સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સમયાંતરે અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. તેના કારણે વિવાદો ઊભા થતા રહે છે. ત્યારે હોસ્પિટલના બીજા માળે હરણ્યા અને પ્રોસ્ટેટની સારવારના વોર્ડમાં રાત્રે શ્વાન પ્રેવેશી ગયો હતો. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ બેડના નીચે બિન્દાસ્ત રીતે શ્વાન ફરતો દેખાય છે. મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરેલું હોય છે. આવા સારવાર લેવા માટે આવેલા દર્દીઓને જો શ્વાન કરડી જાય અથવા તો કોઈ નાનું બાળક ત્યાં હોય તો તેને માટે પણ જોખમ સાબિત થઈ શકે છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વોર્ડમાં ફરી રહ્યા હોવા છતાં સુપરિન્ટેન્ડેન્ટે કહ્યું કે, દરેક વોર્ડમાં ગાર્ડ છે એટલે શ્વાનને પ્રવેશવા દેવાતા નથી તેવું કહ્યું છે.
શ્વાનને સ્ટાફ પણ અટકાવતા નથી
સિવિલના વોર્ડમાં શ્વાન પ્રવેશીને આંટા મારી રહ્યો હોવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હદ તો ત્યારે થઇ કે, નર્સિંગ સ્ટાફ પણ કૂતરાને વોર્ડમાંથી બહાર કાઢવાની તસ્દી નથી લઈ રહ્યાં.સિવિલ હોસ્પિટલમાં દરવાજે સિક્યુરિટી ગાર્ડ છે. છતાં શ્વાન વોર્ડમાં ઘુસી ગયો. ખરેખર યોગ્ય બાબત નથી. વીડિયો ઉતારનાર જ્યારે ત્યાં કામ કરતા વોર્ડબોયને પૂછે છે કે, આવી જ રીતે શ્વાન ઘૂસી આવે છે. તો તે ઈશારો કરીને માથું હલાવીને હા કહે છે. ભૂતકાળમાં પણ પીએમ રૂમમાંથી કુતરાઓ માંસનો ટૂકડો લઈને બહાર જતા હોવાના પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા.
સુપરિન્ટેન્ડેન્ટનો લૂલો બચાવ
આ બાબતે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું તો જાણે તેમને આ બાબતને કોઈ જાણ જ ન હોય અને એકદમ સહજતાથી જવાબ આપી દીધો કે, વોર્ડમાં શ્વાન ન આવી શકે. અમે દરેક વોર્ડમાં ગાર્ડ રાખ્યા છે. તેઓ શ્વાનને અંદર આવવા દેતા નથી. જોકે વાઈરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, શ્વાન વોર્ડમાં બિન્દાસ્ત રીતે ફરી રહ્યું છે અને તંત્રની બેદરકારી છતી થઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.