દુર્ઘટના:અમરોલીમાં જર્જરિત રત્નમણી એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ તૂટી પડ્યો, 100ને બચાવાયા

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જર્જરિત એપાર્ટમેન્ટની બાલ્કનીનો તૂટી પડેલો ભાગ. - Divya Bhaskar
જર્જરિત એપાર્ટમેન્ટની બાલ્કનીનો તૂટી પડેલો ભાગ.
  • પાલિકાએ નોટિસ આપવા છતાં રહેવાસીઓએ એપાર્ટમેન્ટ ખાલી કર્યું ન હતું
  • બાલ્કનીનો તૂટેલો ભાગ મુખ્ય દાદર પર પડતાં રહેવાસીઓ ફસાઈ ગયા હતા

અમરોલીમાં એક જર્જરિત એપાર્ટમેન્ટની બાલ્કનીનો ભાગ તુટી પડતાં ભાગદોડ મચી ગઈ હતી. ફાયરબ્રિગેડે તૂટેલા ભાગને હટાવી 100થી વધુ રહીશોને સહિસલામત બહાર કાઢ્યા હતા. આ બિલ્ડીંગને પાલિકા દ્વારા અગાઉ નોટીસ આપવા છતાં રહીશોએ એપાર્ટમેન્ટ ખાલી કર્યું ન હતું. આ ઘટના બાદ એપાર્ટમેન્ટ ખાલી કરાવી ઉતારી પાડવાની તજવીજ હાથ ધરાઈ છે.

અમરોલી જલારામ મંદિર સામે જર્જરિત થઈ ગયેલા રત્નમણી એપાર્ટમેન્ટની ગેલેરીનો ભાગ સોમવારે મોડી રાત્રે ધડાકાભેર તુટી પડ્યો હતો. જે દાદરના ભાગમાં લટકતો હોવાથી રહીશો બહાર નીકળી શકે તેમ ન હતા. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે ધસી જઈ બાલ્કનીનો તુટી પડેલો ભાગ દુર કરી એપાર્ટમેન્ટના ૧૦૦થી વધુ રહીશોને સહિસલામત નીચે ઉતારી બહાર કાઢ્યા હતા.

સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી. એપાર્ટમેન્ટ જર્જરીત હોવાથી પાલિકા દ્વારા અગાઉ નોટીસ ફટકારવામાં આવી હતી. જોકે એપાર્ટમેન્ટના રહીશો દ્વારા જોખમી હોવા છતા એપાર્ટમેન્ટ ખાલી કરવામાં આવ્યું ન હતું. આ ઘટના બાદ પાલિકાના અધિકારીઓ દ્વારા એપાર્ટમેન્ટ ખાલી કરાવી તેને ઉતારી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ફાયર ઓફિસર વિજયકાંત તિવારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...