તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપના ગઢમાં આપનું ઝાડું ફર્યું:કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા ભાજપના 60થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા, 6 દિવસમાં 360થી વધુએ પક્ષ છોડ્યો

સુરત4 મહિનો પહેલા
ભાજપમાંથી આપમાં જોડાયેલા મારુ પ્રજાપતિ સમાજના કાર્યકર્તાઓ
  • સુરત ભાજપમાં પક્ષ છોડીને આપમાં જોડાવાનો કાર્યકર્તાઓનો સિલસિલો યથાવત
  • રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજના 60થી વધુ કાર્યકર્તાઓ આપમાં જોડાયા.
  • 6 દિવસ પહેલા જ સુરતમાં 300થી વધુ ભાજપના કાર્યકર્તાઓએ પક્ષ સાથે છેડો ફાડ્યો હતો.

સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલીઓ સર્જાતી દેખાઈ રહી છે. ભાજપમાંથી મોહભંગ થઇ ને આમ આદમી પાર્ટીમાં કાર્યકર્તાઓ ધીરે ધીરે પ્રવેશી રહ્યા છે. ભાજપના સંગઠનમાં ગાબડું પાડવામાં આપ હવે ધીરે ધીરે સફળ થતો દેખાય રહ્યું છે. આમ આદમી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓને પોતાના પક્ષે તરફ આકર્ષવામાં સફળ થઈ રહી છે. બીજી તરફ ભાજપ સંગઠન નબળું પુરવાર થતું દેખાઈ રહ્યું છે. પોતાના કાર્યકર્તાઓને આપમાં જતા રોકી શકવામાં પણ ભાજપ નિષ્ફળ થઈ રહ્યું છે. ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલના ઘરમાં જ આમ આદમી પાર્ટી એક બાદ એક ગાબડા કરવામાં સફળ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સુરત શહેર સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ અને શહેર પ્રમુખ નબળા પુરવાર થતા દેખાઈ રહ્યા છે.

ભાજપના 60થી વધુ કાર્યકર્તા 'આપ'માં જોડાયા
રાજસ્થાની મારુ પ્રજાપતિ સમાજ સુરતના પ્રમુખ વશરામભાઈ પ્રજાપતિ તથા ઉપપ્રમુખ સંજયભાઈ પ્રજાપતિની સાથે પર્વતપાટિયા અને લીંબયાતમાંથી 60થી વધુ કાર્યકર્તાઓ ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. પર્વત પાટિયા રાજસ્થાની સમાજમાં ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સારી પકડ છે આ વિસ્તારની અંદર ભાજપ ખૂબ જ સક્રિય રીતે કામ કરતું રહ્યું છે. કોર્પોરેશનની ચૂંટણી હોય કે ધારાસભાની ચૂંટણી હોય આ વિસ્તારમાં ભાજપને ક્યારેય મુશ્કેલી ઊભી નથી થઈ. કારણ કે આ વિસ્તારમાં સંગઠન ખૂબ જ મજબૂત છે પરંતુ હવે એ જ વિસ્તારના કાર્યકર્તાઓ ભાજપ તરફ આકર્ષાતા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

આપમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ
આપમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતા આમ આદમી પાર્ટીના નેતાઓ

આમ આદમી પાર્ટીએ નવા કાર્યકર્તાઓને આવકાર્યા
આમ આદમી પાર્ટીના આ પ્રવેશવિધિ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને આવકારવા માટે સુરત મહાનગર પાલિકાના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા, શહેર સંગઠન મંત્રી રજની વાઘાણી, શહેર ઉપાધ્યક્ષ રમેશ પરમાર તથા શહેર ટીમના સાથી ઇ. કે. પાટીલ અને દિપક પાટીલ હાજર રહ્યા હતા અને નવા જોડાનાર સૌ આગેવાનો અને કાર્યકરોને આવકાર્યા હતા.

ભાજપના 60થી વધુ કાર્યકર્તા આપમાં જોડાયા
ભાજપના 60થી વધુ કાર્યકર્તા આપમાં જોડાયા

5 દિવસ પહેલા જ 300 કાર્યકર્તાઓએ ભાજપનો છેડો ફાડ્યો હતો
ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પોતે પણ પ્રજાપતિ સમાજના હોવા છતાં પણ તેઓ ભાજપ સુરત શહેરના સંગઠન ઉપર તો પોતાની પકડ નથી બનાવી રહ્યા પરંતુ પોતાના સમાજ ઉપર પણ તેમનો પ્રભાવ જોવા મળી રહ્યો નથી. નિરંજન ઝાંઝમેરા શહેર પ્રમુખ તરીકે નબળા પુરવાર થઈ રહ્યાં હોય તેવું લાગે છે. તાજેતરમાં જ કામરેજ વિધાનસભા બેઠકોમાં આ 300 કાર્યકર્તાઓ આપમાં જોડાઈ ગયા હતા. સુરત શહેરના ભાજપના સંગઠનના નેતાઓ ઓવર કોન્ફિડન્સમાં હોય તેવું લાગી રહ્યું છે જે આવનાર સમયમાં તેમના માટે મોટો પડકાર ઊભો કરી શકે છે.

5 દિવસ પહેલા જ ભાજપના 300 કાર્યકર્તા આપમાં જોડાયા
5 દિવસ પહેલા જ ભાજપના 300 કાર્યકર્તા આપમાં જોડાયા

કાર્યકરોને ભાજપ હાંસિયામાં ધકેલે છે
ભાજપ યુવા મોરચાના મહામંત્રી વિપુલ સાખીયાએ અગાઉ જણાવ્યું હતું કે, હું છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહ્યો છું. પરંતુ મને એવું લાગે છે કે, ભારતીય જનતા પાર્ટીમાં પ્રામાણિક અને પુરુષાર્થ કરતા કાર્યકર્તાઓને કોઈ સ્થાન નથી. છેલ્લા ઘણા સમયથી અમારા જેવા કાર્યકર્તાઓને હાસ્યમાં ધકેલવામાં આવે છે જેનો અમને દુઃખ છે. જેથી સારા વિકલ્પ એવા આપમાં અમે અમારા ટેકેદારો સાથે જોડાયા છીએ.