સુરતમાં સતત મૃત્યુઆંક કોરોના સંક્રમણને કારણે વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફૂલ થઈ ગયા છે. બધી જ બાજુ હાઉસફૂલના પાટિયા લાગી ગયા છે છતાં વહીવટીતંત્ર સ્વીકારવા તૈયાર નથી કે કોરોનાના કારણે મોતનો આંકડો ખૂબ મોટો થઈ રહ્યો છે. મોતના આંકડા સંતાડવા માટે વહીવટી તંત્ર ભલે ગમે તેટલા ખેલ કરે પરંતુ વાસ્તવિક સ્થિતિ આપણી સમક્ષ આવી રહી છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બતાવે છે કે શહેરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે.
સામાન્ય દિવસો કરતા પાંચ ગણા વઘારે મૃતદેહો
વહીવટીતંત્ર સવારથી સાંજના કોરોના સંક્રમિત વ્યક્તિઓના અને દિવસ દરમિયાન થયેલા કોરોના સંક્રમણને કારણે મોતના આંકડા ખૂબ ઓછા બતાવીને બધાને ગેરમાર્ગે દોરતી હોય તેવું લાગે છે. પોતાની નિષ્ફળતા છુપાવવા માટે આંકડાનો ખેલ ખેલી રહી છે. પરંતુ સામાન્ય દિવસોમાં જે સ્મશાનગૃહમાં મૃતદેહો પહોંચતા હતા તેના કરતાં પાંચ ગણા વધારે મૃતદેહો એકાએક કેવી રીતે પહોંચી રહ્યા છે. તે પણ એક મોટો વિષય છે. જો વહીવટીતંત્ર સાચા આંકડા આપણી સમક્ષ મૂકી રહ્યો છે તો સ્મશાનગૃહમાં આ પ્રકારે લાશના ઢગલા કેમ દેખાઈ રહ્યા છે તેની સ્પષ્ટતા કરવી અનિવાર્ય છે.
શબવાહિનીઓ સતત દોડતી રહે છે
સુરતના અશ્વિનીકુમાર કુરુક્ષેત્ર અને ઉમરા સ્મશાન ગૃહમાં ખૂબ ભયાવહ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. થોડા દિવસ પહેલાં મૃતદેહ લઈને જતી શબવાહિનીઓની લાઈનો જોવા મળતી હતી પરંતુ હવે મૃત્યુની સંખ્યા એટલી હદે વધી છે કે શબવાહિનીઓ મૃતદેહ સ્મશાનગૃહમાં છોડીને બીજો મૃતદેહ લેવા માટે પરત ફરી રહી છે અને તેના કારણે સતત લાશોનો ઢગ સ્મશાનગૃહમાં જોવા મળે છે.
તંત્ર સાચી સ્થિતનો ચિતાર આપતું નથી
સુરત શહેર સંપૂર્ણપણે કોરોના સંક્રમણ અજગરી ભરડામાં આવી ગયું છે. વહીવટી તંત્ર ભલે ન સ્વીકારે પરંતુ સુરત શહેરમાં કોરોના બેકાબૂ થઇ રહ્યો છે અને લોકોનો ભોગ લઈ રહ્યો છે. છતાં વહીવટીતંત્ર સ્પષ્ટપણે સાચી સ્થિતનો ચિતાર આપવો જોઈએ.
મોતનો આંક અકલ્પનીય રીતે વધવાની શક્યતા
સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે. પહેલા રોજ 500થી 600 જેટલા કોરોના પોઝિટિવ આવતા હતા.તે ને બદલે હવે 800 સુધી પહોંચી ગયો છે. જે બતાવે છે કે ખૂબ જ વધુ ગંભીર છે. તેનું નિર્માણ સુરત શહેરમાં જોવા મળી રહ્યું છે. જો રાજ્ય સરકાર તાત્કાલિક અસરથી કોઈ મોટા નિર્ણય નહીં લે તો સુરતની સ્થિતિ હજી પણ શકે છે અને મોતનો આંક અકલ્પનીય રીતે વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.