તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી આફત:તાવથી બમરોલીના આધેડ અને ડિંડોલીના બાળકનું મોત

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝાડા અને ઊલટી બાદ હવે તાવના કેસ

શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વચ્ચે પાણી જન્ય રોગચાળાએ દસ્તક આપી છે. ઝાડા ઊલટીના કેસ બાદ હવે તાવના પણ કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે શહેરમાં તાવમાં સપડાયેલા આધેડ અને બાળકનુ મોત નિપજ્યું છે. બમરોલી રોડ આશાપુરી સોસાયટી ખાતે રહેતા છનીયાભાઈ ઝીણાભાઈ રાજપુત(55) માર્કેટમાં મજૂરી કામ કરતા હતા. છેલ્લા બે દિવસથી બીમાર હતા અને તેમને તાવ આવતો હતો.

ઘર નજીકના મેડિકલ સ્ટોરમાંથી તેમણે દવા લઈ લીધી હતી. દરમિયાન બુધવારે રાત્રે તેમની તબિયત વધુ લથડતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને છનીયાભાઈના મોતનું સાચુ કારણ જાણવા પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી હતી.

તેવી જ રીતે નવાગામના ડિંડોલીમાં જીજ્ઞાશા નગર ખાતે રહેતા સમાધાનભાઈ ગીરાસેના 3 વર્ષીય પુત્ર શુભમને પણ છેલ્લા કેટલાક દિવસોથી તાવ આવતો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાંથી રજા આપ્યા બાદ બુધવારે શુભમની તબિયત ફરીથી લથડી હતી અને અચાનક બેભાન થઈ જતા તેને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ રાત્રે તેનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...