દેશભરમાં હાલ હનુમાન ચાલીસા પઠનને લઈને અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હિન્દુ શાસ્ત્ર મુજબ હનુમાન ચાલીસાના પાઠનો ધાર્મિક રીતે અલગ જ મહત્વ છે. બાળકોમાં એકાગ્રતા અને આત્મવિશ્વાસ આવે તે માટે હનુમાન ચાલીસાનો સામૂહિક પઠનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતના પુણામાં આવેલી નાલંદા વિદ્યાલયમાં 3100 બાળકોએ એક સાથે હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું અને ત્રણ રેકોર્ડ બનાવ્યા હતા.
નાલંદા વિદ્યાલયમાં સામૂહિક હનુમાન ચાલીસા પઠન
પુણા વિસ્તારમાં આવેલી નાલંદા વિદ્યાલયના કેમ્પસમાં આજે સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો હતો. શાળાના કેમ્પસમાં જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા હનુમાન ચાલીસા પઠન માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર હનુમાન ચાલીસા પઠનમાં ભાગ લીધો હતો.
3100 વિદ્યાર્થીઓએ 21 વખત હનુમાન ચાલીસા વાંચી
શાળાના કેમ્પસમાં જ સવારમાં વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 3100 જેટલા વિદ્યાર્થીઓ એક સાથે હાજર રહીને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તમામ હાજર વિદ્યાર્થીઓએ 21 વખત હનુમાન ચાલીસાનું એક સાથે પઠન કરતાં ધાર્મિક માહોલ ઊભો થયો હતો. વિદ્યાર્થીઓમાં પણ અનેરો આનંદ જોવા મળ્યો હતો. શહેરમાં પ્રથમ વખતે એકી સાથે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હનુમાન ચાલીસાનું પઠન કર્યું હોય એવો આ પહેલો કિસ્સો છે.
વિદ્યાર્થીઓએ ત્રણ રેકોર્ડ નોંધાવ્યા
નાલંદા વિદ્યાલય એકેડમી ડાયરેક્ટર શિવ મિશ્રાએ જણાવ્યું કે કળિયુગમાં સૌથી સરળ રીતે અને ઝડપથી પ્રસન્ન થાય એવા હનુમાનજી ભગવાન છે. વિદ્યાર્થીઓમાં પણ રામાયણ જોવાથી લઈને અન્ય ધાર્મિક ચર્ચાઓમાં હનુમાનજી કેન્દ્રસ્થાને રહે છે. હનુમાન ચાલીસાનું પઠન કરવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો વધારો થાય છે અને એકાગ્ર શક્તિ પણ વધે છે એવું અમારું માનવું છે. વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા કોઈપણ ભય વગર અને સ્વસ્થતાથી આપે તે માટેનો અમારો પ્રયાસ છે. આજે એક સાથે 3100 બાળકોએ સામૂહિક હનુમાન ચાલીસાનું પઠન કરતા લંડન બુક અને વર્લ્ડ બુકમાં સ્થાન મેળવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.