• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Congress Protests At Nawadi Owara In Surat, Said Tapi Squandered Crores Of Rupees By Showing Dreams Of Purification And Riverfront

વિકાસ દિવસનો વિરોધ:સુરતમાં કોંગ્રેસનો નાવડી ઓવારા ખાતે વિરોધ, કહ્યું- તાપી શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટના સપના બતાવીને કરોડો રૂપિયા ચાઉં કર્યા

સુરત3 મહિનો પહેલા
કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ નાવડી ઓવારા ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા.
  • રૂપાણી સરકાર વિકાસ દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસ વિકાસ ખોજનો કાર્યક્રમ આપી વિરોધ

કોંગ્રેસ દ્વારા વિકાસ ખોજ કાર્યક્રમ અંતર્ગત વિકાસના મુદ્દાને લઈને કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે સુરતમાં નાવડી ઓવારા ખાતે પહોંચીને ભાજપનો વિરોધ દર્શાવ્યો હતો. રૂપાણી સરકાર વિકાસ દિવસની ઉજવણી કરી રહી છે ત્યારે કોંગ્રેસ વિકાસ ખોજનો કાર્યક્રમ આપીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવી રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ નાવડી ઓવારા ખાતે પહોંચીને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને ડિટેઈન કરી લીધા હતા.

ભાજપની સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે ને વાસ્તવિકતા વિપરીત
2006માં ઓગસ્ટ મહિનામાં સુરતમાં પૂર આવ્યું હતું. જેમાં ભારે તારાજી સર્જાઇ હતી અને તેમાં પણ સરકારની નિષ્ફળતા સામે આવી હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. ભાજપની સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા તેનાથી ખૂબ વિપરીત જોવા મળી રહી છે. સુરતની પ્રજાને રિવરફ્રન્ટના મોટા સપના બતાવીને કરોડો રૂપિયાનું ફંડ વાપરવામાં આવ્યું છે. આજે રીવરફ્રન્ટ યોજના ક્યાં છે તે કોઈને ખબર નથી અને તેના નામે કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા છે.

પોલીસને આગળ કરીને કોઇપણ કાર્યક્રમ દરમિયાન અટકાયત કરી લેવામાં આવતી હોવાનો આક્ષોપ.
પોલીસને આગળ કરીને કોઇપણ કાર્યક્રમ દરમિયાન અટકાયત કરી લેવામાં આવતી હોવાનો આક્ષોપ.

તાપી નદીને શુદ્ધ કરવામાં સદંતર નિષ્ફળ
કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, ભાજપની સરકાર તાપી શુદ્ધિકરણને લઈને અનેક વખત કરોડો રૂપિયાની જાહેરાત કરી ચૂકી છે પરંતુ તાપી નદીને શુદ્ધ કરવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. ચોમાસામાં નદીમાં આવતા નવા નીરના કારણે તાપીની જળકુંભી કંઈક અંશે ઓછી થઇ જાય છે પરંતુ તે જળકુંભી દૂર કરવાના નામ પર કરોડો રૂપિયા ફૂંકી મારવામાં આવે છે. જળકુંભી કાઢવા માટે લગાવવામાં આવતા મશીનોમાં કામગીરીના નામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર અધિકારીઓ અને ભાજપના નેતાઓ કરી રહ્યા છે. મુખ્યમંત્રી દ્વારા વારંવાર તાપી શુદ્ધિકરણને લઈને મોટું ફંડ આપવાની જાહેરાત કરવામાં આવે છે પરંતુ આજ સુધી તેઓ તાપી શુદ્ધિકરણ કરી શક્યા નથી.

કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી.
કોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી.

રીવરફ્રન્ટ યોજના નિષ્ફળ પુરવાર થઇ
કોંગ્રેસના નેતા નૈષદ દેસાઈએ જણાવ્યું કે અમદાવાદના રિવરફ્રન્ટની માફક સુરતમાં પર રિવરફ્રન્ટ તૈયાર કરવામાં આવશે પ્રકારની જાહેરાતો ચૂંટણી દરમિયાન કરવામાં આવી અને તેના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે, આજે રીવરફ્રન્ટ યોજના નિષ્ફળ પુરવાર થઇ છે. સુરતની પ્રજાના પૈસા કેવી રીતે વેડફાયો છે તેનો ખુલાસો ભાજપની સરકારે આપવો જોઈએ. તાપી શુદ્ધિકરણની વાતો પણ મોટી મોટી કરવામાં આવી, ગંગા સફાઈ અભિયાનની માફક તાપી શુદ્ધિકરણ કરવામાં આવશે એવી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતામાં એક પણ કામ ભાજપ શાસકોએ કર્યા નથી. લોકશાહીમાં વિરોધ કરવાનો તમામ નાગરિકોને હક છે પરંતુ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓને વિરોધ પણ કરવા દેવામાં આવતા નથી અને પોલીસને આગળ કરીને કોઇપણ કાર્યક્રમ દરમિયાન અમારી અટકાયત કરી લેવામાં આવે છે જે તાનાશાહીનું ઉદાહરણ છે.