સુરતમાં પોલીસ પર હુમલો:ઇચ્છાપોરમાં આરોપીને પકડવા આવેલા પોરબંદરના PSI અને કોન્સ્ટેબલ પર હુમલો, 7 ઇસમો આરોપીને છોડાવી લઇ ગયા

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં પોરબંદરના PSI અને કોન્સ્ટેબલ પર આરોપીને પકડવા જતા હુમલો કરાયો - Divya Bhaskar
સુરતમાં પોરબંદરના PSI અને કોન્સ્ટેબલ પર આરોપીને પકડવા જતા હુમલો કરાયો

સુરતના ઈચ્છાપોર ખાતે આજે બે પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. પોરબંદરના પીએસઆઇ અને કોન્સ્ટેબલ ચીટિંગના આરોપીને પકડવા સુરતના ઇચ્છાપોર ખાતે આવ્યા હતા. જ્યાંથી આરોપીને ઝડપી પાડતા આરોપીના ભાઈ અને અન્ય 5 ઇસમો આવી પોલીસ કર્મચારી પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો અને આરોપીને છોડાવી ફરાર થઈ ગયા હતા. ઈચ્છાપોર પોલીસે આ અંગે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી તમામને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કર્યા છે.

પોરબંદરના પોલીસ ટીમ પર સુરતમાં હુમલો
પોરબંદરના કમલબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એ.કે. સાવલિયા અને કોન્સ્ટેબલ દેવેન્દ્રસિંહ જાડેજા આરોપીને પકડવા સુરત આવ્યા હતા. પોરબંદરના કમલ બાગ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ 409, 420 અંતર્ગત ચીટીંગના ગુનાનો આરોપી મંગેશ ઉર્ફે સુરેશ ફૂલવાણી ફરાર હતો. ત્યારે પીએસઆઇ એ.કે. સાવલિયાને આરોપી મંગેશ ફુલવાણી સુરતના ઈચ્છાપોર ખાતે હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જે બાતમીના આધારે ઇચ્છાપોર ખાતે આજે પોરબંદરથી બંને પોલીસ કર્મચારી આરોપીને પકડવા આવ્યા હતા. જ્યાં આરોપીને પકડવા જતા બંને પોલીસ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો.

હુમલો કરી આરોપીને છોડાવી ગયા
પોરબંદરના કમલબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં ભાગતો ફરતો મંગેશ ઉર્ફે સુરેશ ફુલવાણી સુરતના ઈચ્છાપોર ખાતે આવેલ આરજેડી ટેક્સટાઇલ પાર્કના પ્લોટ નંબર 553માં રહેતો હતો. જ્યાં પોરબંદરના પી.એસ.આઇ અને કોન્સ્ટેબલ પકડવા પહોંચ્યા હતા. આરોપી મંગેશને પોલીસે પકડી પણ પાડ્યો હતો. દરમિયાન તેણે બૂમાબૂમ કરતા ઘટના સ્થળે તેના મોટાભાઈ યોગેશ અને અન્ય ચાર કારીગર આવી પહોંચ્યા હતા અને મંગેશને છોડાવવા તમામે ભેગા મળીને બંને પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. કુલ સાત જેટલા ઇસમો દ્વારા પીએસઆઇ અને કોન્સ્ટેબલ પર લાકડાના ફટકાર વડે હુમલો કરી તેઓને ઢીકાપાટૂનો માર મારી ઘાયલ કર્યા હતા અને ત્યારબાદ આરોપી મંગેશને છોડાવી તમામ ફરાર થઈ ગયા હતા.

સ્થાનિક પોલીસની મદદ વગર આરોપીને પકડવા ગયા
ઘટના અંગે ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરજ પર રૂકાવટનો ગુનો નોંધાયો છે. ત્યારે આ અંગે ઇચ્છાપોર પોલીસ મથકના પીઆઇ આર.જી. દેસાઈએ જણાવ્યું હતું કે ચીટિંગના ગુનામાં પોરબંદરના બે પોલીસ કર્મચારી આરોપીને પકડવા ઈચ્છાપોર ખાતે આવ્યા હતા. તેઓએ આરોપીને પકડી પણ લીધો હતો પરંતુ ત્યાં આરોપીએ બૂમા બૂમ કરતા 6 જેટલા ઇસમો આવીને બંને પોલીસ કર્મી પર હુમલો કરી ફરાર થઈ ગયા હતા. પોરબંદરના પીએસઆઇ અને કોન્સ્ટેબલ આરોપીને પકડવા ઈચ્છાપોર પોલીસ મથકની હદમાં આવ્યા હતા. ત્યારે અમારી સ્થાનિક પોલીસને કોઈ જ જાણ કરવામાં આવી ન હતી. જેને લઇ આરોપીને પકડવા જતી વખતે અમારા પોલીસ સ્ટેશનના કર્મચારીની મદદ લીધી ન હતી. અને માત્ર બે જણા જ આરોપીને પકડવા પહોંચ્યા હતા.

પોલીસે સાત સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
પોલીસ પર હુમલાની ઘટનાને લઇ ઈચ્છાપોર પોલીસ મથકની અંદર ફરજ પર રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે. પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ પર આરોપી મંગેશ ઉર્ફે સુરેશ ફૂલવાણી, તેનો ભાઈ યોગેશ તથા અન્ય ચાર ઈસમો મળી કુલ સાત જેટલા ઈસમોએ બંને પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેને લઇ આરોપી પોલીસ કબજામાંથી નાસી છૂટવામાં સફળ થયો હતો. ત્યારે આ અંગે ઇચ્છાપોર પોલીસ મથકમાં આરોપી મંગેશ તેના ભાઈ યોગેશ તથા અન્ય અજાણ્યા ચાર ઈસમો મળી કુલ સાત સામે ગુનો નોંધી તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...