ઉતરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ તહેવાર ઉજવણીની જગ્યાએ કોઈની મોતનું કારણ ન બને તે માટે જીવલેણ ઘાતક એવા ચાઈનીઝ દોરા અને નાયલોન દોરાના ઉપયોગ સામે પોલીસનો અનોખો જાગૃતિ પ્રયાસ સામે આવ્યો છે. મહિધરપુરા પોલીસ દ્વારા પીસીઆર વાનમાં ગલીએ ગલીએ આ દોરાનો ઉપયોગ ન કરવા એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. આ સાથે ચાઈનીઝ તુક્કલનો પણ ઉપયોગ ન કરવા પોલીસની પીસીઆર દ્વારા એનાઉન્સમેન્ટ કરી જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
પોલીસની અનોખી પહેલ
ઉતરાયણનો તહેવાર આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથેનો તહેવાર છે. આ તહેવાર કોઈના માટે જીવનું જોખમ ન ઊભું થાય તે માટેનો તંત્ર પ્રયાસ કરતું હોય છે. જેને લઇ સરકાર દ્વારા ચાઈનીઝ દોરી અને તુક્લકના વપરાશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તેમ છતાં અનેક એવા લોકો જે ચોરી છુપીથી આ દોરી અને તુક્કલ વેચતા હોય છે. તો લોકો પણ ચોરી છૂપીથી તેની ખરીદી કરી ઉપયોગ કરે છે. ત્યારે આ ઉતરાયણમાં લોકો કોઈપણ પ્રકારે આવી દોરી અને તુક્કલનો ઉપયોગ ન કરે તે માટે સુરતની મહિધરપુરા પોલીસ દ્વારા લોકોની જાગૃતિ માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
પીસીઆર વાનમાં જાગૃતિ સંદેશ અપાયો
સરકાર દ્વારા ઘાતક એવા ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ પણ ગેરકાયદેસર રીતે વેચતા ચાઈનીઝ દોરા અને તુક્કલના વેપારી સામે કડક પગલાં ભરી રહી છે. ત્યારે લોકો પણ ચોરી છુપીથી આવો સામાન ન ખરીદે તે માટે મહિધરપુરા પોલીસ દ્વારા લોકોની જાગૃતિ માટે અનોખો પ્રયાસ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા પેટ્રોલિંગની પીસીઆર થકી લોકોને જાગૃતિ સંદેશ આપવામાં આવી રહ્યો છે. ગલીએ ગલીએ અને સોસાયટીઓમાં રસ્તાઓ પર પીસીઆર વાન ચાઈનીઝ દોરા નાયલોન દોરા અને ચાઈનીઝ તુક્કલ ન ખરીદવા કે વેચવા અપીલ કરાઈ રહી છે.
ચાઈનીઝ દોરા તુક્કલ સામે તંત્રની લાલ આંખ
લોકોના જીવલેણ એવા ચાઈનીઝ દોરા અને તુક્કલ સામે તંત્રએ પણ લાલ આંખ કરી છે. આવા દોરા અને તુક્કલના વેચાણ પર પોલીસ વિભાગ સખત પગલાં ભરી રહી છે. ઉતરાયણના પર્વ પહેલા પોલીસે અનેક જગ્યાએથી ચાઈનીઝ દોરીનો વેચાણ કરતા વેપારીઓની ધરપકડ પણ કરી છે. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટકોર કરતા કહ્યું છે કે, ઉતરાયણમાં પેચ ભાઈબંધીમાં હોવા જોઈએ ચાઈનીઝ દોરાને લઇ કોઈના મોત સાથે ઉત્સવની ઉજવણીનો શોખ ન હોવો જોઈએ. જેને લઇ ચાઈનીઝ દોરા અને તુક્કલ વેચનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે બીજી તરફ પોલીસનો આ પ્રકારનો જાગૃતિ પ્રયાસ એ ખૂબ જ આવકાર્ય બની રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.