• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat District Bank Was Robbed In Bardoli, Employees Were Held Hostage With A Pistol, Rs 10 Lakh Was Looted And 3 Robbers Escaped

15 મિનિટમાં લૂંટ:બારડોલીમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં ધોળે દહાડે લૂંટ, તમંચા વડે બેંકકર્મીઓને બંધક બનાવી 10.40 લાખની લૂંટ કરી 3 લૂંટારા ફરાર

સુરત3 મહિનો પહેલા
બેંકના કર્મીઓને બંધક બનાવી લૂંટ ચલાવી.
  • લૂંટ ચલાવી લૂંટારા બાઇક પર ફરાર, લૂંટારૂઓની બાઈક બેવાર બંધ પડી ગઈ
  • લૂંટના રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં ભર્યા, બિનઅનુભવિ લૂંટારૂઓ હોવાની શક્યતા

સુરત જિલ્લાના બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો. બેંકમાં ધોળે દહાડે લૂંટની ઘટના બની છે. બેંકમાં ઘૂસી આવેલા 3 જેટલા લૂંટારાએ તમંચા વડે 6 જેટલા કર્મચારીને બંધક બનાવી 10.40 લાખની લૂંટ ચલાવી હતી. બેંકમાં લાગવાયેલા સીસીટીવી કેમેરામાં લૂંટની સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે.

ત્રણ જેટલા લૂંટારા તમંચા સાથે બેંકમાં ઘૂસી ગયા હતા.
ત્રણ જેટલા લૂંટારા તમંચા સાથે બેંકમાં ઘૂસી ગયા હતા.

સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે
બારડોલી તાલુકના મોતા ગામે આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કો.-બેંકમાં 3 જેટલા લૂંટારા ઘૂસી ગયા હતા, જે પૈકી બે લૂંટારા પાસે તમંચા હતા. તમંચાની અણીએ બેંકના 6 જેટલા કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. ત્યાર બાદ 10.40 લાખની લૂંટ ચલાવી હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત એલ.સી.બી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે. સીસીટીવી ચેક કરતાં લૂંટારા 15 જ મિનિટમાં લૂંટ ચલાવી બાઈક પર ફરાર થઈ ગયા હતા.

ત્રણ લૂંટારા પૈકી બે પાસે તમંચા હતા.
ત્રણ લૂંટારા પૈકી બે પાસે તમંચા હતા.

મેનેજરને તમાચા માર્યા
બેંકમાં ઘૂસી આવેલા લૂંટારાઓએ તમંચો બતાવી કર્મચારીઓને બંધક બનાવ્યા હતા. આ સાથે બેંકના મેનેજરને પણ બાનમાં લીધો હતો. રૂપિયા કઢાવવા માટે મેનેજને લૂંટારાઓએ એક-બે તમાચા માર્યા હતા. ત્યાર બાદ 10.40 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.

લૂંટ કરીને ફરાર વખતે બાઈક ચાલુ ન થઈ.
લૂંટ કરીને ફરાર વખતે બાઈક ચાલુ ન થઈ.

લૂંટારા કામરેજ તરફ ભાગ્યા
બેંકમાં લૂંટ બાદ ત્રણેય લૂંટારા એક જ બાઈક પર ભાગી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મેનેજર સહિત સ્ટાફની નિવેદન લીધા હતા, જેમાં કર્મચારીઓએ લૂંટારાઓ બાઈક લઈને કામરેજ તરફ ભાગ્યા હોવાનું જણાવ્યું હતું.

પોલીસે બેંક-કર્મચારીઓનાં નિવેદન નોંધ્યાં.
પોલીસે બેંક-કર્મચારીઓનાં નિવેદન નોંધ્યાં.

બેવાર બાઈક બંધ થઈ ગઈ
લૂંટારાઓ લૂંટ કરવા માટે ચોરીની બાઈકનો ઉપયોગ કર્યાની આશંકા સેવવામાં આવી રહી છે, કારણ કે લૂંટને અંજામ આપીને લૂંટારા બહાર આવ્યા ત્યારે સૌપ્રથમ બાઈક સ્ટાર્ટ ન થતાં બે લૂંટારા પરત બેંકમાં ગયા, જ્યારે એક લૂંટારો બાઈક સ્ટાર્ટ કરવામાં લાગ્યો હતો. જ્યારે બાઈક સ્ટાર્ટ થઈ ગઈ ત્યાર બાદ લૂંટારા ત્રણેય બાઈક પર નીકળ્યા અને આગળ જતાં બાઈક બંધ પડી જતાં ફરી સ્ટાર્ટ કરવાની નોબત આવી હોવાનું પણ સીસીટીવીમાં કેદ થયું છે.

બેંકમાં લૂંટની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી.
બેંકમાં લૂંટની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી.

10.40 લાખ પ્લાસ્ટિકની થેલીમાં લઈને ભાગ્યા
લૂંટ કરવા આવેલા લૂંટારા તો સાથે તમંચા લઈને આવ્યા હતા. જોકે કેટલાની લૂંટ થઈ શકે છે એનો લૂંટારાઓને અંદાજો ન હોય એની શક્યતાઓ છે. લૂંટારાઓ 10.40 લાખ રૂપિયા એક પ્લાસ્ટિકની થેલીમાં લઈને ભાગ્યા હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે.

લૂંટારાઓ પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયા લઈને ભાગ્યા.
લૂંટારાઓ પ્લાસ્ટિકની થેલીમાં રૂપિયા લઈને ભાગ્યા.

લૂંટારૂ હિન્દી બોલતા હતાં
મોં પર માસ્ક અને બે લૂંટારૂ ટોપી પહેરીને લૂંટને અંજામ આપવા આવ્યાં હતાં. લૂંટ ચલાવીને નાસી ગયેલા અંદાજે 35 વર્ષની આસપાસની ઉંમરના લૂંટારૂઓ હિન્દી ભાષા બોલાતાં હોવાનું બેંકના સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું છે. હિન્દી ભાષી લૂંટારૂઓ પરપ્રાંતિય હોવાનું પણ અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

લૂંટારૂઓએ કર્મીઓ સાથે મેનેજરને બાનમાં લીધો હતો.
લૂંટારૂઓએ કર્મીઓ સાથે મેનેજરને બાનમાં લીધો હતો.

પોલીસે નાકાબંધી કરી
લૂંટની ઘટના સર્જાયા બાદ તાત્કાલિક જિલ્લા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ બેંક પર દોડી આવ્યો હતો.હાલ લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. લૂંટારૂઓને તાત્કાલિક પકડી લેવા માટે પોલીસ દ્વારા નાકાબંધી પણ કરવામાં આવી છે.

પોલીસે સીસીટીવી ચેક કર્યા.
પોલીસે સીસીટીવી ચેક કર્યા.

બિનઅનુભવિ લૂંટારૂઓ હોવાની શક્યતા
લૂંટ ચલાવવામાં બિનઅનુભવિ લૂંટારૂઓ હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. પોલીસના સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ લૂંટારૂઓએ લૂંટનો સામાન પ્લાસ્ટિકની કોથળીમાં ભર્યો હતો. અંદાજે 10 લાખથી વધુની રકમ પ્લાસ્ટિકની કોથળીમાં મૂકીને નાસતા CCTVમાં સામે આવ્યાં છે. જેથી લૂંટારૂઓ પણ બિનઅનુભવી અને પ્રથમવાર લૂંટ કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પોલીસે સીસીટીવી આધારે તપસા હાથ ધરી.
પોલીસે સીસીટીવી આધારે તપસા હાથ ધરી.

બે વર્ષ પહેલાં મઢી ગામની નાગરિક બેંકમાં લૂંટારાઓએ તોડફોડ કરી હતી
મહત્ત્વપૂર્ણ છે કે વર્ષ 2018ના અંતિમ દિવસે બારડોલી નજીકના મઢી ગામની નાગરિક બેંકમાં લૂંટારાઓએ તોડફોડ કરી હતી. કારમાં આવેલા 6 લોકો હથિયારો સાથે બેંકમાં ઘૂસ્યા હતા અને બેંકમાં તોડફોડ કરી હતી.ત્યારે પણ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

ઘટના ક્રમ
ડિસ્ટ્રીક બેંકમાં તસ્કરો 1.39 કલાકે બેંકમાં ઘૂસ્યા હતાં. 1.40 કલાકે તમામ કર્મચારીઓને એક કેબિનમાં પુરતા હતાં અને 1.42 કલાકે લૂંટારુઓ 10.42 લાખ રૂપિયાનો કોથળો ભરીને બહાર નીકળ્યા હતાં.

બંધક કર્મચારીઓ સાથે ગેરવર્તન,મહિલાના વાળ ખેંચ્યા
બેંકમાં લૂટના ઇરાદે આવેલા લુટારુઓએ બેન્કની મહિલા કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન કરી વાળ ખેંચીને બેન્કના અન્ય કર્મચારીઓ સાથે બંધક બનાવ્યા હતા.

ડરેલા કર્મચારી એલર્ટ એલાર્મ વગાડવાનું ભૂલ્યા
એલર્ટ એલારામ વગાડવા માટે મેનેજર અને કેસિયર પાસે સ્વિચ મુકાય છે. પરંતુ આ ઘટનામાં કર્મચારીઓ ગભરાઈ જતાં એલાર્મ વગાડવાનું જ ભૂલી ગયા હતા.

લૂંટારૂઓને પકડવા વ્યારા સહિત હાઇવે પર નાકાબંધી
મોતા ગામે બેન્કમાં લૂંટ ચલાવી બાઇક પર ભાગેલા લૂંટારૂને પકડવા પોલીસ દ્વારા સુરત જિલ્લાના અડીને આવેલા તાપી જિલ્લાના વ્યારા પંથકમાં પણ નાકાબંધી કરી કડક ચકાસણી હાથ ધરી હતી.