આ પાર્ટી મોંઘી પડશે:સુરતમાં ડુમસના રઘુવીર મોલમાં DJ પાર્ટી, કોરોનાના કેસોમાં વધારો ને યુવાનો ચડ્યા મોજ-મસ્તીના રવાડે

સુરત4 મહિનો પહેલા
સુરતના યુવાનો પાર્ટી કરવામાં કોરોના ભૂલ્યા.
  • ડુમસ રોડના રઘુવીર મોલમાં પાર્ટી યોજાઈ અને ડીજેની તાલે યુવાઓ ગાઇડલાઇનનું ભાન પણ ભૂલી ગયા હતા
  • પોલીસ પોતાના વિસ્તારમાં યોજાતી પાર્ટીઓ સામે પગલાં નહીં લે તો હું એમની સામે પગલાં લઈશઃ પોલીસ કમિશનર

કોરોના સંક્રમણ ફરી એક વખત માથું ઉચકી રહ્યું છે ત્યારે સુરત શહેરમાં નાઈટ ડીજે પાર્ટીઓનું ચલણ ખૂબ જ વધ્યું છે. ગત રોજ જ એક ડીજે પાર્ટીના વાઇરલ વીડિયો બાદ આજે ડુમસ રોડના રઘુવીર મોલમાં યોજાયેલી પાર્ટીના વીડિયો વાઇરલ થયા છે. આ પ્રકારની પાર્ટીઓને લઈને ફરી એક વખત સુરત પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. કોરોનાકાળની બીજી લહેર બાદ જે રીતે ડીજે પાર્ટીઓના સમયાંતરે વીડિયો વાઇરલ થઇ રહ્યા છે તે જોતાં સુરત પોલીસ આવી પાર્ટીઓ ઉપર અંકુશ લગાવવામાં નિષ્ફળ જતી હોય તેવું સ્પષ્ટ દેખાય છે.

એક પણ યુવક યુવતીના ચહેરા ઉપર માસ્ક જોવા ન મળ્યું
ડુમસ વિસ્તારની અંદર ડીજે નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રીત થયા હતા. એક પણ યુવક યુવતીના ચહેરા ઉપર માસ્ક જોવા મળ્યું ન હતું અને સોશિયલ સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાયું ન હતું. મન મૂકીને યુવાવર્ગ ડીજે પાર્ટીમાં ડોન્સ કરતાં જોવા મળ્યા હતા. તેમને જાણે કોરોનાનો કોઈપણ પ્રકારનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે.

સુરત પોલીસ જાણે ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે
સુરતના પોશ વિસ્તારોમાં સતત પાર્ટીઓનું આયોજન થઈ રહ્યું છે તો પણ સુરત પોલીસ જાણે ઊંઘતી હોય તેવું લાગી રહ્યું છે. સુરતના પોશ વિસ્તારનાં નબીરા ડીજે પાર્ટીઓમાં મસ્તી કરી રહ્યા છે ત્યારે સુરત પોલીસ આવી પાર્ટીઓનું આયોજન કરનારાઓને અંકુશમાં રાખવામાં સદંતર નિષ્ફળ થઇ રહી છે. વારંવાર થતી પાર્ટીઓનો અર્થ એવો સમજી શકાય કે કદાચ પોલીસ અને આ બાબતની જાણ હોવા છતાં પણ અંદરખાનેથી તેમને મંજૂરી આપતા હોય તેવું બની શકે. કારણ કે અત્યાર સુધી આ ડીજે પાર્ટીનું આયોજન કરનારા સામે પોલીસે કોઇ પણ પ્રકારના સખત પગલા લીધા નથી તેથી જ આવા આયોજકો બેફિકરાઈથી કોરોના ગાઇડલાઇન ઉલ્લંઘન કરીને આયોજન કરતા હોય છે.

પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા.
પાર્ટીમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્રિત થયા હતા.

પીપલોદમાં ડીજે પાર્ટીના આયોજકની ધરપકડ
પીપલોદના રેસ્ટોરન્ટમાં ડીજે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે આયોજક સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. પીપલોદના કારગીલ ચોક ખાતે મી.મલ્ટીકિજન રેસ્ટોરન્ટના બેંકવેટ હોલમાં 25મી તારીખે શનિવારે રાત્રે ડાન્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ યુવક-યુવતીઓ સામેલ હતા. ડીજેના તાલે મોટા ઘરના નબીરાઓ ડાન્સના તાલે ઝુમી રહ્યા હતા. એક યુવતીએ વીડિયો અપલોડ કરતાં ભાંડો ફૂટ્યો હતો. ઉમરા પોલીસે જાતે ફરિયાદી બનીને પાર્ટીનું આયોજન કરનાર વૈભવ નયન શાહ(26)(રહે, વિશ્વનગર સોસા, ગણેશપુરા, અમરોલી)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જોકે રેસ્ટોરન્ટના માલિકે પણ આ પરવાનગી કેવી રીતે આપી તે એક તપાસનો વિષય છે.

સરકારની એસઓપીને ધ્યાનમાં રાખીને તમામ નીતિ નિયમો પાળવા ફરજિયાત
સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે સરકારની એસઓપીને ધ્યાનમાં રાખીને તમામ નીતિ નિયમો પાળવા ફરજિયાત છે. શહેરના તમામ પોલીસ અધિકારીઓને આ બાબતે આદેશ આપી દેવામાં આવ્યા છે કે કોરોનાની ગાઈડલાઈન ઉલ્લંઘન થાય તો તેમની સામે કાર્યવાહી કરવી. ડીજે પાર્ટીઓ જે થઈ રહી છે તે મારા ધ્યાન પર નથી આવી પરંતુ જે અધિકારી પોતાના વિસ્તારમાં યોજાતી પાર્ટીઓ સામે પગલાં નહીં લે તો હું એમની સામે પગલાં લઈશ.