમાં હાલ 527 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાંથી 389 દર્દીઓ સુરતના છે અને 138 દર્દીઓ સુરત બહારના છે. 192 દર્દીઓને વિવિધ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા.

700 દર્દીઓને ઓક્સિજન પુરો પાડવા 2.5 લાખનો ખર્ચ થતો હતો
​​​​​​ 52 સંસ્થાઓની મદદથી 14 આઇસોલેશન ચાલે છે. હાલ 300થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 4000 જેટલા સાજા થઈને ઘરે જઈ ચુક્યા છે. 700 દર્દીઓને રોજ ઓક્સિજન પુરો પાડવા 2.5 લાખનો ખર્ચ થતો હતો. - વિપુલ બુહા, સેવા સંસ્થા

આ સંસ્થાઓએ સેવાનો ધોધ વહાવ્યો

 • સુરત માહ્યાવંશી સમાજ તરફથી પણ સમાજના લોકો માટે 20 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું છે.
 • રાણા સમાજ દ્વારા 52 બેડનું સેન્ટર શરૂ કરાયું.
 • કોળી સમાજ દ્વારા 100 બેડનું આઇસોલેશન સેન્ટર
 • ગૌપુત્રી મિત્ર મંડળ દ્વારા 64 બેડનું આઇસોલેશન સેન્ટર, નમો શિવબા દ્વારા 50 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે.
 • સમસ્ત પાટીદાર સમાજ દ્વારા 65 બેડનું આઇસોલેશન સેન્ટર
 • આહિર સમાજ દ્વારા 25 બેડનું આઇસોલેશન સેન્ટર
 • ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા દ્વારા 89 બેડનું આઇસોલેશન સેન્ટર
 • સેવા ગ્રુપના 14 કેર સેન્ટરમાં 52થી વધુ સંસ્થાઓ જોડાઈ હતી.
અન્ય સમાચારો પણ છે...