તપાસ:વિધર્મી યુવકને માર મારતા કોમામાં જતા 4 પોલીસ કર્મી સામે હત્યાની કોશિશનો ગુનો

સુરત19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેસુ VIP રોડ પર 3 મહિના પહેલા એન્જીન કાફે પાસે માસ્ક બાબતે માથાકૂટ થઈ હતી
  • પિતાએ ફરિયાદ કરતાં કોર્ટે ઉમરા પોલીસને ગુનો નોંધવા હુકમ કર્યો, તપાસ ક્રાઇમબ્રાંચને સોંપાઈ

વેસુ વીઆઈપી રોડ પર 3 મહિના પહેલા એન્જીન કાફે પાસે વિધર્મી યુવક સાથે પોલીસની માસ્ક બાબતે માથાકૂટ થઈ હતી. જેમાં વિધર્મી યુવક કોમામાં જતો રહ્યો છે. પરિવારે પોલીસકર્મીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. જેના આધારે યુવકના પિતાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે ઉમરા પોલીસને ગુનો નોંધવા માટે હુકમ કર્યો હતો. જેના આધારે ઉમરા પોલીસ સ્ટેશનમાં 4 કર્મીઓ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરાયો છે.આ કેસની તપાસ ક્રાઇમબ્રાંચના એસીપીને સોંપાઈ છે.

22મી જુલાઈએ વેસુ વીઆઈપી રોડ પર પોણા નવેક વાગ્યાના અરસામાં સમીર કામીલ અન્સારી તેના મિત્રો સાથે નાસતો કરવા માટે એન્જીન કાફેમાં આવ્યો હતો. દરમિયાન પોલીસે તેને માસ્ક બાબતે ટકોર કરી હતી. જેમાં યુવક અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં ઉમરા પોલીસના 4 પોલીસકર્મીઓએ યુવકને ઘસડીને પોલીસવાનમાં પાછળ બેસાડી માર માર્યો હતો. યુવકની હાલત ગંભીર થતા તેને સારવાર માટે પહેલા ખાનગી હોસ્પિટલમાં પછી 108 એમ્બ્યુલન્સમાં નવી સિવિલમાં લઈ જવાયો હતો.

નવી સિવિલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેના એક મિત્રને પોલીસને જાણ કરી હતી. જો કે આ ઘટના પછી પરિવારજનોએ તેને નવી સિવિલને બદલે રિંગરોડની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જયા તેને મગજમાં બ્રેઈન હેમરેજ થયું છે અને જેના કારણે છેલ્લા 3 મહિનાથી યુવક કોમામાં ચાલ્યો ગયો છે. ઈજા પામેલા સમીર કામીલ અન્સારી(22)ના પિતા અન્સારી કામીલ ઈશ્તાક(57)એ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવા માટે પહેલા પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. ત્યાર પછી કોઈ કાર્યવાહી ન કરાતા આખરે પિતાએ વકીલ મારફતે કોર્ટમાં ફરિયાદ કરી હતી.

કોર્ટએ આ કેસમાં જવાબદાર પોલીસકર્મીઓ સામે ગુનો નોંધવા ઉમરા પોલીસને હુકમ કર્યો હતો. આ હુકમને આધારે પોલીસે યુવકના પિતાની પોલીસે ફરિયાદ લીધી છે. જેના આધારે ઉમરા પોલીસ સ્ટેશનના કર્મચારી નિતેશ, ધનસુખ સહિત 4 પોલીસકર્મીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસવાનમાંથી ભાગતા ઈજા થયાના ફૂટેજ પણ પોલીસે આપ્યા નથી, ખોટી સ્ટોરી બનાવે છે : પિતા
પિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, રસ્તામાં પોલીસવાનમાંથી ભાગવા જતા પડી ગયો હોય તો તેના ફૂટેજ પણ પોલીસે આપ્યા નથી એટલું જ નહી તે કંઈ જગ્યાએ પડ્યો તે પણ બતાવ્યું નથી. ટૂંકમાં પોલીસે ખોટી સ્ટોરી ઊભી કરી હતી. પોલીસે એવી ઘટના બનાવી હતી કે યુવકને પોલીસવાનમાંથી ભાગવા જતા ગંભીર ઈજાઓ થઈ હતી

અન્ય સમાચારો પણ છે...