લોકોના જીવ સાથે રમત:સુરતમાં સતત ત્રીજા દિવસે હડતાળ, મધરાતે ગર્ભવતી મહિલા સહિત 6 દર્દી સારવાર વિના રઝળ્યા,

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓક્સિજનના બાટલા સાથે રિક્ષામાં સ્મીમેર ગયેલા વલસાડના દર્દીએ પરત આવવું પડ્યું - Divya Bhaskar
ઓક્સિજનના બાટલા સાથે રિક્ષામાં સ્મીમેર ગયેલા વલસાડના દર્દીએ પરત આવવું પડ્યું
  • સિવિલ સુપ્રિટેન્ડન્ટની ચિમકી ઇન્ટર્ન ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે
  • સિવિલ-સ્મિમેરમાંથી રીતસરની ચલકચલાણી રમાડાતાં દર્દીઓની મુશ્કેલી વધી
  • મોડીરાતે અન્ય હોસ્પિટલમાં રિફર કર્યા, દિવસે પણ સંખ્યાબંધ અટવાયા

કોવિડ કાળમાં કરેલી કામગીરીનો બોન્ડેડ યોજના હેઠળ બમણો લાભ આપવા સહિતની માંગણીઓ સાથે હડતાળ ઉપર ઉતરેલા નવી સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબો ત્રીજા દિવસે પણ હઠાગ્રહ કેળવી કામથી અળગા રહ્યાં હતાં. જેને લીધે આખા દક્ષિણ ગુજરાતના દર્દીઓ તથા પરિવારજનોને હેરાન થવું પડી રહ્યું છે. હડતાળના લીધે લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યાં હોવાના કિસ્સા પણ સામે આવ્યાં છે. રેસિડન્ટ તબીબોને મનાવવાના તમામ પ્રયોસો બાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટે હડતાળ ન સમેટાય તો એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહીના સંકેત આપ્યાં છે.

હડતાળ ઉપર ઉતરેલા રેસિડન્ટ તબીબોના લીધે નવી સિવિલની વ્યવસ્થા ભાંગી રહી છે. ગુરૂવારે કેઝ્યુલિટી વિભાગમાં પણ તેની અસર જોવા મળી હતી. મધરાતે કટોકટીમાં આવેલાં કુલ ૬ દર્દીઓને તબીબોની ગેરહાજરીમાં એક પછી એક સ્મીમેરમાં રેફર કરી દેવાયાં હતાં. સિવિલ સત્તાધિશોને બહારથી તબીબો સહિતનો મેડિકલ સ્ટાફ બોલાવવાની નોબત પડી છે. સુપ્રિટેન્ડ ડો. ગણેશે કહ્યું કે, તાકીદના ધોરણે બહારથી ૨૬ મેડિકલ ઓફિસર તથા ૨૮ ટ્યુટર મંગાવી લેવાયા છે.

જ્યારે સર્જન વિભાગના ૪૨ જેટલા તબીબોને પણ અલગ-અલગ નિમણૂંક અપાઇ છે. ૯ આસિસ્ટન્ટ પ્રોફેસરને પણ જવાબદારી સોંપાઇ છે.હોસ્પિટલ પરિસરની કોવિડ હોસ્પિટલમાં પણ તબીબોને ગેરહાજરીથી કામગીરી પ્રભાવિત થઇ હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. જેના પગલે સિવિલ સુપ્રિટેન્ડન્ટે મોર્નિંગ મિટિંગમાં જ ટીબી વિભાગના તબીબોને કોવિડ હોસ્પિટલમાં ગોઠવી દેવાની સુચના આપી હોવાનું જણાવ્યું હતું.

ઓક્સિજનના બાટલા સાથે રિક્ષામાં સ્મીમેર ગયેલા વલસાડના દર્દીએ પરત આવવું પડ્યું
વલસાડ સિવિલમાંથી મંગુ મોહનને ફેફસા સંબંધિત સારવાર માટે સુરત સિવિલ ખસેડાયો હતો. તેના પરિવારજનો ઓક્સિજન પર શ્વાસ લઇ રહેલાં મંગુને લઇ ભટકી રહ્યા હતાં. જોકે સિવિલ સ્ટાફે રાતે 11.20 વાગ્યે તેમને સ્મીમેર જવા કહી દીધું હતું. મંગુના સંબંધીએ કહ્યું કે, એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા ન કરાતાં ઓક્સિજન સપોર્ટ સાથે રીક્ષામાં સ્મીમેર લઇ ગયાં હતાં. જોકે ત્યાં પણ હડતાળને લીધે પરિજનો નિરાશા સાથે સિવિલ હોસ્પિટલ પરત જવા રવાના થયાં હતાં.

મગજના ખુલ્લા ઘા સાથે દર્દીને સિવિલ મોકલાયો
અકસ્માતમાં મગજમાં ગંભીર ઇજા સાથે સ્મીમેર પહોંચેલા દર્દીને સિવિલ રિફર કરાયો હતો. ખુલ્લા ઘા સાથે સારવાર માટે ભટકી રહેલાં દર્દીને જોઇ પહેલાં તો સિવિલ સત્તાધારીઓ પણ ચોંકી ગયાં હતાં.

લેબર પેઇન સાથે આવેલી ગર્ભવતીની પીડા પણ ન સમજી
દર્દીઓને રિક્ષાની સેવા આપતા ચાલક ફારૂકભાઇએ કહ્યું કે, મોડી રાતે સિવિલ આવેલી ગર્ભવતી મહિલાને છેલ્લી ઘડીની પીડા ઉપડતા પ્રસુતા વિભાગ મોકલાઇ હતી. જોકે જરૂરી સારવાર ન મળતાં તે લેબર પેઇન સાથે અટવાતી હતી. કણસતી ગર્ભવતીની લાચારી જોવા છતાં સ્ટાફના કઠોર હૃદય બદલાયા ન હતાં. બ્લકે તેણીને સ્મીમેર લઇ જવા કહી દેવાયું હતું.