વ્યારાના બેડકુવા ગામના ખેડૂત પરિવારની પાંચ વર્ષીય બાળકી રમતા-રમતા વાયર સાથેનો બેટરીનો બલ્બ ગળી ગઈ હતી અને શ્વાસનળીમાં ફસાઈ ગયા હતા. સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલી બાળકીનું વિનામુલ્યે ટાંકા લીધા વગર સર્જરી કરી બહાર કઢાયા હતા.
બાળકીને અચાનક સતત ખાંસી શરૂ થઈ જતા હોસ્પિટલ ખસેડાઈ હતી
વ્યારાના બેડકુવા ગામમાં રહેતા સુરેન્દ્રભાઈ ગામીતની પુત્રી પ્રેઝી (ઉ.વ.5) અઠવાડિયા અગાઉ ઘર પાસે રમી રહી હતી, ત્યારે અચાનક તેણીને સતત ખાંસી શરૂ થઈ હતી. પ્રેઝીને અચાનક ખાંસી શરૂ થતાં ચિંતિત માતાપિતા તેણીને સારવાર માટે વ્યાર રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રેઝીની છાતીનો એક્સરે પડાવી તપાસ કરી હતી. જેમાં પ્રેઝીના છાતીમાં કંઈક કઠણ પદાર્થ જેવું દેખાયું હતું. ત્યારબાદ પ્રેઝીને વધુ સારવાર માટે સુરત સિવિલમાં રિફર કરાઈ હતી.
પોણો કલાકની જહેમત બાદ વાયર સાથે બેટરીનો બલ્બ બહાર કઢાયો
સુરત સિવિલમાં પહોંચેલી પ્રેઝીની પીડા સતત વધતી દેખાતા ડિઝીટલ એક્સરે પડાવ્યો હતો. જેમાં વાયર સાથેનો બેટરીના બલ્બ જેવો પદાર્થ હોવાનું દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ પ્રેઝીને ઓપરેશન થિએટરમાં લઈ જવાઈ હતી. ઇએનટી વિભાગના તબીબો દ્વારા બાળીકના મોઢેથી દુરબીન શ્વાસનળીમાં નાખ્યું હતું. પોણો કલાકની જહેમત બાદ એક પણ ટાંકો લીધા વગર વાયર સાથેનો બેટરીના બલ્બ બહાર કાઢ્યો હતો. આ સર્જરીનો ખર્ચ 50 હજારથી 1 લાખ થતો હોય છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યો સારવાર થતા પરિવારને આર્થિક રાહત પણ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.