તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પહેલાં ગુજરાતી મહિલા રાજ્યપાલ:નવસારીએ દેશને આપ્યા બીજા રાજ્યપાલ, મંગુભાઈ પહેલાં કુમુદબેન જોશી 1985માં આંધ્રપ્રદેશનાં ગવર્નર બન્યાં હતાં

સુરતએક મહિનો પહેલાલેખક: સુનિલ પાલડિયા
  • કૉપી લિંક
30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લીધી હતી અને 34 વર્ષની વયે કુમુદબેન સાંસદ બન્યાં હતાં. - Divya Bhaskar
30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લીધી હતી અને 34 વર્ષની વયે કુમુદબેન સાંસદ બન્યાં હતાં.
  • આજીવન અપરિણીત કુમુદબેનની સાદગી અને પ્રામાણિકતાથી રાજીવ ગાંધી પ્રભાવિત થઈ ગયા હતા
  • ઈન્દિરા ગાંધીથી પ્રભાવિત થઈને કુમુદબેને જોબ છોડી દીધી અને 1964માં રાજકારણમાં સક્રિય થયાં હતાં

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા મંગુભાઈ પટેલની મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકે નિમણૂક કરાઈ છે. મંગુભાઈ મૂળ નવસારી જિલ્લાના છે અને રસપ્રદ બાબત એ છે કે આ સાથે જ નવસારી ગુજરાતનો એકમાત્ર એવો જિલ્લો બન્યો છે, જેણે દેશને બે રાજ્યપાલ આપ્યા છે. અગાઉ નવસારી જિલ્લાનાં કુમુદબેન જોશી છેક 1985ની સાલમાં આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ બની ચૂક્યાં છે. તેમનો કાર્યકાળ 26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધીનો હતો. આજે કુમુદબેનની ઉંમર 88 વર્ષની છે અને દોઢ વર્ષથી પેરાલિસિસને લીધે પથારીવશ છે. આજીવન અપરિણીત કુમદુબેનની સાદગી અને નખશિખ પ્રામાણિકતાથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ પ્રભાવિત થઈ ગયા હતા, જ્યારે કુમુદબેન ઈન્દિરા ગાંધીને રોલ મોડલ માનતાં હતાં.

14 વર્ષ MP રહ્યાં, પણ પોતાનું ઘર ન હતું
DivyaBhaskar દ્વારા નવસારીસ્થિત તેમના નિવાસે કુમુદબેનનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓ વાત કરવાની સ્થિતિમાં નહોતા, પરંતુ તેમનાં ભત્રીજી બીનાબેને સંસ્મરણો વાગોળતાં જણાવ્યું હતું કે કુમુદબેન રાજ્યપાલપદ બાદ 1990માં રાજીવ ગાંધીના આગ્રહથી ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસમાં પ્રમુખ બન્યાં હતાં. એક સમયે રાજીવ ગાંધીએ તેમને કહ્યું હતું કે તમે 3 ટર્મ સાંસદ રહ્યાં છતાં તમારી પાસે પોતાનું એક ઘર નથી? જ્યારે કુમુદબેને તેમને કહ્યું, તેમની પાસે ના તો પોતાની માલિકીનું ઘર છે કે ના ગાડી. તેઓ અત્યંત સાદગીથી રહેવામાં માને છે. આ સાંભળીને રાજીવ ગાંધી કુમુદબેનથી અત્યંત પ્રભાવિત થયા હતા. આજે પણ નવસારી જિલ્લાના ગણદેવીના ચાંગાથી સેન્ટ્રલ હોલ સંસદભવન સુધીની તેમની યાત્રા પ્રેરક છે. તેમણે રાષ્ટ્રસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને પોતાનો સંસાર માંડ્યો જ નહોતો.

કુમુદબેન 26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા.
કુમુદબેન 26મી નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધી આંધ્રપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા.

પહેલાં ગુજરાતી મહિલા રાજ્યપાલ બન્યાં હતાં
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અગાઉ ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ બન્યાં હતાં, પણ આ પૂર્વે રાજ્યપાલ બનનારા પ્રથમ ગુજરાતી મહિલાનું ગૌરવ તો કુમુદબેનના નામે જ છે. દક્ષિણ ગુજરાતના મોતાડા બ્રાહ્મણ મણિશંકર જોશીના ઘરે કુમુદબેનનો જન્મ 1934માં થયો હતો. ગણદેવી-ચાંગામાં જમીન-ખેતી વગેરે સાચવવા માટે આવેલો પરિવાર અહીં જ સ્થાયી થયો હતો. તેઓ નવસારીની કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયાં હતાં. છોકરાઓને પણ સાઈકલ ભાગ્યે મળતી એ જમાનામાં કુમુદબેન સાઈકલ અને મોટરબાઈક પર ભણવા, નોકરી અને સેવાકાર્યો કરવા જતાં હતાં.

છોકરાઓને પણ સાઈકલ ભાગ્યે મળતી એ જમાનામાં કુમુદબેન સાઈકલ અને મોટરબાઈક પર ભણવા જતાં હતાં.
છોકરાઓને પણ સાઈકલ ભાગ્યે મળતી એ જમાનામાં કુમુદબેન સાઈકલ અને મોટરબાઈક પર ભણવા જતાં હતાં.

ઈન્દિરા ગાંધીથી પ્રભાવિત થઈ નોકરી છોડી રાજકારણમાં જોડાયાં
કુમુદબેન કો-ઓપરેટિવ ઓફિસર બન્યાં હતાં. ત્યાર બાદ ઈન્દિરા ગાંધીથી પ્રભાવિત થઈને પોતાની જોબ છોડી દીધી હતી. 30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લીધી હતી અને 34 વર્ષની વયે તેઓ સાંસદ બન્યાં હતાં. આ સાથે ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળમાં 1980થી 1982 સુધી તેઓ માહિતી અને પ્રસારણમંત્રી તેમજ ત્યાર બાદ 1994 સુધી તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યાં હતાં.

કુમુદબેને રાષ્ટ્રસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને પોતાનો સંસાર માંડ્યો જ નહોતો.
કુમુદબેને રાષ્ટ્રસેવામાં પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને પોતાનો સંસાર માંડ્યો જ નહોતો.

આંધ્રપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બન્યાં હતાં
26 નવેમ્બર 1985થી 7 ફેબ્રુઆરી 1990 સુધી આંધ્રપ્રદેશનાં રાજ્યપાલ તરીકે સેવારત રહ્યાં હતાં. શારદા મુખર્જી બાદ કુમુદબેન આંધ્રપ્રદેશનાં બીજા મહિલા રાજ્યપાલ બન્યાં હતાં. તેઓ કેન્દ્રીય મંત્રી ઉપરાંત ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પણ ચેરમેન તરીકે રહ્યાં હતાં. આ સિવાય કુમુદબેન ત્રણ વખત રાજ્યસભાના સાંસદ બન્યાં હતાં. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના મહામંત્રી પણ રહી ચૂક્યાં હતાં.

કુમુદબેન જોશી એક ગુજરાતી તરીકે આંધ્રપ્રદેશની સિકલ બદલી શકવામાં સફળ રહ્યાં.
કુમુદબેન જોશી એક ગુજરાતી તરીકે આંધ્રપ્રદેશની સિકલ બદલી શકવામાં સફળ રહ્યાં.

આંધ્રપ્રદેશના 23 જિલ્લામાં યાત્રા કરી રેકોર્ડ બનાવ્યો
રાજ્યપાલ બન્યા બાદ તેમણે સમગ્ર આંધ્રપ્રદેશના 23 જિલ્લામાં યાત્રા કરી હતી. આ પણ એક રેકોર્ડ છે. રાજ્યપાલ બન્યા બાદ તેઓ તેલુગુ દેશમ પાર્ટીના સતત નિશાના પર રહ્યાં હતાં. એ વખતે તેલુગુ દેશમ પાર્ટીનું આંધ્રપ્રદેશમાં શાસન ચાલી રહ્યું હતું. તેલુગુ દેશમ પાર્ટી સાથેનો વિવાદ પ્રજાસત્તાક પર્વની પરેડના તેમના 20 મિનિટના ભાષણથી શરૂ થયો હતો. કેન્દ્રની કોંગ્રેસ સરકાર પર એનટી રામારાવે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસ સરકાર આંધ્રપ્રદેશવિરોધી છે. તો આનો જવાબ કુમુદબેને આપ્યો હતો કે વિશાખાપટ્ટનમમાં સ્ટીલ પ્લાન્ટ માટે કોંગ્રેસે પ્રતિદિન 4 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે અને અનાજ વિતરણ માટે 75 પૈસાથી લઈ એક રૂપિયા સુધીની સબસિડી આપી છે. કુમુદબેન જોશી એક ગુજરાતી તરીકે આંધ્રપ્રદેશની સિકલ બદલી શકવામાં સફળ રહ્યાં હતાં.

કુમુદબેને આંધ્રપ્રદેશની દેવદાસીની પ્રથાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડ્યો હતો.
કુમુદબેને આંધ્રપ્રદેશની દેવદાસીની પ્રથાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચાડ્યો હતો.

કુમુદબેન બોલ્ડ નિર્ણય લેવામાં જરાં પણ ખચકાતાં નહોતાં
આંધ્રપ્રદેશમાં રાજ્યપાલ બન્યા બાદ ઈસ્ટ ગોદાવરી અને વેસ્ટ ગોદાવરી ડિસ્ટ્રિક્ટમાં વાવાઝોડાને લઈને ખૂબ જ ખાનાખરાબીઓ થતી હતી, જેને લઈને શેલ્ટર હોમ બનાવ્યાં હતાં. આંધ્રપ્રદેશની દેવદાસીની પ્રથાનો પ્રશ્ન દિલ્હી સુધી પહોંચ્યો હતો. દરમિયાન કેટલાકનાં લગ્ન પણ રાજભવનમાં કરાવ્યાં હતાં. કુમુદબેન બોલ્ડ નિર્ણય લેવામાં જરાં પણ ખચકાતાં નહોતાં.

(કુમુદબેનના ભત્રીજી બીનાબેન મહાવીરભાઈ જોશી સાથે થયેલી વાત પ્રમાણે)