બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજથી બે દિવસ સુરતમાં દિવ્ય દરબાર કાર્યક્રમ યોજાયો છે. આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપના મોટા નેતાઓ ધારાસભ્ય અને કાર્યકર્તાઓ જોડાયા છે ત્યારે સુરત BJPના કોર્પોરેટર બનશું યાદવના ફોનમાથી બાગેશ્વર બાબાનો મોર્ફ વીડિયો હાલ વાઇરલ થઈ રહ્યો છે, જેમાં બાબા 'અસલી તાકત ધર્મ મેં નહિ, સત્તા મે હોતી હૈ' બોલતા નજરે ચડે છે. આ મામલે બનશું યાદવે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે,'આવા કોઈ વિડીયો વિશે મને ખબર જ નથી'
ભાજપના કોર્પોરેટરનો વિરોધ પ્રચાર!
સુરતમાં બાગેશ્વર બાબાનો આજથી બે દિવસ લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે દિવ્ય દરબાર યોજાશે. જેનું આયોજન MLA સંગીતા પાટીલ, MLA સંદીપ દેસાઈ ઉપરાંત મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા સ્થાનિક કોર્પોરેટરો કરી રહ્યા છે. ત્યારે બાગેશ્વર બાબાનો મોર્ફ કરેલો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં બાબા બોલી રહ્યા છે કે,'અસલી તાકત ધર્મ મેં નહિ, સત્તા મે હોતી હૈ'
પૂજાપાઠ છોડ કે સંસદ મે ઘૂસ રહે હૈ
આ વીડિયો ભાજપના વોર્ડ નંબર 29ના કોર્પોરેટર બનશું યાદવ દ્વારા બનાવેલા વોટસઅપ ગ્રૂપમાથી વાઇરલ કરવામાં આવ્યો છે. જેમાં બાબા કહી રહ્યા છે કે, સત્તા હૈ તો સબ કુછ હૈ. ઇસી લીયે યોગીજીભી ધર્મ-કર્મ છોડ કે ઉત્તર પ્રદેશ કે મુખ્યમંત્રી બને બેઠે હૈ. અગર ધર્મ મે તાકાત હોતી તો વો ગોરખનાથ મઠ પે પૂજા કરતે હોતે. આજ સબ સાધુ-સંત પૂજાપાઠ છોડ કે સંસદ મે ઘૂસ રહે હૈ.' આ શબ્દો સાથેનો વીડિયો વોટસઅપ ગ્રૂપમાથી વાઇરલ થયો છે.
કોણ છે બનશું યાદવ?
ભાજપના કોર્પોરેટર બનશું યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે. હાલ તેઓ સુરતના વડોદ બમરોલી અને અલથાણ વિસ્તારના ભાજપના કોર્પોરેટર છે. ત્યારે સમગ્ર મામલે તેમની ટીકા થઈ રહી છે. અ અંગે તેમણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, મે આવો કોઈ વીડિયો મેં વાયરલ કર્યો નથી. મને આવા કોઈ વીડિયો વિશે જાણકારી પણ નથી. તેમના જ મોબાઈલ નંબર પરથી ગ્રુપમાં શેર થયેલા વિડિયો વિશે બનશું યાદવને પોતાને જ ખબર ન હોવાનું તેમણે રટણ કર્યું હતું.
હાઇકમાન્ડમાંથી ઠપકો મળ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારી તબિયત ખરાબ છે મેં આવા કોઈ વીડિયો જોયા નથી અને મને આ વિશે કંઈ ખ્યાલ નથી.તમે કીધું છે તો હું ચેક કરી લઉં છું. જોકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યા બાદ તેની ટીકા થતા હાઇકમાન્ડમાંથી પણ કોર્પોરેટરને ઠપકો મળ્યા હોવાની માહિતી મળી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.