સુરત ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સુરત એરપોર્ટ ખાતે આવતા મુસાફરો કે જેઓએ કોરોના વેક્સિનના બંને ડોઝ મુકાવ્યા હશે તેઓને RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવશે તેમ જણાવી પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જોકે, વેક્સિનેશન મુકાવનાર મુસાફરે કોરોનાની વેક્સિન લીધી હોવાનું સર્ટિફિકેટ મહાનગરપાલિકાની ટીમને બતાવવાનું રહેશે.
ચેમ્બરની એરલાઇન્સના સ્ટેશન મેનેજર્સ સાથે મિટિંગ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે સુરત એરપોર્ટથી ફ્લાઇટ ઓપરેટ કરતી એરલાઇન્સના સ્ટેશન મેનેજર્સ સાથે મિટિંગ મળી હતી. સુરત એરપોર્ટથી વધારે ફ્લાઇટ ઓપરેટ કરવા અંગે તેમજ ફ્લાઇટ ઓપરેશન દરમિયાન એર લાઇન્સો અને મુસાફરોને પડતી નાની-મોટી મુશ્કેલી સંદર્ભે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મિટિંગમાં ચાર એરલાઇન્સના સ્ટેશન મેનેજર્સને આવકાર્યા હતા અને સુરતના ઔદ્યોગિક વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. સુરત એરપોર્ટના ડેવલપમેન્ટ માટે તેમજ ફ્લાઇટ ઓપરેશનમાં પડતી મુશ્કેલીને દૂર કરવા માટે ચેમ્બર દ્વારા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ચેમ્બરને સમસ્યાનું નિવારણ લાવવા માટે અનુરોધ કર્યો હતો
ગુજરાત રાજ્યના મોટાભાગના એરપોર્ટ ઉપર વેક્સિન મુકાવનાર મુસાફરો પાસેથી RT-PCR રિપોર્ટ માંગવામાં આવતા નથી. જ્યારે સુરત એરપોર્ટ ખાતે મુસાફરો પાસેથી સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા RT-PCR રિપોર્ટ માગવામાં આવે છે. જેને કારણે મુસાફરોને પરેશાની થાય છે. આથી જે મુસાફરોએ કોરોનાની વેક્સિન લીધી હોય તેઓને RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવે તે અંગે ચેમ્બરને મધ્યસ્થી કરી સમસ્યાનું નિવારણ લાવવા માટે અનુરોધ કર્યો હતો.
પ્લેનના બંને દરવાજાનો ઉપયોગ કરવા દેવા મંજૂરી આપવા અનુરોધ
સુરત એરપોર્ટ ખાતે પ્લેનના એક જ દરવાજેથી મુસાફરોને ઉતારવામાં આવે છે અને સાફસફાઇ બાદ એ જ દરવાજેથી મુસાફરોને પ્લેનમાં પ્રવેશ પણ આપવામાં આવે છે. આ બધી કામગીરી અડધા કલાકમાં કરવાની હોવાથી એર લાઇન્સ માટે અગવડતા ઉભી થાય છે અને સમયનો પણ વ્યય થાય છે. આથી જરૂરિયાત પ્રમાણે જ્યારે પ્લેનમાંથી વધારે મુસાફરો ઉતરતા હોય અને વધારે મુસાફરો ચડવાના હોય ત્યારે બંને દરવાજાનો ઉપયોગ કરવા દેવામાં આવે તે અંગે મંજૂરી અપાવવા માટે ચેમ્બરને મધ્યસ્થી કરી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અનુરોધ કરાયો હતો.
એક ડોઝ લેનારને પણ RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ આપવા અનુરોધ
ચેમ્બર દ્વારા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમને રૂબરૂ મળીને સુરત એરપોર્ટ ખાતે એર લાઇન્સોને પડી રહેલી મુશ્કેલી સંદર્ભે રજૂઆત કરાઇ હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી એસ.ઓ.પી. મુજબ સુરત એરપોર્ટ ખાતે મુસાફરો પાસેથી 72 કલાકની અંદરનો RT-PCR રિપોર્ટની તપાસ કરવામાં આવતી હતી. આથી ચેમ્બરે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજૂઆત કરી હતી કે, વેક્સિન મુકાવનાર મુસાફરોને RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવે. એક વેક્સિન લેનાર મુસાફરને પણ RT-PCR રિપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવે તેવો અનુરોધ ચેમ્બર દ્વારા કરવામાં આવ્યો હતો.
એરલાઈન્સ મેનેજરોએ ચેમ્બરને આ મુદ્દે પણ રજૂઆત કરી
એરપોર્ટ પર પ્લેનના એક જ દરવાજેથી મુસાફરોને ઉતારી સાફસફાઇ બાદ એ જ દરવાજેથી પ્રવેશ પણ અપાય છે. આ કામગીરી અડધો કલાકમાં કરવાની હોવાથી એર લાઇન્સ માટે અગવડ ઉભી થાય છે અને સમય પણ બગેડ છે. આથી જરૂરિયાત પ્રમાણે જ્યારે પ્લેનમાંથી વધારે મુસાફરો ઉતરતા હોય કે વધારે ચડવાના હોય ત્યારે બંને દરવાજાનો ઉપયોગ કરવા દેવામાં આવે તે અંગે મંજૂરી અપાવવા ચેમ્બરને મધ્યસ્થી કરી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે અનુરોધ કરાયો હતો.
મુસાફરોના સમય-પૈસા બચશે
ચેમ્બરના પ્રમુખ આશિષ ગુજરાતીએ કહ્યું કે, ‘ગુજરાતના અન્ય એરપોર્ટ પર આરટીપીસીઆર રિપોર્ટ મંગાતા નથી. ચેમ્બરની રજૂઆત બાદ હવે આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ માંગવમાં આવશે નહીં. જેથી મુસાફરોનો સમય બચી ફાયદો થશે. પરંતુ જો વેક્સિન મુકાવી હશે તો જ આ રિપોર્ટ માંગવામાં નહીં આવે. આ સાથે જ મુસાફરે વેક્સિનેશન સર્ટિફિકેટ મહાપાલિકાની ટીમને બતાવવાનું રહેશે.
નિર્ણય ઘણો સારો છે પણ પરિપત્ર નથી મળ્યો
એરપોર્ટ ડિરેક્ટર અમન સૈનીએ કહ્યું હતું કે, નિર્ણય ખૂબ જ સારો લેવાયો છે, પણ અમારી પાસે આ મામલે મહાપાલિકાનો કોઇ પણ પરિપત્ર આવ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટથી એક દિવસમાં 22 ફ્લાઇટ ઓપરેટ થઇ રહી છે જેમાં 2700 પેસેન્જરો અવર જવર કરી રહ્યા છે.
કોરોના હાલમાં કાબૂમાં છે માટે આ નિર્ણય લીધો
જેમણે બંને ડોઝ મુકાવ્યા છે તેમને આરટીપીસીઆર ટેસ્ટ વગર એરપોર્ટ પરથી એન્ટ્રી આપવામાં આવશે. સુરતમાં હાલ કેસ ઓછા છે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.’ > બંછાનિધી પાની,કમિશનર, મનપા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.