હેલ્થ:આયુષ્માન યોજનાના ની-રિપ્લેસમેન્ટ સર્ટિ હવે ઓનલાઈન અપલોડ કરાશે

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામગીરીમાં પારદર્શીતા લાવવા સરકારનો પ્રયાસ
  • એકવાર સર્ટિ. મળ્યા બાદ 3 માસ સુધી અપલોડ નહીં થાય

આયુષ્માન યોજના હેઠળ ઘુંટણના રિપ્લેસમેન્ટ માટે સર્ટીફીકેટ હવે ઓનલાઈન ડેટા અપલોડ બાદ જનરેટ થશે. ઓનલાઈન થવાના કારણે ઘુંટણના રિપ્લેસમેન્ટના સર્ટીફીકેટની કામગીરીમાં પારદર્શીતા આવશે. એક ઘુંટણના રિપ્લેસમેન્ટનુ સર્ટીફીકેટ મેળવ્યા બાદ બીજા ઘુંટણના રિપ્લેસમેન્ટ માટે ત્રણ મહિના સુધી સર્ટીફિકેટ અપલોડ નહી થાય.

આયુષ્માન યોજના હેઠળ ઘુંટણના રિપ્લેસમેન્ટ માટે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાંથી દર્દીએ સર્ટિફીકેટ મેળવ્યા બાદ જ ખાનગી હોસ્પિટલમાં રિપ્લેસમેન્ટની સર્જરી કરવામાં આવે છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં ઘુંટણ રીપ્લેસમેન્ટ કરાવવા દર્દીને સિવિલ સ્મીમેરના ઓર્થો વિભાગમાં તપાસ બાદ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવે છે. અત્યાર સુધી દર્દીને તપાસીને ફિઝીકલ સર્ટીફિકેટ આપવામાં આવતુ હતું અને તેના થકી ખાનગી હોસ્પિટલમાં રીપ્લેસમેન્ટ કરવામાં આવતું હતું.

જોકે હવે સરકાર દ્વારા ઘુંટણના રિપ્લેસમેન્ટ માટેના તપાસના તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન ગવર્મેન્ટ પોર્ટલ પર અપલોડ કર્યા બાદ પોર્ટલ પરથી જ જનરેટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેથી હવે તપાસ બાદ સિવિલ-સ્મીમેર હોસ્પિટલના તબીબ અધિકારીઓ દ્વારા દર્દીના મોબાઈલ ઓટીપી સાથેની વિગતો અપલોડ કર્યા બાદ પોર્ટલ પર જ સર્ટિફીકેટ જનરેટ થઈ જશે. સર્ટીફિકેટ જનરેટ થયા બાદ ત્રણ મહિના સુધી બીજુ સર્ટીફીકેટ જનરેટ નહી થાય જેનાથી પારદર્શીતા વધશે.

એટલુ જ નહી દર્દીએ ફિઝીકલ સર્ટિફીકેટ રજુ કરવાની જરૂરીયાત નહી રહે. ઉપરાંત બન્ને ઘુંટણનું રિપ્લેસમેન્ટ કરાવવાના કેસમાં એક જ સર્જરીમાં બન્ને રિપ્લેસમેન્ટ થઈ શકે હોવા છતા અલગ અલગ સર્ટીફિકેટ બનાવી અલગ અલગ સર્જરીના નાણા સરકાર પાસેથી હોસ્પિટલ પડાવી નહી શકે. ઉલ્લેખનીય છે કે, ઘણી હોસ્પિટલોમાં કેટલાક દર્દીઓને બંને ઘૂંટણના ઓપરેશનો એકસાથે જ કરી દેવાતા હતા. આ બાબત ધ્યાન પર આવતાં સરકારે આ પ્રકારનો ફેરફાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...