'LRD ગ્રાઉન્ડ'થી ગ્રાઉન્ડ રિપોર્ટ:LRDની 20 હજારના પગારની નોકરી માટે સુરતમાં BE, ફિઝિયોથેરાપિસ્ટ અને બી.ટેક. થયેલા ઉમેદવારો મેદાનમાં, ભાઈ-બહેન પણ નોકરીની 'રેસ'માં

સુરત16 દિવસ પહેલા
  • સુરતમાં LRDની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો સાથે દિવ્યભાસ્કરની વાતચીત
  • પરિવારમાં બધા પોલીસમાં હોવાથી ફિઝિયોથેરાપિસ્ટ યુવતી પણ નોકરી માટે તૈયારી કરી રહી છે

LRD ભરતી માટે 10 હજાર જેટલી જગ્યાની સામે સાડાનવ લાખ જેટલા ઉમેદવારો મેદાનમાં છે. સુરતમાં પણ આ નોકરી માટે ઉમેદવારો ભારે પરસેવો પાડી રહ્યા છે. આ સરકારી નોકરી મેળવવા માટે 12 પાસથી લઈને B.sc., M.sc., BE, બી.ટેક., B.com., M.com. સુધીનાં યુવક-યુવતીઓએ ફોર્મ ભર્યાં છે અને પરીક્ષાની આકરી તૈયારી કરી રહ્યાં છે. એટલું જ નહીં, રોજ વહેલી સવારે યુવકો 5 કિલોમીટર 20 મિનિટમાં અને યુવતીઓ 1600 મીટર 7:30 મિનિટમાં દોડ પૂરી કરવા પરસેવો પાડી રહ્યાં છે.

કોન્સ્ટેબલની તૈયારીથી IPS બનવામાં સરળતા
દિવ્યભાસ્કર ડિજિટલની ટીમે સુરતમાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરતાં ઉમેદવારોએ આ અઘરૂં છે, પણ અશક્ય નથી, એમ જણાવ્યું હતું. કેટલાક ઉમેદવારો કોન્સ્ટેબલથી શરૂ કરેલી ભરતીના પ્રયાસને IPS સુધી જવામાં સરળ અને સફળ રસ્તો બતાવી રહ્યા છે. ઉમેદવારોના મતે, પ્રતિસ્પર્ધી ઘણા છે. સમય પહેલાં દોડ પૂરી કરવામાં એક-એક સેકન્ડ મહત્ત્વની છે. બસ, પછી નસીબ પણ હોવું જરૂરી છે. સુરતમાં સરકારી નોકરી માટે ભાઈ-બહેને પણ ફોર્મ ભર્યું છે.

સુરતમાં ભરતીની તૈયારી કરતા ઉમેદવારો
સુરતમાં ભરતીની તૈયારી કરતા ઉમેદવારો

ભાઈ-બહેન બંને કરી રહ્યા છે LRDની તૈયારી
જ્યારે રિન્કુ પરમાર નામની મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે બી.ટેક. કર્યા બાદ પરિવારના સભ્યો કહે છે, આપણો પરિવાર પોલીસમાં છે એટલે ઘરમાં પોલીસ વિભાગમાં જ કામ કરવાનું. બસ, એટલે હું પણ ગુજરાત પોલીસની સદસ્ય બનવા રોજ સવારે દોડી રહી છું. આપેલી સમયમર્યાદા મુજબ એક-બે મિનિટ વધી જાય છે, પણ આગામી 20 દિવસમાં એના કરતાં ઓછા સમયમાં દોડ પૂરી કરી મારી જગ્યા બનાવવાનો પ્રયાસ કરીશ. મારી સાથે મારો ભાઈ પણ આ દોડમાં છે. એટલી જ પ્રાર્થના કરીશ કે અમે બંને ગુજરાત પોલીસ વિભાગનાં સભ્યો બની લોકોની સેવામાં જોડાઈએ.

આ પણ વાંચો: PSI અને LRD બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારે એક જ વાર દોડવાનું રહેશે, PSIમાં 50 અને LRDમાં 25 માર્ક્સમાંથી ગુણ મળશે

પરિવાર પોલીસમાં હોવાથી BE થયેલા યુવકે ફોર્મ ભર્યું
સુરતમાં LRD ભરતીની તૈયારી કરતા ઉમેદવાર ભાવેશ પવારે જણાવ્યું હતું કે મેં BE કર્યું છે, કોઈ રોજગારી નથી. બસ, એટલે હવે પોલીસ વિભાગમાં જોડાવા માટે મહેનત કરી રહ્યા છે. 25 મિનિટમાં 5 કિલો મીટરની દોડ પૂરી કરવા બે મહિનાથી સતત પરસેવો પાડી રહ્યા છીએ. માર્કિંગ પોઇન્ટ મુજબ દોડ 20 મિનિટમાં પૂરી કરીએ તો જ સારા માર્ક્સ મળી શકે છે. જોકે અઘરું છે, પણ સિલેક્ટ થવું હોય તો પ્રથમ તબક્કામાં આટલું તો કરવું જ પડશે, પ્રતિસ્પર્ધીઓની લાઈન લાંબી છે અને જગ્યા ઓછી છે. ગ્રાઉન્ડ ઉપર ડીગ્રી નહીં, પણ ગમે તેવી ડીગ્રીવાળા માહોલમાં પાસ થવું જરૂરી છે.

આ પણ વાંચો: પાટણમાં રજાઓમાં ઘરે આવેલા આર્મીના જવાનો LRD ઉમેદવારોને કરાવે છે શારીરિક કસોટીની તૈયારી

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી કરે છે LRDની તૈયારી
પ્રિયંકા વરિયા નામની મહિલા ઉમેદવારે જણાવ્યું હતું કે 23 વર્ષની ઉંમરે જ ફિઝિયોથેરાપિસ્ટ બની ગઈ છું, પણ ઘરમાં બધા જ પોલીસ વિભાગમાં છે, એટલે કામ કરવાની ઈચ્છા પોલીસ વિભાગમાં વધારે છે. PSI માટે હાલ મહેનત કરી રહી છું, પણ કોન્સ્ટેબલની ભરતીમાં પણ નસીબ અજમાવીશ, મારું ધ્યેય પોલીસ વિભાગમાં જોડાઈને IPS કે IAS બનવાનો છે, પૂરો કરવાનો ચોક્કસ પ્રયાસ કરીશ. મહિલાઓએ 1600 મીટરની દોડ 9 મિનિટમાં પૂરી કરવાની હોય છે, પણ હું 7:30 મિનિટમાં પૂરી કરવા રોજ સવારે 4 વાગ્યાથી રનિંગ કરું છું. ઓછામાં ઓછા 300-400 યુવક-યુવતીઓ વહેલી સવારથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર અંધારામાં રનિંગ કરી LRD ભરતીમાં જોડાવવા પ્રયાસ કરી રહ્યા છે. દોડમાં દરેક સેકન્ડનું મહત્ત્વ છે. બસ, પ્રયાસ કરીશ કે મારી પસંદગી થાય.