ચોમાસા પહેલાં પાલિકા આખા શહેરની જર્જરિત બિલ્ડિંગોનો નવેસરથી સરવે કરી રિપેરિંગ જોગ મિલકતોમાં તાકીદના ધોરણે મરામત થઇ શકે તેવી પ્રક્રિયા કરશે. આ સાથે જ શહેરી વિકાસ વિભાગને સરવે રિપોર્ટ રજૂ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ તાકીદ કરી હતી. અત્યંત બિસમાર મિલકતોમાં જો જીવના જોખમે વસવાટ થઇ રહ્યો હોય તો તે પણ પાલિકાએ ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સ્થાયી સમિતિના સભ્ય ઉર્વશી પટેલે શહેરભરની 100 વર્ષ જૂની તમામ સ્કૂલોના મકાન બાબતે પણ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવા રજૂઆત કરી હતી.
તાજેતરમાં જ કતારગામ ખાતે કિરણ હોસ્પિટલની પાછળ જર્જરિત મકાનનો સ્લેબ પડતાં જાનહાની થઇ હતી. ચોમાસા આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝડપભેર પવન ફુંકાવાની સ્થિતિમાં આવા જર્જરિત મકાનોનો કાટમાળ તૂટી પડે તો રાહદારી તથા વાહનચાલકો તેમજ રહીશોને ગંભીર ઇજા થવાની ભીતિ સેવાઇ હતી. ત્યારે પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં આવી બિસમાર મિલકતોનો સરવે કરાવી તાકીદના ધોરણે ઘટતી કાર્યવાહી કરવા સૂચન કરાયું હતું.
આ અંગે તમામ ઝોનમાં સરવે હાથ ધરાયો છે. સાથે-સાથે ઝોન અધિકારીઓએ જર્જરિત પાકી રિપેરિંગ યોગ્ય મિલકતોને નોટિસ ફટકારી તાકીદે મરામત કરવા સૂચના આપી છે. અત્યંત જોખમી મિલકતોમાંથી તાકીદે વસવાટ ખાલી કરી બિલ્ડિંગને ઉતારી પાડવા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરના જૂના વિસ્તારોમાં જોખમી મિલકતો વધુ
આગામી સપ્તાહ સુધીમાં પાલિકાના તમામ ઝોનમાંથી જર્જરિત મિલકતોનો સર્વે રિપોર્ટ મેળવી પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીને આ બાબતે વાકેફ કરાશે. શહેરના કોટ વિસ્તારમાં જૂના મકાનોની સંખ્યા વધુ હોવાથી સેન્ટ્રલ ઝોન દ્વારા બિસમાર અને જોખમી મિલકતો ખાલી કરાવવા ઝુંબેશ હાથ ધરાઇ હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.