છેતરપિંડી:કલામંદિર જ્વેલર્સમાં બે ગઠિયા નકલી બિસ્કિટ વેચી સોનાની ચેઇન લઈ ગયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દિવાળીએ 4 નકલી બિસ્કિટ વેચનાર સેલવાસના ઠગ ફરી આવ્યા હતા
  • CCTVના ફૂટેજના​​​​​​​ આધારે સ્ટાફે બંનેને ઓળખી લેતા પોલીસ બોલાવી

ઘોડદોડ રોડ પર આવેલા કલામંદિર જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા બે ગઠિયાઓએ નકલી સોનાની 4 બિસ્કિટ આપીને અસલી સોનાની 2.06 લાખ રૂપિયાની ચેઇન લઈ ગયા હતા. સેલવાસના બંને ગઠિયા 20 દિવસ પછી ફરી આ જ જ્વેલર્સમાં કસબ અજમાવવા આવતાં સ્ટાફે અગાઉના સીસીટીવી ફૂટેજના આધારે ઓળખી લઈ પોલીસને બોલાવી હતી.

ઘોડદોડ રોડ પર કલામંદિર જ્વેલર્સમાં 4 નવેમ્બરે દિવાળીના દિવસે 2 જણા ગ્રાહક બનીને આવ્યા હતા. તેઓએ સોનાના 4 બિસ્કિટ આપી તેની સામે અસલી સોનાની ચેઇન 2.06 લાખની ખરીદી હતી. તે સમયે બંનેએ પોતાનું નામ પણ જણાવ્યું હતું. જ્વેલર્સના સ્ટાફે અન્ય ઘરેણાં બનાવવા માટે 2 દિવસ બાદ તે બિસ્કિટ ઓગાળતા અન્ય ધાતુ નીકળી હતી. તેના પર સોનાનો ઢોળ ચડાવેલો હતો. તેથી સ્ટાફ ચોંકી ગયો હતો. જોકે તે સમયે તેઓએ પોલીસને જાણ કરી ન હતી કે ફરિયાદ આપી ન હતી. તેઓએ શો-રૂમમાં લાગેલા સીસી ફુટેજ પરથી બંને ગઠિયાના ફોટા લીધા હતા.

તેઓએ પોતાના સ્ટાફ અને ઓળખીતાઓને ફોટા આપી તેમના પર વોચ રાખવા અને સમયસૂચકતા વાપરી પકડી લેવાનું નક્કી કર્યું હતું. મંગળવારે બંને જણા ફરીથી આવ્યા હતા. ફરીથી કહ્યું કે, તેમની પાસે સોનાની બિસ્કિટ છે જે આપીને બીજા ઘરેણાં લેવા છે. સ્ટાફ તેમને ઓળખી ગયો હતો. તેમને વાતોમાં રાખીને પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ત્યાર બાદ ઉમરા પોલીસ આવી અને બંનેને લઈ ગઈ હતી. બંનેના નામ ગોટુલાલ પ્રભુજી ગુર્જર, કિશન છગનલાલ ગુર્જર(બંને રહે. પ્રમુખ નક્ષત્ર સોસાયટી, સામરવાડી,સેલવાસ,મૂળ રહે રાજસ્થાન) છે.

બંને પાસેથી પોલીસે 5 નકલી બિસ્કિટ કબજે કર્યા છે. કલામંદિર જ્વેલર્સના સ્ટાફ રાજેન્દ્રસિંહ રાજપુરોહિતે ઉમરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ કબુલાત કરી કે, તેઓએ ભરૂચ,કોસંબા અને વાપીમાં પણ જ્વેલર્સો સાથે આવી રીતે છેતરપિંડી કરી છે.

અન્ય સમાચારો પણ છે...