ઉત્તરાયણ એટલે ચટાકેદાર ઊંધિયું-સ્વાદિષ્ટ જલેબી અને ધારદાર સુરતી માંજાનો દિવસ! પતંગરસિકો નાત-જાત-ધર્મના ભેદ ભૂલીને આખું વર્ષ જેની રાહ જોતા હોય એ ઉત્સવ એટલે ઉત્તરાયણ. આ દિવસે પતંગ અને ધારદાર માંજા સાથે આખું ગુજરાત હિલોળે ચડે છે. પતંગરસિકો તો આ માટેની તૈયારી પણ ઉત્તરાયણના દિવસો પહેલાંથી કરી દેતા હોય છે. ઉત્તરાયણની ઉજવણીમાં પતંગ સાથે માંજાનું ખૂબ જ મહત્ત્વ રહ્યું છે. એક હકીકત એ પણ છે કે આખા ભારતમાં પતંગના દોરા (માંજા) તો અનેક પ્રકારના મળે છે, પણ તેની ઓળખ ફક્ત બે શહેરનાં નામથી જ થાય છે. આમાં એક છે બરેલીનો માંજો અને બીજો છે સુરતી માંજો. એમાં પણ સૌથી વધુ સુરતી માંજો અને એમાં પણ ભગવાનદાસનો માંજો તો દેશ-વિદેશમાં પ્રખ્યાત. તો ચાલો... આપણે જાણીએ કે એની પાછળનું રહસ્ય શું છે? શા માટે સુરતી માંજો પતંગરસિકોમાં આટલો લોકપ્રિય છે, એની પાછળનું સાયન્સ શું છે અને કોણ હતા ભગવાનદાસ? આ બધું જાણવાનો પ્રયાસ કરીને દિવ્ય ભાસ્કર પહેલીવાર વાચકો સમક્ષ આજે સુરતી માંજાની રસપ્રદ હકીકતો લાવી રહ્યું છે.
ભગવાનદાસનું લેબલ એટલે આંખો બંધ કરીને ખરીદી
ઉત્તરાયણ આવે એટલે સવારથી જ 'એ કાઇપો છે....એ લપેટ...' જેવા નારાથી ગુજરાત ગુંજી ઊઠે છે. ઉત્તરાયણનો આ તહેવાર ચાર શહેરથી ખૂબ પ્રખ્યાત છે. અમદાવાદની પોળની ઉત્તરાયણ, ખંભાતની પતંગ, બરેલીનો માંજો અને સુરતી માંજો.. ત્યારે આજે આપણે વાત કરવાના છે વિશેષ સુરતી માંજાની. છ તાર- નવ તાર અને 12 તારનો સુરતી માંજો સમગ્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ દેશ-વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. સુરતનો માંજો ગુજરાતના દરેક શહેર અને દરેક ગામમાં વેચાય છે અને એમાં પણ સુરતનો પ્રખ્યાત ભગવાનદાસનો માંજો હોય એટલે પછી કંઈ જોવાનું જ નથી આવતું. આજે ભગવાનદાસના માંજાએ સમગ્ર સુરતને દેશ-વિદેશમાં પ્રખ્યાત કર્યું છે. દોરીની ફીરકી (ઘણા ચરખો પણ કહે છે) પર સુરતી માંજો અને ભગવાનદાસનું લેબલ લગાડ્યું હોય એટલે લોકો આંખ બંધ કરી એ દોરા પર વિશ્વાસ કરી લે છે.
સુરતનો માંજો કેમ બધાથી અલગ પડે છે?
ઉત્તરાયણ તો ગુજરાતભરમાં ખૂબ જ ઉત્સાહભેર મનાવાય છે. ગુજરાતના દરેક શહેર અને દરેક ગામમાં પતંગ માટેના દોરા પવાય છે. તેમ છતાં આજે સમગ્ર ગુજરાત અને દેશ-વિદેશમાં સુરતનો જ માંજો કેમ પ્રખ્યાત થયો છે અને પતંગરસિકોમાં કેમ પ્રિય થયો છે. આનું કારણ સુરતી માંજાનું નોખાપણું છે. સુરતી માંજો બનાવવાની પદ્ધતિ પણ ખૂબ જ અલગ પ્રકારની છે. સુરતી માંજો બનાવનાર કારીગરોને બહારગામથી વિશેષ બોલાવવામાં આવે છે. સુરતી માંજાને તૈયાર કરવા માટે એક બાજુ ચરખો તો તેની સામે નિષ્ણાત કારીગર હોય છે. માંજાને રંગમાંથી બોળીને ચરખા પર ચઢાવવામાં આવે છે. આ સાથે તેની પર કાચ ચઢાવવાની અનોખી રીત જ આ સુરતી માંજાને બીજા બધા કરતાં અલગ પાડે છે. આ બધામાં સુરતના પ્રખ્યાત ભગવાનદાસ નામના પતંગના વેપારીના માંજાએ વર્ષોથી લોકપ્રિયતા મેળવી છે.
ભગવાનદાસના માંજાનું રહસ્ય
માત્ર ફીરકી પર ભગવાનદાસ પતંગ લખ્યું હોય એટલે લોકો એ દોરી આંખ બંધ કરી ખરીદી કરી લે છે. ત્યારે ભગવાનદાસના પતંગ-દોરા પાછળનું રહસ્ય જાણવા દિવ્ય ભાસ્કર પહોંચ્યું અસલ ભગવાનદાસની પેઢીએ. સુરતના પ્રખ્યાત ભગવાન પતંગ ભંડારના વેપારી પ્રકાશ સાદરીવાલાએ સુરતી માંજાનું રહસ્ય કહ્યું. તેમણે જણાવ્યું હતું કે આ બધી મહેનત વર્ષો પહેલાં તેમના પિતા અને કાકાએ કરી છે. લોકોમાં તેમના માંજા પ્રત્યે એક વિશ્વાસ ઊભો કરાવ્યો છે. અંદાજે 65 વર્ષ પહેલાં કાકા ભગવાનદાસ અને પિતા હસમુખભાઈએ મેન રોડ પર જ દોરી બનાવવાનું શરુ કર્યું. ધીમે-ધીમે ચરખાવાળી સિસ્ટમ પિતા અને કાકાએ મળીને શરૂ કરી. લોકોને આ રીતે તૈયાર કરેલો દોરો ખૂબ જ ગમવા લાગ્યો. ત્યાર બાદ ધીમે ધીમે સુરત અને આજે સમગ્ર ગુજરાત તેમજ દેશમાં અમારા આ દોરા પર લોકો વિશ્વાસ મૂકી રહ્યા છે.
સુરતી માંજો ફેમસ કરનાર ભગવાનદાસ કોણ હતા?
સુરતી માંજાને જગમશહૂર બનાવનાર આ ભગવાનદાસ કોણ છે અને શા માટે સુરતી દોરી આટલી વખણાઈ છે એ જાણવા માટે અમે સુરતના ભાગળ ખાતે આવેલા ભગવાન પતંગ ભંડાર ખાતે પહોંચ્યા. અહીં દુકાનના માલિક પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે વર્ષોથી અહીં પતંગ-દોરા અને સીઝનલ વસ્તુઓનો ધંધો કરી રહ્યા છે. આ અમારી બીજી પેઢી છે. અમે બે પેઢીથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. ભગવાનદાસ અને હસમુખભાઈ બંને ભાઈ હતા. બંને ભાઈએ 1957માં ભાગળ ખાતે સૌપ્રથમ એકસાથે ભગવાન પતંગ એન્ડ દોરા નામથી દુકાનની શરૂઆત કરી હતી.
બીજી પેઢીએ વ્યવસાય જુદા જુદા કર્યા
ભગવાનદાસ અને તેના ભાઈ હસમુખભાઈએ શરૂ કરેલા પતંગ-દોરાના વ્યવસાય સમય જતાં તેમની બીજી પેઢીએ તેઓ જુદા થઈ ગયા છે. અત્યારે આ અંગે પ્રકાશભાઈએ વધુમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે અંદાજે 65 વર્ષ પહેલાં પપ્પા પ્રકાશભાઈ અને કાકા ભગવાનદાસ દ્વારા સાથે મળી ભગવાન પતંગથી દુકાન શરૂ કરવામાં આવી હતી. ભગવાનદાસને બે દીકરા- દીપકભાઈ અને ચંદ્રેશભાઈ. હસમુખભાઈને પણ બે દીકરા- અનિલભાઈ અને બીજો હું પ્રકાશભાઈ. મારા પપ્પા અને મોટા પપ્પાએ સાથે મળીને આ ધંધો શરૂ કર્યો હતો. ભાગળ કોટ સ્ફિલ રોડ પર ઝૂંપડાં જેવાં ઘરો હતાં અને અહીં ખાડી હતી. ત્યારે ત્યાં જગ્યા કરીને માંજા બનાવવા અને વેચવાની શરૂઆત કરી હતી. સમય જતાં કાકા ભગવાનદાસનું મૃત્યુ થયા પછી મારા પિતા હસમુખભાઈ આ સમગ્ર ધંધો ચલવતા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ દુકાનના વ્યવસાયનો ભાગ કરી દેવાયો હતો. હું વર્ષોથી શરૂ કરાયેલી ભગવાન પતંગ ભંડાર દુકાન ચલાવું છું, જ્યારે ભગવાનદાસના પુત્ર અને અમારા ભાઈ બાજુમાં સાથે જ અસલ ભગવાન પતંગ ભંડારના નામથી દુકાન ચલાવે છે.
ભગવાનદાસના માંજાનો કોપીરાઇટ નથી
સુરતમાં વર્ષોથી ભગવાન માંજાની નામના થઈ ગયા પછી તેના વેપારી દ્વારા પોતાના પેઢીની આજ દિન સુધી કોઈ પ્રકારની પેટર્ન કે કોપી રાઈટ કરાવ્યા નથી. આજે સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં ફીરકી પર ભગવાનના સુરતી માંજાનું લેબલ લગાવીને વેચવામાં આવે છે. પરંતુ તે તમામ અસલ સુરતી જ ભગવાનનો માંજો છે કે નહીં તેની કોઈ જ ખરાઈ કરી શકાતી નથી. આજે માંજા-પતંગનો કોઈપણ વેપારી પોતાની રીતે તૈયાર કરેલી દોરી પર આર્થિક લાભ મેળવવા સારું સુરતી ભગવાન માંજાનું નામ લગાવી દે છે. તેમ છતાં સુરતના વર્ષો જુના સુરતી માંજા સ્પેશિયાલિસ્ટ ભગવાન પતંગના વેપારી કોઈ જ પગલાં ભરી શકતા નથી. કારણ કે તેમને પોતાના નામ કે પોતાની પેઢીની કોઈ પ્રકારના કોપીરાઇટ કરાવ્યા નથી.
કોઈને કામ મળે તે હેતુથી કોપીરાઇટ ન કરાવ્યા
આ અંગે પ્રકાશભાઈ જણાવ્યું હતું કે, કાકા ભગવાનદાસનું નામ ફેમસ થયા બાદ સૌ કોઈ ભગવાનના માંજાના નામથી દોરા વેચવા માંડ્યા હતા. આ અંગેની જાણ કાકા અને પિતાને પણ થઈ હતી પરંતુ તેમ છતાં તેમણે કોઈ વિરોધ કર્યો ન હતો. તેઓ તેવું જ માની રહ્યા હતા કે અમારી પેઢીના નામે કોઈને બે પૈસાનું કામ તો મળી રહ્યું છે, તેમને બે પૈસા કમાવા મળવાની સાથે અમારી પેઢીની નામના પણ થઈ રહી હતી. પરંતુ આજે એવું થાય છે કે ભગવાન નામથી ડુપ્લીકેટ અને ઓછી ગુણવત્તાનો માંજો વેચવામાં છે. ભગવાન પતંગ ભંડારના માંજા દ્વારા કોઈપણ પ્રકારનો ડુપ્લીકેટ માંજો વાપરવામાં આવતું નથી. એ અમારી અત્યારસુધીની એક ગુડવિલ અને ગ્રાહકો માટે સ્થાપેલો વિશ્વાસ છે. અમારી પેઢી એકમાત્ર સાંકળ આઠના જ બોબીનની દોરી માંજીને ફીરકી તૈયાર કરે છે. જ્યારે હવે અમારા નામથી કોઈપણ પ્રકારની હલકી અને જુદી જુદી કંપનીની દોરીના બોબીનને તૈયાર કરીને લોકોને વેચવામાં આવે છે. આ કારણે ભગવાનના માંજાની વિશ્વસનીયતા પર સવાલ ઉઠે છે. જેને લઇ હવે ભગવાન માંજા માટેનો કોપીરાઇટ મેળવવાની પ્રોસેસ ચાલુ કરી છે.
બે ભાઈના વેપાર જુદા, પણ નામ તો ભગવાન જ
સુરતમાં 65 વર્ષ પહેલાં બે ભાઈઓ ભગવાનદાસ અને હસમુખભાઈની અથાગ મહેનત અને પ્રયત્ન દ્વારા સુરત, ગુજરાત, દેશ અને વિદેશમાં ખૂબ જ મોટી નામના મેળવી હતી. બંને ભાઈના બબ્બે છોકરા આ ધંધાની સાથે જોડાયા ત્યારે ભગવાન પતંગ ભંડારના સ્થાપક ભગવાનદાસનું 1996માં નિધન થયું. ત્યારબાદ તેમના પુત્ર દીપકભાઈ અને ચંદ્રેશભાઇ તેમના કાકા હસમુખભાઈ સાથે આ ધંધામાં જોડાયા હતા. પરંતુ સમય જતા વ્યવસાયમાં ભાગલા પડ્યા અને ભગવાનદાસના પુત્ર પોતાની અલગ પેઢી શરૂ કરી જેનું નામ આપ્યું અસલ ભગવાન પતંગ ભંડાર. વર્ષ 2006થી અસલ ભગવાન પતંગ ભંડાર શરૂ કરવામાં આવ્યો. ત્યારે આજે સુરતના ભાગળ ખાતે બંને ભાઈની દુકાન આજુબાજુમાં જ વ્યવસાય કરે છે અને ખૂબ જ સારી રીતે પેઢીઓ ચલાવે છે, પરંતુ બેમાંથી એક પણ પેઢીનો તેમણે કોપીરાઇટ મેળવ્યો નથી.
ભગવાનના દોરાને મળ્યો અવોર્ડ
સુરતના ભગવાન પતંગ માંજાના દોરાને બેસ્ટ દોરાનો અવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર સુરતમાં ભગવાનના નામે વેચાતો માંજો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો હતો. ત્યારે આ અંગે અમદાવાદની દોરા બનાવતી ખૂબ જ મોટી કંપની ઓસ્વાલ દોરાની કંપની દ્વારા અમારા તૈયાર કરાયેલા દોરાની તપાસ કરી હતી. સમગ્ર ગુજરાતમાં સૌથી સારો તૈયાર કરાયેલો દોરો તેમને ભગવાનદાસનો દોરો લાગ્યો હતો. એને લઇ ઓસ્વાલ દોરાની કંપનીના માલિક દ્વારા વર્ષ 2002માં સમગ્ર ગુજરાતમાં બેસ્ટ દોરાનો અવોર્ડ અમદાવાદ ખાતે આપવામાં આવ્યો હતો. ઓસ્વાલ કંપની દ્વારા મારા પિતા હસમુખભાઈને બેસ્ટ દોરાના અવોર્ડ માટે ખાસ અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં મોટા સેમિનારમાં તેમને આ અવોર્ડ આપવામાં આવ્યો હતો.
સુરતમાં ચરખાની શોધ ભગવાનદાસે કરી
વર્ષો પહેલાં સુરતમાં પણ માંજો હાથેથી જ ઘસીને તૈયાર કરાતો હતો, પરંતુ વર્ષો પહેલાં ભાગળના કોર્ટ સફિલ રોડ પર દોરી ઘસીને વ્યવસાય કરી રહેલા ભગવાનદાસ અને તેના ભાઈ હસમુખભાઇને દોરીમાં નવું કરવાનું વિચાર કરી નવતર પ્રયોગ કરતા હતા. એને લઇ વર્ષો પહેલાં તેમણે જ સાદો ચરખો લાવીને દોરા ઘસવાની શરૂઆત કરી હતી. એમાં તેમણે સૌપ્રથમ એક સ્ટેન્ડ પર ચરખો ગોઠવીને એને હાથેથી ફેરવવો પડતો હતો. આવામાં મારા પિતા અને કાકા બંને આ ચરખા પદ્ધતિ શરૂ કરીને દોરી ઘસવાની શરૂઆત કરી હતી. અમે નાના હતા ત્યારે સ્કૂલે જતા પહેલાં પણ ચરખા ફેરવતા અને સ્કૂલેથી આવીએ ત્યારે ચરખા ફેરવીને દોરી ઘસવામાં મદદ કરતા હતા. આ પ્રકારની પદ્ધતિથી દોરી ઘસવાની શરૂઆત પ્રથમ વખત ભગવાનદાસ દ્વારા કરાતા લોકોમાં ખૂબ જ આતુરતા જાગી હતી. ત્યાર બાદ આ પ્રકારે તૈયાર કરેલી દોરી લોકોને ખૂબ જ પસંદ આવી અને ધીરે ધીરે આ પદ્ધતિ સમગ્ર સુરત તથા ગુજરાતમાં લોકપ્રિય બની. આજે સાધનસામગ્રીઓ અને ટેકનોલોજીના ઉપયોગથી ચરખા જાતે જ ફેરવી શકાય છે અને એનો ઉપયોગ કરીને દોરી ઘસવામાં આવે છે.
સુરતી માંજો તૈયાર કરવાની ખાસ ટેક્નિક
સુરતી માંજો તૈયાર કરવાની પણ એક વિશેષ ટેકનિક અને તેની રીત છે. અને તેની આ રીતને કારણે જ આજે સુરતી માંજો દેશ-વિદેશ પ્રખ્યાત છે. સુરતી માંજો તૈયાર કરવામાં સરસ, સફેદ પાઉડર, મેંદો, મનપસંદ રંગ, ફેવિકોલ, જરૂરિયાત મુજબનો કાચ અને કેટલાક સંજોગોમાં ઈંડાં આ તમામ વસ્તુઓનો ઉપયોગ થાય છે. સુરતી માંજો તૈયાર કરતાં પહેલાં ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે. માંજો તૈયાર કરતાં પહેલાં સૌપ્રથમ સરસના ટુકડા કરીને એને પાણીમાં નાખીને ઓગાળવામાં આવે છે. આ સરસને આખી રાત ગરમ કરવામાં આવે છે અને એને એકદમ લૂગદી જેવું ચીકણું બનાવી દેવામાં આવે છે. પછી એમાં ફેવિકોલ, કલર, મેંદો, સફેદ પાઉડર અને કાચનો ભૂકો મિક્સ કરી એકદમ ભેળવી દેવામાં આવે છે. સરસ અને ફેવિકોલથી દોરી પર કલર ચોંટી રહે છે અને દોરી કડક રહે છે.
સૂર્યપુત્રી તાપીના પાણીનો જ માંજામાં મોટો હાથ
આજે સુરત જ નહીં, પરંતુ ગુજરાતનાં તમામ શહેરોમાં સુરતની પદ્ધતિનો જ ઉપયોગ કરીને માંજો રંગવામાં આવે છે. તેમ છતાં સુરત સિવાય અન્ય શહેરોમાં દોરી તૈયાર કરવામાં કારીગરોને ધારેલી સફળતા મળતી નથી. એની પાછળનું કારણ જણાવતા સુરતના વેપારી પ્રકાશભાઈએ જણાવ્યું હતું કે સુરતનો માંજો પ્રખ્યાત થવાનું કારણ સુરતની તાપી નદીનું પાણી છે. સમગ્ર ગુજરાતમાં સુરતના પાણીમાં જ એ તાકાત છે, જેને કારણે સુરત જેવો માંજો ક્યાંય તૈયાર કરી શકાતો નથી. સુરતી માંજો તૈયાર કરવામાં સુરતના પાણીની મહત્ત્વની ભૂમિકા છે. સુરતના પાણીને લીધે જ તમામ વસ્તુઓ વ્યવસ્થિત રીતે ભળી જાય છે અને દોરી પર પણ વ્યવસ્થિત મંજાય છે. આજે સૂર્યપુત્રી તાપી નદીના એકમાત્ર કારણે જ સુરતી માંજો વિશ્વવિખ્યાત છે.
સુરતી માંજો તૈયાર કરવાની વિશેષ રીત
સફેદ કોટનના દોરાને કલર સાથે માંજવા માટેની તૈયારી પૂર્ણ થઈ ગયા બાદ હવે સૌથી મહત્ત્વની ભૂમિકા દોરીને માંજતા કારીગરની અને અને ચરખા પર ચડાવવાની રીતની છે. માંજાને ચરખા પર ચડાવીને રંગ ઉપર કાચ ચડાવવાની જે આખી રીત છે એ જ સુરતી વાંચાને બાકી બધા કરતાં અલગ પાડે છે. સરસ, રંગ, કાચ અને ફેવિકોલ સાથે તૈયાર કરાયેલી લૂગદીમાં દોરીને બોળીને કારીગર હાથમાં ચપટી રાખી છેડાને ચરખા સાથે બાંધી દેવામાં આવે છે. ત્યાર બાદ ચરખાને એક ફેરીમાં ફેરવવામાં આવે છે અને કલરમાંથી પસાર થઈ કારીગરની એક સરખી ચપટીમાંથી દોરી સડસડાટ ચરખા પર વીટાતી જાય છે. અહીં કારીગરની ચપટી ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આમ આખા ને આખા બોબીન ચરખા પર વીંટાઈ જાય છે. ત્યાર બાદ ચરખા પરની દોરીને થોડા સમય માટે અલગ રાખી સૂકવી દેવામાં આવે છે. પછી આ ચરખા પરથી મોટર વડે તમામ તૈયાર થયેલી દોરીને મસ્ત મજાની ફીરકી પર વીંટી દેવામાં આવે છે. આમ તૈયાર થઈ જાય છે સુરતી માંજો, જે આજે ખૂબ જ પ્રખ્યાત બન્યો છે.
માર્ચ મહિનાથી જ શરૂ થઈ જાય છે તૈયારી
14 જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ પૂરું થાય, ત્યાર બાદ માત્ર બે મહિના જેટલો સમય મોટા વેપારીઓનો ધંધો બંધ રહે છે. હોલસેલ અને મોટા પતંગ-દોરાનો વેપાર કરતા વેપારીઓ ઉત્તરાયણના બે મહિના બાદ ઉનાળો શરૂ થતાંની સાથે જ દોરી બનાવવાનું ફરી શરૂ કરી દે છે. ચાર મહિના સુધી તેઓ પછીના વર્ષના ઉત્તરાયણની તૈયારી કરવા માટેનો સુરતી માંજો તૈયાર કરે છે. ચોમાસાના ચાર મહિના ફરી કામ બંધ કરી દે છે અને શિયાળો શરૂ થતાંની સાથે ધીરે ધીરે ફરી કામ શરૂ કરી દેવામાં આવે છે. જ્યાં દિવાળી બાદ મોટા વેપારીઓ દ્વારા દોરી ઘસાઈ અને તૈયાર ફીરકી બનાવવાનું કામ જોરમાં શરૂ કરી દેવાય છે, જે દેવદિવાળીથી લઈ ઉતરાણ સુધી ધમધોકાર ચાલે છે.
સુરતી માંજા માટે સુરતનું ડબગરવાડ પ્રખ્યાત
સુરતમાં ભાગળ વિસ્તારમાં ડબગરવાડ પતંગ-દોરા માટેનું પરંપરાગત જૂનું ઐતિહાસિક બજાર છે. અહીં વર્ષોથી દોરા અને પતંગનો ધંધો પેઢી દર પેઢીથી વેપારીઓ કરતા આવ્યા છે. ત્યારે આજનો આ સુરતી માંજો ખાસ આ ડબગરવાડથી પણ ખૂબ જ પ્રચલિત છે અને વખણાય છે. ત્યારે સુરતી માંજા વિશે ડબગરવાડના વેપારી ઘનશ્યામભાઈ છત્રીવાળાએ જણાવ્યું હતું કે સુરતી માંજો આજે પોતાની આગવી પ્રણાલીને લીધે ફેમસ છે. દેશમાં બે જ માત્ર માંજા ખૂબ જ ફેમસ છે, એક બરેલીનો માંજો અને બીજો સુરતી માંજો. બાળકો અને મોટાઓમાં એ પેચ લગાવવામાં અતિલોકપ્રિય છે. જેને પતંગ ચગાવવાનો આનંદ લેવો છે, લાહવો લેવો છે તેવા લોકો સુરતી માંજો ઉપયોગ કરે છે.
સુરતી માંજો દેશ-વિદેશ પહોંચે છે
વેપારી ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે સુરતી માંજો અંગ્રેજોના જમાનાથી ડબગરવાડમાં બનાવવામાં આવે છે, પરંતુ એ સમયે એ એટલો ફેમસ નહોતો. ધીમે ધીમે સુરતી માંજો ફેમસ થયો. એની શરૂઆત થઈ આજુબાજુનાં ગામડાંથી લઈ મુંબઈ, નાગપુર, દિલ્હી, રાજસ્થાન, આપણા ગુજરાતનાં દરેક ગામડાંમાં અને સૌરાષ્ટ્રમાં ખાસ સુરતી માંજાના ચાહક બન્યા હતા. આજની તારીખે પણ સૌરાષ્ટ્રના અનેક વેપારીઓ સૌરાષ્ટ્રથી સુરત આવીને દોરી બનાવડાવતા હોય છે. તો કેટલાક તૈયાર લઈને જાય છે. આ તો ખાલી વાત થઈ ગુજરાતની અને આપણા દેશની, પરંતુ આ ઉપરાંત આપણી આજુબાજુના દેશોમાં પણ સુરતી માંજો ફેમસ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળમાં સુરતી માંજા માટે ઓર્ડર આવે છે. ઉપરાંત લંડન, અમેરિકા, કેનેડા, દુબઈ જેવા દેશોમાં રહેતા ગુજરાતીઓ પણ સુરતી માંજાની જ માગ કરે છે અને તેઓ અહીં આવીને લઈ જાય છે. એ જ બતાવે છે કે સુરતી માંજાની કેટલી લોકપ્રિયતા છે.
હવે તો બરેલી માંજો પણ સુરતમાં થાય છે તૈયાર
સુરત સહિત ગુજરાતમાં ઉત્તરાયણ પહેલા માંજા બનાવવાની શરૂઆત થઈ જતી હોય છે. ગુજરાતમાં સુરતથી લઈને અમદાવાદ સુધી લખનૌ, યુપી તથા બરેલી તરફના દોરી ઘસવાના ઉસ્તાદોએ ધામા નાખી દે છે. સુરતમાં તો વિવિધ વિસ્તારોમાં સુરતી તથા ઉત્તર પ્રદેશના બરેલીની લુગ્દીથી દોરી માંજતા કારીગરો જોવા મળી રહ્યાં છે. લુગ્દીથી દોરી માંજતા સુરતમાં ઘણાં ઓછા કારીગરો છે તેથી બરેલીથી કારીગરો બોલાવવામાં આવે છે. જે સુરતી માંજાની સાથે બરેલીનો માંજો પણ તૈયાર કરે છે. જેની માંગ પણ ગુજરાતમાં વધુ છે.
બરેલી દોરી અને સુરતી માંજાનો ભેદ
આજે સમગ્ર દેશમાં ગુજરાતના બે માંજા શહેરોનાં નામથી ઓળખાય છે. બરેલીનો માંજો અને સુરતી માંજો. બંને માંજા તેમના શહેરના નામથી ઓળખાય છે. ત્યારે બરેલીનો માંજો અને સુરતનો માંજો કઈ રીતે અલગ પડે છે એને લઇ સુરતના વર્ષો જૂના વેપારીએ ભેદ બતાવ્યો હતો. સુરતના વેપારી ઘનશ્યામભાઈએ જણાવ્યું હતું કે સુરતી માંજો પેચ લડાવવામાં બાળકોથી લઈ મોટાઓમાં અતિપ્રિય છે, પરંતુ તેની સામે બરેલીનો માંજો પતંગ ચગાવવામાં ખૂબ જ નિષ્ણાત હોય છે તેવા લોકોમાં એ ખૂબ જ લોકપ્રિય છે. એનું કારણ છે કે બરેલીનો માંજો ખૂબ જ લીસો હોય છે, ધારવાળો હોય છે, જેથી એ નિપુણતા માગી લેનારો અને ચેલેન્જિંગ માંજો ગણવામાં આવે છે. એની સામે ખાલી માત્ર પતંગ ચગાવવાનો જે આનંદ લેવાય ઇચ્છતા હોય છે તેઓ સુરતી માંજાને ખૂબ જ પસંદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.