સરથાણામાં યોગી ચોક વિસ્તારમાં જ્વેલર્સની દુકાનનાં બે જુથો રૂપિયા માટે લડાયા હતા. બંને જુથે એકબીજા પર હુમલો કર્યો હતો. એક જુથના ત્રણ ચપ્પુથી હુમલો કરી દોઢ કરોડ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં લૂંટીને નાસી ગયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મૂળ અમરેલીના દેવાળિયા ગામનો ચેતન ધીરુભાઈ સુખડિયા હાલ સ્વાતિ સોસાયટીમાં જ્વેલરીનું કામ કરે છે. સરથાણાના યોગી ચોકમાં આવેલા સાંઈ પેલેસ બિલ્ડિંગમાં જોલી સન્સ નામથી જ્વેલરીની દુકાન છે. બીજી તરફ ભેસ્તાનમાં રિદ્ધી સિદ્ધી એપાર્ટમેન્ટમાં રહેતો વિક્રાંત જગદીશ જોષી ફાઈનાન્સનું કામ કરે છે.
વરાછામાં હીરા બાગ પાસે આવેલા સારથી કોમ્પ્લેક્સમાં તેની જય અંબે ગૃપ નામની ફાઈનાન્સની ઓફિસ છે. આઠેક મહિલા પહેલા ચેતનને રૂપિયાની જરૂર હતી. તે વિક્રાંતને પહેલાથી ઓળખતો તેથી તેની હીરા બાગ પાસે આવેલી ઓફિસે જઈને 3100 ગ્રામ સોનાના ઘરેણાં ગીરવે મુકીને તેમની પાસેથી 1.5 કરોડ રૂપિયા ગોલ્ડ લોન પેટે વ્યાજે લીધા હતા. તે સમયસર હપ્તા પણ ભરતો હતો. 1.5 કરોડ રૂપિયા આપવાના બાકી હતા.
ગતરોજ સાંજે વિક્રાંત તેના મિત્રો આલોક, કૃણાલ ડોંડા અને બિરજુ ડોંડા સાથે ચેતનની યોગી ચોકમાં આવેલી જ્વેલરીની દુકાને ગયો હતો. તે સાથે ચેતને ગીરવે મુકેલા સોનાના ઘરેણાં પણ લઈ ગયો હતો. ત્યાં ચેતન ઉપરાંત ત્રણ અજાણ્યા હતા. તે સમયે વિક્રાંત અને ચેતન વચ્ચે રૂપિયાના કારણે મારામારી થઈ હતી. ચેતન તરફથી અજાણ્યાઓએ વિક્રાંતને ચપ્પુ માર્યું હતું.
કૃણાલ અને વિક્રાંતે એરગનના બટથી ચેતનને માર માર્યો હતો. આ બાબતે ચેતને આરોપી વિક્રાંત, આલોક, કૃણાલ અને બીરજુ વિરુદ્ધ સરથાણા પોલીસ સ્ટેશનમાં માર મારવાની ફરિયાદ આપી છે. તેની સામે વિક્રાંતે આરોપી ચેતન અને તેના ત્રણ અજાણ્યા સાગરિતો વિરુદ્ધ 3100 ગ્રામ સોનાના ઘરેણાં લૂંટીને નાસી જવાની ફરિયાદ આપી છે. પોલીસેે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી છે.
સોનુ ગીરવે મુકીને લીધેલા રૂપિયાનો વિવાદ
ચેતનને નાણાંની જરૂર પડતા વિક્રાંત પાસે લીધા હતા પણ વિક્રાંતને રૂપિયાની જરૂરત પડતા તે ચેતનને કહેતો હતો કે તેના બાકી રૂપિયા આપી જાય અને સોનું છોડાવીને લઈ જાય. પરંતુ ચેતન પાસે રૂપિયાની વ્યવસ્થા ન હતી. તેથી તેણે કહ્યું કે, સોનું કોઈ બેંકમાં મુકીને ગોલ્ડ લોન લઈને રૂપિયા આપી દેશે. આ માટે તેમની વાતચીત ચાલતી હતી.દરમિયાન આ ઘટના બની હતી. પોલીસે આ કેસમાં હજુ કોઈની ધરપકડ કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.