કાપોદ્રા બુટભવાની ગાયત્રી ત્રણ રસ્તા વચ્ચે રખડતા ઢોરોને પકડવા માટે ગયેલા પાલિકાના કર્મચારીઅો પર ત્રણ પશુપાલકોએ હુમલો કરી ઝપાઝપી કરી હતી અને પોતાના ઢોર છોડાવી નાસી છુટ્યા હતા. બનાવ અંગે પાલિકાના કર્મચારીએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમરોલી માધવબાગ સ્કૂલની બાજુમાં મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા યતીનકુમાર કનૈયાલાલ પંડ્યા(32) સુરત મહાનગરપાલિકામાં માર્કેટ ખાતામાં નોકરી કરે છે. મંગળવારે મોડી સાંજે તેઓ ઓનલાઈન મળેલી ફરિયાદના આધારે સ્ટાફ સાથે કાપોદ્રા બુટભવાનીથી ગાયત્રી ત્રણ રસ્તા વચ્ચે રખડતા ઢોર પકડવા માટે ગયા હતા.
દરમિયાન પશુપાલક લાલા ભોજા અને અન્ય ત્રણેક અજાણ્યાઓ ત્યાં પહોંચી ગયા હતા અને પાલિકાના સ્ટાફ પર હુમલો કરી દીધો હતો. ઝપાઝપી કરવાની સાથે પશુપાલકોએ યતીનકુમાર તેમજ તેમની સાથેના કર્મચારીઓને માર પણ માર્યો હતો. તેમજ પોતાના ઢોર પણ છોડાવી નાસી છુટ્યા હતા. બનાવ અંગે યતીનભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં લાલા ભોજા તેમજ તેના સાગરીતો સામે સરકારી ફરજમાં રૂકાવટ અંગે ફરિયાદ નોંધાવી હતી. યતીનભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.