સ્કૂલોમાં કોરોના પ્રવેશની અસર:એક જ દિવસમાં 25 ટકા હાજરી ઘટી ગઈ, જો વિદ્યાર્થી પોઝિટિવ આવે તો 7 દિવસ સ્કૂલ બંધ રાખ‌વા આદેશ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાલિકાએ વધુ 59 સ્કૂલોના 3800 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કર્યાં, એક પણ પોઝિટિવ નહીં નીકળ્યો
  • વાલીઓ કહે છે, ‘વિદ્યાર્થીને કોરોના થાય તો માત્ર વાલી જવાબદાર નહીં, સ્કૂલ અને DEOને પણ જવાબદાર ઠેરવો’

27 જૂલાઇથી ધોરણ-9થી 11માં ઓફલાઇન એજ્યુકેશનની મંજૂરી સ્કૂલોને અપાઈ હતી. જોકે, સ્કૂલ શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓની 75% હાજરી હતી. તે પછી ધીમે ધીમે હાજરી વધીને 95% થઈ ગઈ હતી. પરંતુ લિંબાયતની સુમન સ્કૂલમાં એક અને સિંગણપોરની શારદા વિદ્યામંદિરમાં બે એમ 3 વિદ્યાર્થીના કેસ પોઝિટિવ આવતાં સંચાલકોના જણાવ્યા પ્રમાણે હાજરી ઘટીને 70 ટકા થઈ ગઈ હતી. શેઠ ડી.આર. ઉમરીગર સ્કૂલમાં માત્ર 500માંથી 5 જ વિદ્યાર્થીઓ હતા. કોઈ વિદ્યાર્થી પોઝિટિવ આવશે તો સ્કૂલને 7 દિવસ માટે બંધ રાખવાનો પાલિકાએ આદેશ કર્યો છે.

બાળકોને વેક્સિન મળી ન હોવાથી જોખમ વધુ : વાલીઓ
વિદ્યાર્થીઓને સ્કૂલે નહીં મોકલનારા વાલીઓએ જણાવ્યું હતું કે બે સ્કૂલના 3 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે, જે જોતાં આગામી દિવસમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે. એટલું જ નહીં, સરકારે બાળકોને વેક્સિન આપી નથી અને તેમનામાં કોરોના ગાઇડલાઇનની પૂરતી સમજ પણ નથી. જેથી ઓનલાઇન એજ્યુકેશન યોગ્ય રહેશે. અગામી પખવાડીયામાં જો કોઈ વિદ્યાર્થીઓના પોઝિટિવ કેસ નહીં નોંધાયો તો અમે અમારા બાળકોને સ્કૂલે મોકલવાનું વિચારીશું.

સંચાલકો તેમજ DEO પાસે પણ સંમતિપત્રક લો : વાલી મંડળ
વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે કહ્યું હતું કે, હાલમાં ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર માત્ર વાલીઓ પાસે જ સંમતિપત્રક લખાવી રહ્યા છે. અમે તો સંમતિપત્રક આપવા માટે તૈયાર જ છીએ અને જવાબદારી પણ લેવા માટે તૈયારી છીએ, પણ અમારી સાથે સ્કૂલ સંચાલકો, આચાર્યો અને ડીઇઓ પાસેથી પણ સંમતિપત્રક મેળવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ રીતે સ્કૂલ સંચાલકો, આચાર્યો અને ડીઇઓના માથે પણ જવાબદારી આવશે તો જ તેઓ પણ સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન ચુસ્તપણે કરાવી શકશે.

સ્કૂલ છોડતાં જ નિયમનું ઉલ્લંઘન
સુરત :
કોરોના ગાઇડ લાઇનનો કડક અમલ કરાવવા શિક્ષણમંત્રીના આદેશને પગલે સંચાલકો સાબદા થયાં છે. વિદ્યાર્થીઓ પણ હેન્ડ સેનેટાઇઝ, ફરજિયાત માસ્ક પહેરવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રહ્યાં છે. જોકે સ્કૂલ પરિસર છોડતાં જ વિદ્યાર્થીઓ માસ્ક વગર જોવા મળ્યા હતાં. તદપરાંત અનેક વિદ્યાર્થીઓે સાથે ગેટ નજીકની નાસ્તાની લારીઓ ઉપર ટોળે વળતા પણ દેખાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...